• Home
  • News
  • સાળંગપુર રેલવે અંડરબ્રિજ પર બે આખલાનું યુદ્ધ જામ્યું; જેવો બાઇકસવાર નીકળ્યો ને પળવારમાં જ આખલો ઉપરથી નીચે પડ્યો
post

શહેરના મુખ્ય માર્ગોમાં પશુઓ અડિંગો જમાવીને બેઠાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-01 19:03:04

હાલ રખડતાં ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રખડતાં ઢોરના આતંકની ઘટના અવરનવાર સામે છે. ઘણીવાર રસ્તા વચ્ચે જ આખલાઓનું યુદ્ધ શરૂ થઈ જાય છે, જેના કારણે રાહદારીઓમાં પોતે આખલાના નિશાન ન બને એનો ભય પ્રસરી જતો હોય છે. આવી જ એક આખલા યુદ્ધની ઘટના બોટાદના સાળંગપુરમાં બનવા પામી. સાળંગપુર રોડ પર રેલવે અંડરબ્રિજની ઉપર બે આખલાનું યુદ્ધ જામ્યું હતુ. ત્યાં અચાનક એક આખલો અંડરબ્રિજ પરથી નીચે પટકાયો, જેની માત્ર બે સેકન્ડ પહેલાં જ એક બાઈકસવાર ત્યાંથી પસાર થયો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

અંડરબ્રિજ ઉપરથી યુદ્ધ દરમિયાન આખલો નીચે પટકાયો
સમગ્ર બોટાદ શહેરમાં જ્યાં નજર નાખો ત્યાં રખડતાં પશુઓ જોવા મળે છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. રસ્તા પર રખડતાં પશુઓને કારણે અનેકવાર અકસ્માતો પણ સર્જાયા છે. ત્યારે રેલવે અંડરબ્રિજ પર બે આખલાના યુદ્ધના સીસીટીવી સામે આવ્યા છે. જ્યાં શહેરના સાળંગપુર રોડ પર રેલવે અંડરબ્રિજની ઉપરની સાઈડમાં બે આખલા તોફાને ચડ્યા હતા અને આખલા યુદ્ધ સર્જાયું હતું. એમાં એક આખલો અંડરબ્રિજ ઉપરથી યુદ્ધ દરમિયાન નીચે પટકાયો હતો. સદનસીબે એ સમયે કોઈ વાહનચાલક પસાર ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી અને એ પહેલાં એક બાઈકસવાર ત્યાંથી પસાર થઈ જતાં તેનો પણ જીવ બચ્યો હતો. આ આખલા યુદ્ધની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.

શિંગડાં પર ઉઠાવી લઈ વૃદ્ધાને રસ્તા પર પટક્યાં
થોડા દિવસ પહેલાં મોરબીમાં આખલા યુદ્ધની એક ઘટના બનવા પામી હતી, જેમાં વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં બે વૃદ્ધ મહિલા રસ્તા પરથી ચાલીને જઈ રહી હતી. ત્યારે બે રખડતાં ઢોર ત્યાં આવે છે. એક ઢોર બેકાબૂ થઈને વૃદ્ધાની પાછળ દોડે છે. વૃદ્ધા પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે, એની સાથે રહેલી અન્ય મહિલા પણ ત્યાં આવે છે, પરંતુ ત્યાં સુધીમાં વૃદ્ધાની પાછળ રહેલું ઢોર તેમને પોતાના શિંગડાં પર ઉઠાવી લઈ જોરથી રસ્તા પર પટકે છે. એને પગલે વૃદ્ધા ઇજાગ્રસ્ત થઇને બેભાન થઈ જાય છે. જ્યારે વૃદ્ધાના હાથમાં રહેલી થેલીમાંનો સમાન વેરવિખેર થઈને રસ્તા પર ફેલાઇ જાય છે. અન્ય મહિલા વૃદ્ધાની પાસે પહોંચે છે અને આસપાસના લોકોની મદદથી વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.

20 દિવસ પહેલાં આખલાઓના યુદ્ધમાં આધેડ અડફેટે ચડ્યા હતા
મોરબી જિલ્લાના મકનસર ગામમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું. વૃદ્ધ લાકડી લઈને આખલા યુદ્ધને શાંત અને છૂટા પાડવા ગયા હતા, પરંતુ બન્યું કંઈક એવું કે અચાનક જ આખલો દોડતો આવ્યો અને આધેડને અડફેટે લઈ હવામાં ઉછાળ્યા હતા. એને લીધે વૃદ્ધ રોડ પર ઢસડાતાં તેમને મોઢે અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આખલા યુદ્ધની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી.

વૃદ્ધ રોડ પર ઢસડાતાં મોઢે અને પગમાં ઈજા પહોંચી હતી
મોરબીના મકનસર ગામમાં આખલાનો ત્રાસ જોવા મળ્યો હતો. ગામમાં 55 વર્ષીય આલાભાઇ રબારી શેરીમાં હતા ત્યારે આખલાએ તેમને હવામાં ઉછાળ્યા હતા, જેથી તેમને મોઢામાં ફ્રેક્ચર અને પગમાં ઈજા પહોંચતાં સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઇ છે, જેમાં આખલો દોડતો આવીને આધેડને ઉલાળીને જતો રહે છે. મોરબી શહેરમાં પણ રખડતાં ઢોરનો ત્રાસ અનેક વખત જોવા મળ્યો છે, જેને લઈ ગ્રામજનોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. આવાં રખડતાં ઢોરના ત્રાસમાંથી કાયમી મુક્તિ આપવા માટે લોકો માગ કરી રહ્યા છે. ઘટના બાદ લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં અને આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

શહેરના મુખ્ય માર્ગોમાં પશુઓ અડિંગો જમાવીને બેઠાં છે
ઉલ્લેખનીય છે કે મોરબીના શહેરી વિસ્તારમાં પણ રખડતાં પશુઓની સમસ્યા જોવા મળી રહી છે. શહેરીજનોને રોજબરોજ કનડતી સમસ્યામાં રખડતાં ઢોરની રંજાડ જોવા છે, જેમાં મુખ્ય વિસ્તારો રવાપર ચોકડી, વાવડી રોડ, ગેસ્ટહાઉસ રોડ વગેરે જેવા મુખ્ય માર્ગોમાં પશુઓ અડિંગો જમાવીને બેસી જાય છે. ત્યારે તંત્ર શું આ રીતે અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એવું ચર્ચાઈ રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post