• Home
  • News
  • હરામીનાળા પાસેથી 1 બોટ, 2 પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયા
post

કચ્છને પાકિસ્તાન સાથે જોડતી અતી સંવેદનશીલ દરિયાઇ સરહદના હરામીનાળાની પાસેથી સીમા સુરક્ષા દળની 79 બટાલિયનના જવાનોએ પેટ્રોલીંગ સમયે એક બોટ સાથે 2 પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડવામાં સફળતા મેળવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-22 10:42:06

નારાયણ સરોવરઃ કચ્છને પાકિસ્તાન સાથે જોડતી અતી સંવેદનશીલ દરિયાઇ સરહદના હરામીનાળાની પાસેથી સીમા સુરક્ષા દળની 79 બટાલિયનના જવાનોએ પેટ્રોલીંગ સમયે એક બોટ સાથે 2 પાકિસ્તાની ઘુસણખોરને પકડી પાડવામાં સફળતા મેળવી હતી. સોમવારે સાંજના 5.30ના અરસામાં બોટ પકડવાની આ કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ રવિવારે જ એલઓસી પર ભારતીય આર્મીએ આતંકીઓના ખાત્મા માટે મોટી કાર્યવાહી કરી અનેક કેમ્પોને નષ્ટ કરી નાખ્યા હતા. ત્યારે સુચીત કાર્યવાહીના બીજા જ દિવસે હરામીનાળા પાસેથી 1 બોટ અને 2 પાકિસ્તાની ઘુસણખોર ઝડપાવવાની ઘટનાને ગંભીરતાથી લઇ સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ થઇ ગઇ છે.

પ્રાથમિક તપાસમાં આ બોટમાંથી માછીમારી કરવા માટેના સાધનો સિવાય કંઇ શંકાસ્પદ વસ્તુ મળવા પામી નથી. ઝડપાયેલા શખસો માછીમારો જ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. પકડાયેલ શખસો પાકિસ્તાનના સિંધ પ્રાંતના થતા જિલ્લાના વતની હોવાનું અને તેમના નામ હમજા અને અહેમદ હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં બીએસએફના જવાનોએ સમગ્ર ક્રીક વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશનનો ધમધમાટ મોડી રાત્રી સુધી જારી રાખ્યો હતો. અત્યાર સુધી બિનવારસુ બોટ મહત્તમ પકડાતી હોવાથી બીએસએફને માટે તે એક કોયડો બની રહેતી હતી.

ઓકટોબર માસમાં કચ્છની દરિયાઇ સરહદેથી પાકિસ્તાની બોટ પકડાવવાની આ ત્રીજી ઘટના છે. આ પૂર્વે 5 ઓકટોબરે 2 અને 12 ઓકટોબરે 5 બિનવારસુ બોટ ઝડપાઇ ચુકી છે. આ વખતે બોટ સાથે 2 ઘુસણખોર પકડાયા છે. તો સાડા નવ માસના સમયમાં અત્યાર સુધી 15 બોટ પકડાઇ છે જેમાંથી 11 બોટ બિનવારસુ મળી છે.

બોટ સાથે પકડાયેલા 2 પાકિસ્તાની ઘુસણખોરોને પહેલા દયાપર અને પછી ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના હવાલે કરાશે. અહી તમામ સુરક્ષા એજન્સીઓ ઘુસણખોરોની ઝીણવટભરી પુછતાછ કરશે. ખાસ કરીને તેઓએ કયાંથી કઇ રીતે ઘુસણખોરી કરી તેના પાછળનો ઇરાદો શું તેની તલસ્પર્શી માહિતી મેળવવાનો પ્રયાસ કરશે.