• Home
  • News
  • સુરતમાં એક જ દિવસમાં બે યુવા ઢળી પડ્યા:પિતાનું દીકરાની છઠ્ઠીમાં નાચતાં-નાચતાં અને સોડા પીને ઘરે જતાં યુવકનું ચાલતાં-ચાલતાં મોત
post

તબીબોએ જરૂરી સેમ્પલ લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-17 18:45:56

સુરત: સુરત સહિત રાજ્યમાં નાની ઉંમરે જ યુવાનોના હાર્ટ-એટેકથી મૃત્યુ થવાના બનાવો સામે આવી રહ્યા છે. સુરતમાં હાર્ટ-એટેકની શંકા સાથે આવા બે બનાવ સામે આવ્યા છે. એક તો દીકરાની છઠ્ઠીના પ્રસંગમાં નાચતાં-નાચતાં ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક સોડા પીધા બાદ ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. બંનેનાં મોત હાર્ટ-એટેકથી થયા હોવાની શક્યતા જોવાઈ રહી છે, જોકે રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.

ખુશીનો પ્રસંગ અચાનક જ માતમમાં ફેરવાઈ ગયો
છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરની વ્યક્તિઓમાં હાર્ટ-એટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જિમમાં કસરત કરતી વખતે હાર્ટ-એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સુરતમાં ખુશીનો પ્રસંગ અચાનક જ માતમમાં ફેરવાઇ ગયો હતો. કોસાડ ગામ ખાતે કિરણ ઠાકુર નામની વ્યક્તિનું નાચતાં-નાચતાં મોત થતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. કિરણ ઠાકુરનું મોત હાર્ટ-એટેકથી થયાની આશંકા વ્યકત કરાઇ છે.

 

ડાન્સ કરતાં-કરતાં બેભાન થઈ ઢળી પડ્યા
ડિંડોલી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરણ ઠાકુર પુત્રના છઠ્ઠીના પ્રસંગે સાસરીમાં અમરોલી કોસાડ ગામ ખાતે ગયા હતા. પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં તેઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બેભાન થઇ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોકટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તબીબોએ જરૂરી સેમ્પલ લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

32 વર્ષીય યુવકનું સોડા પીધા બાદ મોત
સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક યુવકનું રહસ્યમય મોત નીપજ્યું છે. 32 વર્ષીય યુવકનું સોડા પીતાં- પીતાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવક સોડા પીધા બાદ તબિયત લથડી હોવાથી તે નજીકમાં આવેલી એક દુકાનના બાંકડા પર બેસી ગયો હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે. ત્યાર બાદ તે ચાલતાં-ચાલતાં જતાં ઢળી પડ્યો હતો.

ચાલતાં-ચાલતાં જતાં ઢળી પડ્યો
32 વર્ષીય યતિન મોવડિયા કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. આજે કામ અર્થે બહાર નીકળ્યા બાદ તેણે એક પાન કોર્નર પર સોડા પીધી હતી. ત્યાર બાદ ગભરામણ થતાં નજીકમાં આવેલી દુકાનના બાકડા પર બેઠો હતો. ત્યાર બાદ ચાલતાં-ચાલતાં જતાં ઢળી પડ્યો હતો. ઘટનાની જાણ બાદ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે
યતિનના મૃતદેહને સ્મિમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખેસડવામાં આવ્યો હતો. હાલ સ્મિમેર હોસ્પિટલના તબીબો દ્વારા તેના જરૂરી સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે. રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે, જોકે હાલ તો યુવકનું હાર્ટ-એટેકના કારણે મોત થયું હોવાની શક્યતા જોવાઈ રહી છે.

તબિયત લથડ્યા બાદ બાંકડા પર બેઠેલા યુવકના સીસીટીવી
યતિન મોવડિયાએ સવારે 7 વાગ્યા આસપાસ ઘરેથી કામ અર્થે નીકળ્યો હતો. દરમિયાન નજીકમાં એક દુકાને સોડા પીધી હતી. ત્યાર બાદ 7.57 કલાકે તબિયત લથડી હોવાથી એક દુકાનના લોખંડના બાકડા પર બેસી ગયો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે. સીસીટીવીમાં નજરે પડે છે કે તેને ગભરામણ થઈ રહી હોય.

 

adv

Related News

post
post
post
post
post
post
post