• Home
  • News
  • વેક્સિન રાષ્ટ્રવાદ: ત્રણમાંથી એક વ્યક્તિ પહેલાં પોતાના માટે વેક્સિન ઇચ્છે છે, 60%એ કહ્યું- દુનિયામાં બરાબર વહેંચાય
post

સંયુક્ત રાષ્ટ્રએ માર્ચથી સપ્ટે. વચ્ચે 137 દેશના 11,600 લોકોને વેક્સિન વિતરણ અંગે સવાલ પૂછ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-10 10:44:11

દુનિયાભરમાં કોરોના વેક્સિન વિકસાવવાની પ્રક્રિયા ઝડપભેર જારી છે પણ કેટલાક વિકસિત દેશ ઇચ્છે છે કે રસી પહેલા તેમને મળે. ડબ્લ્યુએચઓએ કોરોના વેક્સિન બનાવવા અને વહેંચવા 150થી વધુ દેશોનું એક ગઠબંધન બનાવ્યું છે, જેને કોવેક્સ નામ અપાયું છે. મતભેદોના કારણે ગયા મહિને ટ્રમ્પ સરકારે કોવેક્સમાં જોડાવાનો ઇનકાર કરી દીધો. રશિયા પણ આ સંગઠનમાંથી બહાર નીકળી ચૂક્યું છે. ચીન બહાર હતું પણ તેણે 9 ઓક્ટોબરે કોવેક્સમાં જોડાયાની જાહેરાત કરી. કોવેક્સમાંથી બહાર નીકળેલા દેશો સૌપ્રથમ પોતાની વેક્સિન બનાવી લેવા ઇચ્છે છે. તેની પાછળનું મૂળ કારણ વેક્સિનનું વિતરણ છે.

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયેસસે કહ્યું કે આ વેક્સિન રાષ્ટ્રવાદ આપણને પાછળ લઇ જશે. એક સરવે મુજબ વિકસિત દેશોની દર ત્રણમાંથી 1 વ્યક્તિ ઇચ્છે છે કે વેક્સિન બને ત્યારે તેના દેશને પહેલા મળે. યુનાઇટેડ નેશન્સ (યુએન) તથા ઇન્ટરનેશનલ સિક્યુરિટી એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના એક રિસર્ચર ગ્રૂપે માર્ચથી સપ્ટે. દરમિયાન કોરોના અંગે એક સરવે કર્યો. તેમાં 137 દેશના 11,600 લોકોને સવાલો પૂછાયા. જવાબમાં દર ત્રણમાંથી 1 વ્યક્તિએ સૌથી પહેલા પોતાના દેશ માટે વેક્સિન માગી જ્યારે 60 ટકાથી વધુ લોકોએ દુનિયામાં બરાબર વહેંચણીની હિમાયત કરી.

બાકીના લોકોએ કહ્યું કે પ્રાથમિકતાના આધારે વેક્સિનની વહેંચણી થવી જોઇએ. સ્વાર્થી દ્રષ્ટિકોણ મોટા ભાગના વિકસિત દેશોમાં એકસરખો છે. બ્રાઝિલ, ફિનલેન્ડ અને પોર્ટુગલમાં 40 ટકાથી વધુ લોકોએ કહ્યું કે તેઓ વેક્સિન સુધી વિશેષ પહોંચ ઇચ્છે છે. આ સરવેમાં સૌથી સ્વાર્થી દ્રષ્ટિકોણ અમેરિકાનો રહ્યો, જ્યાં 46 ટકાથી વધુએ કહ્યું કે સૌપ્રથમ તેમને વેક્સિન મળવી જોઇએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post