• Home
  • News
  • મઠિયા પાપડ માટે પ્રખ્યાત ઉત્તરસંડા ગામ બન્યું સ્માર્ટ વિલેજ:12 હજારની વસ્તી ધરાવતું ઉત્તરસંડા ગામ શહેરની ભેદ રેખાઓને આંબીને બન્યું છે રૂબર્ન ટાઉન
post

અહીં સામાજિક સશક્તિકરણના ભાગરૂપે ગામની 40 ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રાશનની કીટ આપવામાં આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-10 18:15:16

નડિયાદ: ગુજરાતના ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામને "સ્માર્ટ વિલેજ" જાહેર કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. અગાઉ તણસોલ-વણસોલ તરીકે ઓળખાતું ખેડા જિલ્લાનું નડિયાદ-આણંદ રોડ દાંડીમાંર્ગ પર આવેલ નડિયાદ તાલુકાનું ઉતરસંડા ગામ આજે આધુનિક સુવિધાઓથી સજ્જ થઈને ગુજરાતના 16 જિલ્લાઓના 35 સ્માર્ટ વિલેજો પૈકી એક બન્યું છે. 12 હજારની વસ્તી ધરાવતું ઉત્તરસંડા ગામ અને શેહર વચ્ચેની ભેદ રેખાઓને આંબીને બન્યું છે રૂબર્ન ટાઉન.

ગામડામાં જીવનની અભિલાષા ધરાવનાર કોઈ પણ વ્યક્તિને ઉત્તરસંડા ગામની જીવન પદ્ધતિ આકર્ષે તેવી છે. અહીં દરેક મૂળભૂત જરૂરીયાતનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે, જેના કારણે ગ્રામજનોની જીવનશૈલીમાં પણ સુધારો થયો છે. રોડ, રસ્તા, પાણી, ગટર યોજના, તળાવ અને સ્વચ્છતા સહિતની મુળભૂત સુવિધાઓના તમામ માપદંડો પર ઉત્તરસંડા ગામે જમીની સ્તર પર નક્કર સિદ્વિ હાસિંલ કરી છે. ગામમાં શિક્ષણ, આરોગ્ય, કન્યા કેળવણી પર વિશેષ કામગીરી કરવામાં આવે છે. શાળાઓ હોય કે આંગણવાડી કેન્દ્રો, ભારતની સ્માર્ટ આવતીકાલ ઘડવા માટે તમામને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપડેટ કરવામાં આવ્યા છે અને સારી રીતે જાળવવામાં આવે છે. અહીંના રસ્તાઓ સ્વચ્છ અને કચરામુક્ત છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું છે કે આ દેશની ઈમારત ગામડારૂપી પાયા ઉપર ઊભેલી છે. માટે ગામડું સ્વતંત્ર બનવું જોઈએ ગામડાના લોકો સ્વતંત્ર બનવા જોઈએ. ગાંધીજીનાં જ કદમ પર ચાલતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ વિલેજની પરિકલ્પના ઉભી કરી છે.

ઉત્તરસંડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ લોકોની કોઈ પણ પ્રકારની ફરિયાદના નિવારણ હેતુ સનરાઈઝ ઉત્તરસંડા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ગામમાં વિવિધ સ્થળો પર ગોઠવાયેલા ૨૬ સીસીટીવી કેમેરાથી કોઈ પણ અનિચ્છિય બનાવને ટાળવા ગામની તમામ હલનચલનને મોનિટર કરવામાં આવે છે. ગામમાં ચાર પાણીની પરબ ઉભી કરવામાં આવી છે જેમાંથી ગામ લોકો ઠંડુ પાણી ભરી શકે છે. ઉત્તરસંડા ગામ દીકરીઓના વિકાસ માટે પણ ખૂબ કટીબદ્ધ છે. મુંબઈ સ્થિત ગામના જ વતની અને દાતા ડો. મોહનભાઈ ઈશ્વરભાઈ પટેલ દ્વારા સુકન્યા સમૃદ્ધિ સ્કીમ હેઠળ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના 4થી 7 વર્ષની બાળાઓ માટે દીકરી દીઠ રૂપિયા 11 હજાર એમ કુલ 349 દીકરીઓના ખાતામાં રૂપિયા 38 લાખ 39 હજાર જમા કરવામાં આવ્યા છે.

