• Home
  • News
  • વાઈરસજન્ય રોગચાળાનો કહેર:જામનગરની જીજી હોસ્પિટલ બાળદર્દીઓથી ઉભરાઈ, એક ખાટલામાં બબ્બે દર્દીઓને સારવાર આપવી પડે તેવી સ્થિતિ
post

વાઈરસજન્ય રોગચાળાથી પોતાનાં બાળકોને દૂર રાખી શકાય તે માટે તબીબ દ્વારા વાલીઓને ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-22 18:17:32

જામનગર: સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં ઠંડી પડતી હોય છે. પરંતુ, ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં જ લોકો આકરી ગરમી અને મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ઋતુમાં થયેલા આ ફેરફારની અસરના કારણે બાળકોમાં વાઈરસજન્ય રોગચાળાના પ્રમાણમાં પણ તોતિંગ વધારો થયો છે. તબીબનું માનીએ તો જામનગરમાં આ પ્રમાણ પાછલાં ત્રણ વર્ષોની સરખામણીમાં 200 ટકાથી વધુ જોવા મળી રહ્યું છે. બાળદર્દીઓની સંખ્યામાં વધારો થતાં જીજી હોસ્પિટલમાં તાબડતોડ વધારાના બેડ અને સ્ટાફની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. વાઈરસજન્ય રોગચાળાથી પોતાનાં બાળકોને દૂર રાખી શકાય તે માટે તબીબ દ્વારા વાલીઓને ખાસ કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

રોગચાળાના કારણે કેવી છે હોસ્પિટલની સ્થિતિ?
વાઈરસજન્ય રોગચાળાના કારણે જામનગરની જીજી હોસ્પિટલનો બાળરોગ વિભાગ દર્દીઓથી ઉભરાતો હોઇ અમે જીજી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા. સૌ પ્રથમ જોયું તો કેસબારી પર જ દર્દીઓની લાંબી કતાર જોવા મળી. ત્યારબાદ બાળરોગના વોર્ડની બહાર પણ બાળદર્દીઓના વાલીઓની મોટા પ્રમાણમાં હાજરી જોવા મળી. વોર્ડની અંદર તપાસ કરવામાં આવી તો એક ખાટલા પર બબ્બે બાળદર્દીઓને સારવાર અપાતી હોવાનું જોવા મળ્યું.

શું કહી રહ્યા છે હોસ્પિટલના તબીબ?
આ મામલે જીજી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. નમ્રતા મકવાણાએ કહ્યું હતું કે, જીજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં 140 બેડની કેપેસિટી છે. પરંતુ, હાલ વાઈરસજન્ય રોગનું પ્રમાણ વધતા બાળદર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જીજી હોસ્પિટલમાં હાલ 290 જેટલા બાળદર્દીઓની સારવાર ચાલી રહી છે. તબીબના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ઓરીની વેક્સિન આપવામાં આવે છે. તેમ છતાં હાલ 12 જેટલા ઓરીના દર્દીઓ સામે આવ્યા છે. આ પ્રકારના કેસ સામે ન આવે તે માટે માતાપિતાને જાગૃત રહી ઓરીની રસી અપાવવા અપીલ કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post