• Home
  • News
  • હિન્દી, મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા શ્રીરામ લાગુનું નિધન
post

હિન્દી અને મરાઠી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રીરામ લાગુનું મંગળવારે પૂણેમાં નિધન થયું

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-18 11:28:13

પૂણે: હિન્દી અને મરાઠી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રીરામ લાગુનું મંગળવારે પૂણેમાં નિધન થયું. તેઓ 92 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસોથી પૂણેની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બે દિવસથી તેમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું હતું.

શ્રીરામ લાગું ઉમદા અભિનેતા ઉપરાંત ઇએનટી સર્જન પણ હતા. તેમણે 100થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં તેમ જ 40 જેટલા મરાઠી, હિન્દી અને ગુજરાતી નાટકોમાં કામ કર્યું હતું. તેમણે લગભગ 20 મરાઠી નાટકોનું દિગ્દર્શન પણ કર્યું હતું. હિન્દી અને મરાઠી સિનેમામાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું.

ડૉ. જબ્બાર પટેલ (પીડિયાટ્રિશિયન), ડૉ. મોહન અગાસે (સાયકિયાટ્રિસ્ટ) અને ડૉ. લાગુ (કાન, નાક, ગળાના સર્જન) એ જમાનામાં કૉલેજ સ્તરની નાટ્યસ્પર્ધાઓમાં એવો તહેલકો મચાવેલો કે આજે ય એ દૌર બેમિસાલ ગણાય છે. સખારામ બાઈન્ડર, ઘાસીરામ કોતવાલ, ત્હો મી નાવેચ, રંગબિલોરી, દેવાલા સાક્ષી કળુણ અને નટસમ્રાટ જેવા લાજવાબ નાટકો એ ત્રિપૂટીની દેણ છે. વિ.વા.શિરવાડકરનું નટસમ્રાટ પ્રથમ વખત એકાંકી તરીકે ટુંકાવીને ડૉ. લાગુએ પ્રભાત નાટ્યસ્પર્ધામાં ભજવ્યું હતું. એ પછી ત્રિઅંકી નાટકમાં પણ એમણે રેકોર્ડબ્રેક શૉ કર્યા. નાના પાટેકરને એ ફિલ્મ માટે ભારે વ્યાપક પ્રશસ્તિ મળી ત્યારે એમણે નમ્રતાપૂર્વક કહ્યું હતું કે, "તમે ફક્ત મને જ જોયો છે, પણ મેં તો લાગુસાહેબને જોયા છે. ખરાં નટસમ્રાટ તો એ જ"