ગ્રામ પંચાયત સભ્ય હિનલબેન પટેલ જણાવે છે કે વર્ષ 2022થી લઈને અત્યાર સુધીમાં ગામના સરપંચ ઈશિતભાઈ જે. પટેલના સખત પરિશ્રમથી ઉત્તરસંડા ગામમાં અનેકવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં ઉત્તરસંડા ગ્રામ પંચાયત દ્વારા 2 નવા ટેમ્પા અને 1 નવુ ટ્રેક્ટર પણ વસાવવામાં આવ્યું છે જેના દ્વારા ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરી યોગ્ય નિકાલ કરવામાં આવે છે. ઉપરાંત ઉત્તરસંડાથી આણંદ અને ઉત્તરસંડાથી નડિયાદ તરફ જવા માટે બે નવા બસ સ્ટેન્ડનું અંદાજિત 15 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. તથા ઉત્તરસંડા ગુતાલ રોડ પર ખેડા-આણંદનું બુલેટ ટ્રેનનું સ્ટેશન આપવામાં આવ્યું છે.

આરોગ્યને લઈને પણ ગ્રામ સ્તરે ઉતકૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. ગામનું પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર પણ ગ્રામજનોના સુસ્વાસ્થ્ય માટે સતત કાર્યરત છે. ઉત્તરસંડા ગામના એમ. આશા તરીકે ફરજ બજાવતા મીનાબેન પી. પંચાલ જણાવે છે કે ગામમાં આભા કાર્ડ અંતર્ગત આશરે 3000 અને આયુષ્માન કાર્ડ અંતર્ગત આશરે 700 આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત આશરે 15 લાભાર્થીઓએ વિવિધ સુવિધાઓનો લાભ લીધો છે જેમાંથી બે વ્યક્તિઓએ તો ડાયાલિસિસ જેવી ગંભીર બીમારીઓ માટે આયુષ્માન કાર્ડની સુવિધાનો ઉપયોગ કર્યો છે.

આ ઉપરાંત ગામના બાળકોના સ્વાસ્થ્ય હેતુ ખાસ કરીને કુપોષિત બાળકો માટે એક વિશેષ આરોગ્ય લક્ષી પ્લાન ઉભો કરવામાં આવ્યો છે જેમાં પાંચ વર્ષ માટે ગામના સાતથી આઠ બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. આ કુપોષિત બાળકોને દર મહિને આરોગ્યથી ભરપુર પોષણયુક્ત આહાર કીટ આપવામાં આવે છે. જેના સફળ પરિણામરૂપે અત્યારે હાલ એક બાળક કુપોષણમાંથી બહાર આવી ગયું છે. ઉપરાંત ઉત્તરસંડામાં આવેલું ચતુરભાઈ ગંગાદાસ જનરલ હોસ્પિટલ દીકરીઓના જન્મને લઈ પ્રોત્સાહન રૂપે દર બાળકીના જન્મ માટે 1100 રૂપિયાની એફ.ડી કરાવવામાં આવે છે આ યોજના 2008થી અમલમાં છે જેનો અત્યાર સુધી 12,895 પરીવારોને લાભ આપવામાં આવ્યો છે.

