• Home
  • News
  • બિહારના 5 એમએલએ દુષ્કર્મના આરોપી:બે ધારાસભ્યને આજીવન કેદ, એક કોર્ટથી બચ્યો તો પીડિતાએ ચાકુ મારીને મોતને ઘાટ ઉતાર્યો, બેની પત્ની આ વખતે RJDની ઉમેદવાર
post

રેપ કેસમાં નવાદાના ધારાસભ્ય રાજવલ્લભ યાદવ આજીવન કેદની સજા કાપી રહ્યા છે, તેની પત્ની વિભા યાદવને આરજેડીએ આ વખતે ટિકિટ આપી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-09 10:59:21

બિહાર ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે, તારીખોની જાહેરાત પણ થઈ ગઈ છે અને હવે તો લગભગ મોટા ભાગના ઉમેદવારોની જાહેરાત પણ થઈ ગઈ છે. આ વચ્ચે હાથરસ કથિત ગેંગરેપ ઘટના પછી કોંગ્રેસે કહ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેઓ રેપના આરોપીઓને ટિકિટ નહીં આપે, પરંતુ તેમના જ સહયોગી આરજેડીએ રેપ કેસમાં સજા કાપી રહેલા અને ફરાર ધારાસભ્યોની પત્નીઓને ટિકિટ આપી છે. તો જેડીયુએ તે જ મંજુ વર્માને ટિકિટ આપી છે જેમને મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ પછી પાર્ટીમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. મંજુ વર્મા હાલ જામીન પર મુક્ત છે.

રાજવલ્લભ યાદવઃ સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આજીવન કેદ, પત્નીને મળી નવાદા બેઠક પરથી ટિકિટ
રાજવલ્લભ યાદવ નવાદાથી આરજેડીના ધારાસભ્ય છે. બિહારના લગભગ પહેલા એવા ધારાસભ્ય હશે, જેમને પદ પર રહેતાં આજીવન કેદની સજા મળી હોય. આ વખતે ચૂંટણી માટે આરજેડીએ તેની પત્ની વિભાદેવીને નવાદાથી ટિકિટ આપી છે. પટણાની એક વિશેષ અદાલતે રાજવલ્લભને એક સગીરા સાથે દુષ્કર્મના કેસમાં બે વર્ષ પહેલાં આજીવન કેદની સજા સંભળાવી હતી, ત્યારથી તેઓ જેલમાં છે.

તારીખ 6 ફેબ્રુઆરી, 2016, 15 વર્ષની એક સગીરા બિહારશરીફમાં ભાડાના મકાનમાં રહીને ભણતી હતી. તેમના પાડોશમાં રહેતી એક મહિલાએ તેને એક બર્થ ડે પાર્ટીમાં આવવાનું કહી નવાદાથી આરજેડીના ધારાસભ્ય રાજવલ્લભના બંગલા પર લઈ ગઈ. જ્યારે સગીરા ત્યાં પહોંચી તો જોયું કે બર્થ ડે પાર્ટીમાં ન તો કોઈ મહેમાન છે કે ન તો કોઈ પાર્ટી થઈ રહી છે. એક રૂમમાં ધારાસભ્ય રાજવલ્લભ બેઠા હતા. તેમણે યુવતીને પોતાના રૂમમાં બોલાવી અને તેને પોર્ન વિડિયો દેખાડ્યો અને કહ્યું કે જે કંઈ આ વિડિયોમાં થઈ રહ્યું છે તેવું તે પણ કરે. સગીરાએ આવું કરવાનો ઈન્કાર કર્યો તો ધમકી આપી, જે બાદ ગાર્ડને બોલાવીને કહ્યું કે બધા જ મળીને રેપ કરો. યુવતી ન માની તો ધારાસભ્યએ તેની સાથે દુષ્કર્મ કર્યું અને કોઈને આ વાતની જાણ ન કરે એ માટે 30 હજાર રૂપિયા અને મારી નાખવાની ધમકી પણ આપી. ​​​​​​

ધારાસભ્યની ધમકી પછી પણ યુવતીએ હિંમત દેખાડી અને 9 ફેબ્રુઆરી, 2016ના રોજ બિહારશરીફના મહિલા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરાવ્યો. બીજા દિવસે પોલીસ સગીરાને એ બંગલા પર લઈને ગઈ, જ્યાં તેની સાથે દુષ્કર્મ થયું હતું. સગીરાને કેટલીક તસવીર દેખાડવામાં આવી, જેમાં તેને રાજવલ્લભને ઓળખી બતાવ્યો. જે બાદ ધારાસભ્યની ધરપકડના આદેશ થયા તો તે ફરાર થઈ ગયો.

