• Home
  • News
  • બે હાર્ટ એટેક, નિવૃત્તિને 3 માસ બાકી છતાં ASI રોજ 8 કલાક રોડ પર બંદોબસ્તમાં
post

વસ્ત્રાપુરના ASIની લોકોને અપીલ, ઘરમાં રહેશો તો જ કોરાના જેવા અદૃશ્ય રાક્ષસને નાથી સુરક્ષિત રહી શકીશું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-31 09:56:10

અમદાવાદ: મારી ઉંમર 58 વર્ષની છે, મને 2 હાર્ટ એટેક આવી ચૂક્યા છે અને મારું હૃદય માત્ર 25 થી 30 ટકા જ કામ કરી રહ્યુ છે. જેના કારણે મારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ બહુ જ ઓછી છે. અગાઉ મને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા પણ થઇ ગયો હતો. તેમ છતાં હાલની કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં હું ફરજ બજાવી રહ્યો છે. મારે લોકોને બસ એક જ વિનંતી કરવી છે કે, અત્યારે આપણે બધા કોરોના નામના અદ્રશ્ય રાક્ષસ સામે લડી રહ્યા છીએ. કોરોનાની કોઇ દવા નથી, માત્ર ઘરમાં રહેવું અને પોતાનું ધ્યાન રાખવું. જેથી મહેરબાની કરીને તમે કામ વગર બહાર ન નીકળો. એટલો અમને સાથ સહકાર આપો. લોકોને આ વિનંતી છે 3 મહિના બાદ નિવૃત્ત થઇ રહેલા પોલીસ કર્મચારી બચુભાઇ શેનવાની. 


બચુભાઇ ગોવાભાઇ શેનવા(58) થલતેજ અજન્ટા એપાર્ટમેન્ટમાં રહે છે. બચુભાઇ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ છે. કોરોના વાઈરસની ગંભીર પરિસ્થિતિમાં પણ બચુભાઈ હાલમાં પણ બપોરે 3 વાગ્યા થી રાતના 11 વાગ્યા સુધી રોડ ઉપર બંદોબસ્ત કરી રહ્યા છે.  બચુભાઇએ વાત કરતા જણાવ્યું હતું કે તેઓ 38 વર્ષથી પોલીસ ખાતામાં છે અને 3 મહિના પછી નિવૃત્ત થવાના છે. 2014 માં અને 2016 માં તેમને હાર્ટ એટેક આવ્યો હતો.  


જેથી અગાઉ તેમને સ્વાઈનફલૂ અને ચિકનગુનિયા પણ થઇ ગયા હતા.  તેમ છતાં હાલની કોરોનાની પરિસ્થિતિમાં બચુભાઇ ગુરુકુલ રોડ ઉપર સુભાષ ચોક ખાતે ફરજ બજાવી રહ્યા છે. ઘરની બહાર ન નીકળો, ભીડમાં ન જાવ. અમે અત્યારે રોડ ઉપર ઊભા રહીને તમારી જ સલામતી માટે તમને રોકીએ છીએ. જેથી મહેરબાની કરીને પોલીસને સાથ સહકાર આપો. લોકો અમને ચા-નાસ્તો આપવા આવે છે પણ તેમને વિનંતી છે કે તમે અમારી સેવા ન કરો ફકત ઘરમાં રહો.


શહેરના કોઇપણ વિસ્તારમાં જ્યાં પણ પોલીસ અધિકારીઓ - કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, ત્યાં તમામ લોકો પોલીસની સેવા કરે છે. તેમને પાણી - ચા - નાસ્તો - જમવાનું સહિતની તમામ સગવડો આપી રહ્યા છે, લોકોની આ લાગણી અમે સમજીએ છીએ, પરંતુ લોકો અમારી લાગણી સમજે અને બસ એટલું જ કરે કે ઘરમાં રહે.

adv

Related News

post
post
post
post
post
post
post