 

ગામની વચ્ચોવચ આવેલું સુંદર વેરા તળાવ મુલાકાત લેવા જેવું છે. બ્યુટીફિકેશન કરાયા બાદ વેરા તળાવમાં ઉભી થયેલ સુવિધાની વાત કરતા ઉત્તરસંડા ગામના રહેવાસી સંદીપભાઈ એમ પટેલ જણાવે છે કે તેઓ જ્યારે નાના હતા ત્યારે આ તળાવ ખૂબ જ જરૂરી સુવિધાઓથી વંચિત હતું પરંતુ ગ્રામ પંચાયતના ઉત્સાહ ભર્યા પ્રયત્નો અને ગામના એન.આર.આઈ મિત્રોના સહયોગથીથી સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા રૂપિયા 2 કરોડના ખર્ચે વેરા તળાવની કાયા પલટ કરવામાં આવી છે. બ્યુટીફિકેશન પ્રોજેક્ટ બાદ અત્યારે આ તળાવમાં સવારે 5 થી 10 અને સાંજે 5 થી 11 ના સમયે ગ્રામ લોકો વોકિંગ કરે છે ઉપરાંત તળાવના પરિસરમાં જ બનાવેલ ચિલ્ડ્રન પાર્કમા બાળકો આનંદ કિલ્લોલ કરે છે. આ સિવાય ગામમાં બીજા એક ગોયા તળાવના પણ બ્યુટીફિકેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

ઉત્તરસંડા ગામમાં પાણીના મુદ્દે ખૂબ જ સચોટ કામગીરી કરવામાં આવી છે. નલ સે જલ (જલ જીવન મિશન) અંતર્ગત ગામમાં કુલ ત્રણ વિશાળ પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. જેમાં એક લાખ લીટર પાણીની ક્ષમતા વાળી બે ટાંકી અને બસ સ્ટેન્ડની બાજુમાં 2.5 લાખ લિટરની પાણીની ક્ષમતા વાળી એક ટાંકી દ્વારા ગ્રામ લોકોને ર૪ કલાક અસ્લખિત પાણી ઉપલ્બ્ધ કરાવવામાં આવે છે. અહીં નલ સે જલ યોજનાનું 100 % કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. વાસ્મો યોજના અંતર્ગત ઉત્તરસંડા ગામમાં 3 કરોડ અને 40 લાખના ખર્ચે કામ પૂર્ણ કરેલ છે

શિક્ષણને લઈને ઉત્તરસંડા ગામ ખૂબ જ જાગૃત છે. અહીં પટેલ લલ્લુભાઈ ભક્તિભાઈ પુસ્તકાલય પણ આવેલું છે. ગામની શૈક્ષણીક સંસ્થાઓમાં ઉત્તરસંડા કેળવણી મંડળ, ભારત હાઈસ્કૂલ, ઈશ્વરભાઈ જીવાભાઈ પટેલ કન્યા વિદ્યાલય, એમસી પટેલ પ્રાથમિક શાળા અને લાલજીભાઈ ગીરધરભાઇ પટેલ બાલમંદિરનો સમાવેશ થાય છે. ગુણવત્તાસભર ટેકનીકલ શિક્ષણની બાબતમાં ઉત્તરસંડા આઈ.ટી.આઈનું સ્થાન સમગ્ર ગુજરાતમાં ત્રીજા નંબર પર છે. છે. રોજગાર નિર્માણમાં પણ ઉત્તરસંડા ગામની સરાહનીય કામગીરી છે. ઉત્તરસંડા ગામનાં મઠીયા પાપડ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ગામમાં આવેલા 20થી વધુ મઠીયા પાપડના ગૃહ ઉદ્યોગ ઉત્તરસંડા સહિત આસપાસનાં લોકોને રોજગારી પુરી પાડે છે.

અહીં સામાજિક સશક્તિકરણના ભાગરૂપે ગામની 40 ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રાશનની કીટ આપવામાં આવે છે. ગામમાં એક દૂધ મંડળી, સેવા સહકારી મંડળી, ત્રણ પ્લેગ્રાઉન્ડ, 100 વર્ષ જુની એક સ્કૂલ અને એક હોસ્પિટલ, 5 બેંક અને 1 પોસ્ટ ઓફીસ આવેલી છે. ગામમાં 85 વર્ષ જૂની ઉત્તરસંડા પીપલ્સ કોઓપરેટીવ બેન્ક પણ આવેલી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post