આરજેડી પર રાજનીતિનું દબાણ વધ્યું તો પાર્ટીએ રાજવલ્લભને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. 10 માર્ચ, 2016ના રોજ રાજવલ્લભે સ્થાનિક કોર્ટમાં સરેન્ડર કરી દીધું. જે બાદ કેસ પટણાની એક વિશેષ અદાલતમાં ગયો, જ્યાં 15 ડિસેમ્બર, 2018ના રોજ રાજવલ્લભ દોષી જાહેર થયા. 21 ડિસેમ્બરે સજાની જાહેરાત થઈ અને રાજવલ્લભને આજીવન જેલમાં જીવન પસાર કરવાની સજા મળી.

રાજવલ્લભના પિતા કોંગ્રેસી હતા, જ્યારે ભાઈ કૃષ્ણ પ્રસાદ યાદવ આરજેડીના ધારાસભ્ય અને લાલુ યાદવના ઘણા નજીક રહ્યાા છે. તેમના કારણે જ 1990માં લાલુને મુખ્યમંત્રીની ખુરશી મળી હતી. થોડા દિવસ પછી એક રોડ દુર્ઘટનામાં તેમનું મોત નીપજ્યું હતું.

યોગેન્દ્ર નારાયણ સરદારઃ રાત્રે સૂતેલી યુવતીનું ઘરમાંથી અપહરણ કરી ગેંગરેપ કર્યો, 25 વર્ષ પછી આજીવન કેદની સજા
લગભગ 26 વર્ષ પહેલાં નવેમ્બર, 1994ની વાત છે. સુપૌલ જિલ્લાના ત્રિવેણીગંજમાં યુવતી પોતાની માની સાથે પોતાના ઘરમાં સૂતી હતી. રાત્રે લગભગ 12 વાગ્યે યોગેન્દ્રએ પોતાના સાથીઓની સાથે તેની ઘરે પહોંચ્યો અને તેના હાથ પગ બાંધીને તેને ઉઠાવીને લઈ ગયો. બીજી જગ્યાએ લઈ જઈને તમામે તેની સાથે ગેંગરેપ કર્યો. તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા પણ પહોંચાડી. કોઈપણ રીતે યુવતી પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગવામાં સફળ રહી. જે બાદ યુવતીએ પોતાના પરિવારને આપવીતી સંભળાવી હતી.

ત્યારે રાજ્યમાં આરજેડીની સરકાર હતી. યોગેન્દ્ર છતરપુરથી આરજેડીની સીટ પરના ધારાસભ્ય હતા. સમગ્ર કેસ પોલીસ સુધી પહોંચ્યો. મીડિયો રિપોટ્સ મુજબ, બે દિવસ સુધી કેસ જ દાખલ ન થયો. જે બાદ જોરદાર હોબાળો થયો. બાદમાં પોલિટિકલ પ્રેશર વધ્યું તો ધારાસભ્ય વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. હાઈ પ્રોફાઇલ કેસ હોવાને કારણે મેડિકલ બોર્ડ દ્વારા તપાસ થઈ હતી, જેમાં ડોકટર્સે રિપોર્ટમાં ધારદાર હથિયારથી નાજુક અંગને નુકસાન પહોંચાડ્યા હોવાની વાત કરી હતી. લગભગ 25 વર્ષ પછી 31 જાન્યુઆરી, 2020ના રોજ સુપૌલ કોર્ટે ધારાસભ્યને આજીવન કેદની સજા સંભળાવી.

