• Home
  • News
  • અમેરિકન રાષ્ટ્રપતિની બેદરકારી:કોરોના સંક્રમિત ટ્રમ્પ સારવાર ચાલુ હોવા છતાં હોસ્પિટલ બહાર દેખાયા, ગાડીમાં બેસીને સમર્થકોને અભિવાદન કર્યું
post

વોલ્ટર રીડ હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. જેમ્સ ફિલિપ્સે ટ્વીટ કર્યું- ટ્રમ્પની સાથે ગાડીમાં હાજર રહેલા લોકોને હવે 14 દિવસ સુધી ક્વોરન્ટીન કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 11:29:54

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંક્રમિત હોવા છતાં કોરોના વાઈરસને ગંભીરતાથી નથી લેતા. તેમની સારવાર ચાલુ હોવા છતાં ટ્રમ્પ રવિવારે બપોરે વોલ્ટર રીડ હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. બ્લેક રંગની એસયુવીમાં ટ્રમ્પ માસ્ક પહેરીને પાછળની સીટમાં બેઠેલા જોવા મળ્યા હતા. તેમણે હોસ્પિટલની બહાર તેમના સમર્થકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું હતું. આ બધું બસ માત્ર એક મિનિટમાં થઈ ગયું. આવું કરતાં પહેલાં તેમણે ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કરીને આ વિશેની માહિતી પણ આપી હતી. માસ્ક વિશે પહેલેથી બેદરકારીને કારણે વિપક્ષી પાર્ટી અને હેલ્થ એક્સપર્ટ ટ્રમ્પથી નારાજ છે. સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી બહાર નીકળવા માટે ફરી એકવાર ટ્રમ્પની નિંદા થઈ છે. વિપક્ષી ડેમોક્રેટ્સનું કહેવું છે કે ટ્રમ્પ એવું દેખાડવાનો પ્રયત્ન કરે છે કે તેઓ સંક્રમિત હોવા છતાં એકદમ સાજા છે.

હેલ્થ એક્સપર્ટે ટ્રમ્પની આ હરકત સામે નારાજગી વ્યક્ત કરી
વોલ્ટર રીડ હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. જેમ્સ ફિલિપ્સે ટ્વીટ કર્યું છે કે ટ્રમ્પની સાથે ગાડીમાં જે લોકો હતા તે દરેક લોકોએ હવે 14 દિવસ માટે ક્વોરન્ટીન થવું પડશે. તે લોકો બીમાર પડી શકે છે, તેમનાં મોત પણ થઈ શકે છે. પોતાના રાજકીય ડ્રામા માટે ટ્રમ્પે બીજા લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. આ સંપૂર્ણ ખોટું છે. રાષ્ટ્રપતિની એસયુવી બુલેટપ્રૂફ હોવાની સાથે સાથે કેમિકલ હુમલાથી બચવા માટે પણ સીલ છે, તેથી તેની અંદર સંક્રમણ ફેલાવાની શક્યતા વધારે રહેલી હોય છે.

ટ્રમ્પની સાથે એસયુવીમાં હંમેશાં હાજર હોય છે સિક્રેટ એજન્ટ્સ
અમેરિકન રાષ્ટ્રપતિની ગાડીમાં તેમની સુરક્ષા માટે હંમેશાં સિક્રેટ સર્વિસના એજન્ટ્સ હાજર હોય છે. ટ્રમ્પે ગાડીનો ઉપયોગ કરીને અને સેલ્ફ ક્વોરન્ટીનના નિયમો તોડીને તેમના જીવનું જોખમ ઊભું કર્યું છે. વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સનું કહેવું છે કે આ બીજું કશું નહીં, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટ્રમ્પનું ફોટો-ઓપરેશન છે. આ દરમિયાન ટ્રમ્પની પત્ની અને ફર્સ્ટ લેડી મેલાનિયાએ પણ તેમના દરેક કાર્યક્રમો રદ કર્યા છે. તેમણે કહ્યું છે કે બીજા લોકોમાં ઈન્ફેક્શન ન ફેલાય એ માટે તેમણે આ નિર્ણય લીધો છે.

રાષ્ટ્રપતિ છે એટલે જ હોસ્પિટલ મોકલ્યા
ટ્રમ્પ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા એ પહેલાં તેમના પર્સનલ ફિઝિશિયને કહ્યું હતું- પ્રેસિડેન્ટ એકદમ ઠીક છે. તેમના પર સારવારની અસર થઈ રહી છે. એ બાબતે અમારી ટીમ ખુશ છે. આગામી 24 કલાકમાં તેમનો તાવ ઊતરી જશે. બ્લડપ્રેશર અને હાર્ટના દબકારા પણ એકદમ નોર્મલ છે. કોનલે જ્યારે પૂછ્યું કે બધું ઠીક છે તો તેમને હોસ્પિટલ જવાની જરૂર કેમ પડી? ત્યારે તેમને જવાબ મળ્યો, કારણ કે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ છે.

ટ્રમ્પમાં શુક્રવારે સંક્રમણ નોંધાયું હતું
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયા ટ્રમ્પનો કોરોના રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો. ત્યાર પછી બંનેને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યાં હતાં. તેના એક દિવસ પહેલાં ટ્રમ્પના સિનિયર એડ્વાઈઝર હોપ હિક્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. થોડા દિવસ પહેલાં તેમણે રાષ્ટ્રપતિ સાથે ઘણી મુલાકાતો કરી હતી. ત્યાર પછી રાષ્ટ્રપતિ અને તેમની પત્નીનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જે શુક્રવારે પોઝિટિવ આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post