• Home
  • News
  • વડોદરામાં અક્ષયપાત્રનાં કર્મચારીઓ હડતાળ પર
post

વડોદરા જિલ્લાનાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાં કર્મચારીઓ આજે હડતાળપર ઉતર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-14 11:54:31

 વડોદરા : વડોદરા જિલ્લાનાં અક્ષય પાત્ર ફાઉન્ડેશનનાં  કર્મચારીઓ આજે હડતાળપર ઉતર્યા છે. 6ઠ્ઠી ઓક્ટોબરે એક મહિલા કર્મચારી અહીં લાડુ બનાવતા હતા ત્યારે તેમની સાડી મશીનમાં આવી ગઇ હતી. તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. કર્મચારીઓનો આરોપ છે કે તે બહેનની દુર્ઘટના બાદ બેથી ત્રણ કલાક કોઇ સારવાર આપવામાં આવી નહીં. જે બાદ સરકારી દવાખાનામાં તેમને લઇ જવામાં આવ્યાં અને તે બાદ હાલ નરહરી અમીન દવાખાનામાં છે. ત્યાં પણ તેમને યોગ્ય સારવાર આપવામાં આવી નથી રહી. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી ઇજાગ્રસ્ત બહેનને સારી સારવાર નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે અક્ષયપાત્રની ઓફિસની બહાર જ ઉભા રહીશું અને કોઇપણ જમવાની ગાડીને બહાર જવા નહીં દઇએ.

કર્મચારીઓની આ હડતાળને પગલે વડોદરા જિલ્લાની સરકારી પ્રાથમિક અને નગરપાલિકાઓની શાળાઓનાં બાળકોને આજે મધ્યાહન ભોજન નહીં મળે. જો તેમની માંગણીઓ સંતોષાશે તો જ તેઓ ભોજન ભરેલી ગાડીઓ ગેટની બહાર જવા દેશે.

આ અંગે કર્મચારી યુનિયનનાં અગ્રણીની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, 'અહી આ પહેલા પણ ઘણાં અકસ્માતો થયા છે જે બહાર આવતા નથી. ગત છ તારીખે મહિલા કર્મચારીની લાડુનાં ચુરમા બનાવવાનાં મશીનમાં સાડી ભરાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં. તેમને 2થી ત્રણ કલાક અહીં જ રાખવામાં આવ્યાં તેમને ત્યારે તરત જ કોઇ સારવાર ન થઇ. આમની સારવારમાં ઘણી જ બેદરકારી રાખવામાં આવી છે. આવું ફરીથી ન થાય અને આ મહિલા કર્મચારીને સારી સારવાર મળે તેવી કંપનીની ફરજ છે.'