અરુણ યાદવઃ સેક્સરેકેટ કેસમાં પતિ ફરાર, પત્નીને આરજેડીએ બનાવી ઉમેદવાર
સંદેશથી આરજેડીના ધારાસભ્ય અરુણ યાદવ છેલ્લા એક વર્ષથી ફરાર છે. તેમની ઉપર પણ એક સગીરા પર બળાત્કારનો આરોપ છે. આ વખતે આરજેડીએ તેમની પત્ની કિરણદેવીને સંદેશ વિધાનસભા સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. તેમનો મુકાબલો પતિના મોટા ભાઈ વિજેન્દ્ર યાદવ સામે છે, જેને જેડીયુએ ટિકિટ આપી છે.

અરુણ યાદવ પર ગત વર્ષે એક સગીરાએ દુષ્કર્મ અને સેક્સરેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ કહ્યું હતું કે નોકરી પર લગાડવાના નામે આ લોકો યુવતીઓને પટણા બોલાવે છે અને ત્યાં તેમની સાથે દુષ્કર્મ કરે છે. ફરિયાદ કરનારી સગીરા કોઈપણ રીતે તેમની ચુંગાલમાંથી ભાગવામાં સફળ રહી હતી, જે બાદ બહાર આવીને તેણે પોતાની આપવીતી સંભળાવી હતી. તેને ફેસબુક પર એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો. એ બાદ અરુણ યાદવ પર પોક્સો એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો. તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી. અરુણ યાદવ 2015માં ભાજપના સંજય સિંહને હરાવીને ધારાસભ્ય બન્યા હતા.

રાજકિશોર કેસરીઃ કોર્ટમાંથી સજા ન મળી તો ચાકુ મારીને ધારાસભ્યની હત્યા
લગભગ એક દશકા પહેલાં બિહારના પૂર્ણિયામાં એક સનસનાટીભરી ઘણા ઘટી હતી. તારીખ 4 જાન્યુઆરી, 2011. પૂર્ણિયાના ભાજપના ધારાસભ્ય રાજકિશોર કેસરી પોતાના નિવાસસ્થાને જનતા દરબાર લગાવીને બેઠા હતા. લોકોની સમસ્યાઓનું સમાધાન કરી રહ્યા હતા કે એક મહિલા અચાનક તેમની પાસે આવી અને ધારદાર ચાકુથી એક પછી એક તેના પર અનેક વાર કર્યા. ચારેબાજુ સનસનાટી ફેલાઈ ગઈ, ધારાસભ્યને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

ધારાસભ્યની હત્યા જે મહિલાએ કરી હતી તેનું નામ હતું રૂપમ પાઠક. આ એ જ રૂપમ પાઠક જેને ઘટનાના એક વર્ષ પહેલાં ધારાસભ્ય પર રેપનો આરોપ લગાવ્યો હતો. રૂપમ પૂર્ણિયાની એક ખાનગી સ્કૂલમાં ભણાવતી હતી. તેને ધારાસભ્ય પર આરોપ લગાવ્યો હતો કે છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ તેની સાથે દુષ્કર્મ કરતા હતા. જોકે કોર્ટમાં આ વાત પીડિતા સાબિત ન કરી શકી. રૂપમ પાઠક હાલ આજીવન કેદની સજા કાપી રહી છે. ધારાસભ્યની હત્યા પછી પેટાચૂંટણીમાં ભાજપે રાજકિશોરની પત્ની કિરણદેવીને મેદાનમાં ઉતારી હતી અને તે જીતી પણ ગઈ હતી.

ગુલાબ યાદવઃ આ વખતે ન મળી ઝંઝારપુરથી ટિકિટ
ગુલાબ યાદવ બિહારના ઝંઝારપુરથી આરજેડીના ધારાસભ્ય છે. આ વખતે તેમની ટિકિટ કાપવામાં આવી છે. આ સીટ આરજેડીના સહયોગી ભાકપા માલેના ખાતામાં ગઈ છે. આ પહેલાં ગુલાબ યાદવ 2019ની લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2015ની વિધાનસભામાં રજૂ કરેલા પોતાના એફિડેવિટમાં તેમણે પોતાની પર રેપ કેસની જાણકારી આપી હતી. 2006માં બે દલિત યુવતીએ તેમના પર રેપનો આરોપ લગાવ્યો હતો. જોકે બાદમાં કોર્ટમાંથી તેમને જામીન મળી ગયા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post