• Home
  • News
  • અંડર-19નો ચેમ્પિયન શેર ઝળક્યો: યશ ધુલે રણજી ડેબ્યુની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી, આ પરાક્રમ કરનાર ત્રીજો ખેલાડી બન્યો
post

અગાઉ આ મેચની પ્રથમ ઇનિંગમાં યશે 150 બોલમાં 113 રન ફટકારીને પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-21 11:03:43

મુંબઈ: પોતાની કેપ્ટનશિપમાં ભારતને પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપ જિતાડનાર યશ ધુલે ઈતિહાસ રચ્યો છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. આ સાથે ધૂલ રણજી ડેબ્યૂની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. યુવા ખેલાડીએ દિલ્હી તરફથી રમતા તમિલનાડુ સામે આ સફળતા મેળવી છે.

અગાઉ આ મેચની પ્રથમ ઇનિંગમાં યશે 150 બોલમાં 113 રન ફટકારીને પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. જમણા હાથના બેટ્સમેને તેની પ્રથમ રણજી સદી 133 બોલમાં પૂરી કરી હતી. ધુલે પ્રથમ દાવમાં 18 ચોગ્ગા ફટકાર્યા હતા. બીજી ઇનિંગમાં પણ તેણે 202 બોલમાં 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા.

સ્પેશિયલ ક્લબનો ભાગ બન્યો યશ
19
વર્ષીય યશ ધુલ પહેલાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન નારી કોન્ટ્રાક્ટર અને વિરાગ આવટેએ તેમની રણજી ટ્રોફી ડેબ્યુની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. કોન્ટ્રાક્ટરે 1952-53ની રણજી સીઝનમાં ગુજરાત માટે ડેબ્યુ કર્યું હતું, તેમણે પ્રથમ ઇનિંગમાં 152 અને બીજી ઇનિંગમાં 102 રન બનાવ્યા હતા. તેના પછી, વિરાગ આવટેએ પણ 2012-13 રણજી સીઝનમાં તેમની ડેબ્યૂ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. મહારાષ્ટ્ર તરફથી રમતા તેમણે પ્રથમ દાવમાં 126 રન અને બીજા દાવમાં 112 રન બનાવ્યા હતા. હવે આ યાદીમાં ધુલનું નામ પણ જોડાઈ ગયું છે.

ધ્રુવ શોરે સાથે 228 રનની પાર્ટનરશિપ
બીજી ઇનિંગમાં યશ અને ધ્રુવ શોરેએ પ્રથમ વિકેટ માટે 228 રનની ભાગીદારી કરી હતી. ધ્રુવે શાનદાર બેટિંગ કરતા 165 બોલમાં અણનમ 107 રન બનાવ્યા હતા. દિલ્હી અને તામિલનાડુ વચ્ચે રમાયેલી મેચ ડ્રો રહી હતી. દિલ્હીની આગામી મેચ 24 ફેબ્રુઆરીથી ઝારખંડ સામે થશે.