• Home
  • News
  • ટ્રિપલ ડિજિટથી દૂર વિરાટ:કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છેલ્લા 463 દિવસ અને 31 ઇનિંગ્સથી સેન્ચુરી મારી નથી
post

કોહલી પહેલીવાર ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર 2011 દરમિયાન ખરાબ ફોર્મમાં રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-08 11:19:55

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ચેન્નાઈ ખાતે ફર્સ્ટ ઇનિંગ્સમાં 11 રને આઉટ થયો. ઓફ-સ્પિનર ડોમ બેસની બોલિંગમાં શોર્ટ લેગ પર ઓલી પોપે કોહલીનો કેચ કર્યો. પેટરનિટી લિવ પરથી પરત ફર્યા બાદ કોહલીની આ પ્રથમ ઇનિંગ્સ હતી. જોકે, તે છેલ્લા ઘણા સમય પોતાના વિરાટ સ્વરૂપમાં રમી શક્યો નથી. કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છેલ્લા 463 દિવસ અને 31 ઇનિંગ્સથી સેન્ચુરી મારી નથી.

કોહલીએ છેલ્લે 2 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ઈડન ગાર્ડન્સ ખાતે ડે-નાઈટ ટેસ્ટમાં 136 રન કર્યા હતા. એ પછી કોહલી વનડેમાં 12, ટેસ્ટમાં 7 અને T-20માં 12 ઇનિંગ્સ રમ્યો, પરંતુ સદી મારી શક્યો નથી. આખરે આજે જ્યારે ટીમને ઇંગ્લેન્ડના 578 રનના જવાબમાં મોટો સ્કોર રજિસ્ટર કરવાની જરૂર હતી, ત્યારે પણ વિરાટ કપ્તાની ઇનિંગ્સ રમવામાં નિષ્ફ્ળ રહ્યો.

કોહલી 2020માં વનડેમાં 47.88ની એવરેજથી રમ્યો
કોહલીએ ગયા વર્ષે 9 વનડેમાં 47.88ની એવરેજથી 431 રન કર્યા છે. આ દરમિયાન તેણે 5 ફિફટી મારી છે અને તેનો હાઈએસ્ટ સ્કોર 89 રહ્યો છે. કોહલીનું પ્રદર્શન આંકડાકીય દ્રષ્ટિએ ખરાબ રહ્યું નથી, પરંતુ તે ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નથી.

કોહલી 2020માં ટેસ્ટમાં 19.33ની એવરેજથી રમ્યો
કોહલીએ ગયા વર્ષે 3 ટેસ્ટમાં 19.33ની એવરેજથી 74 રન કર્યા. આ દરમિયાન તેનો હાઈએસ્ટ સ્કોર 74 રનનો રહ્યો. આ ટેસ્ટમાં પણ ફ્લોપ થતાં વિરાટ પર હવે મોટો સ્કોર કરવાનું દબાણ વધી રહ્યું છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં પણ નુકસાન
2019
માં વિરાટ વર્લ્ડ નંબર-1 ટેસ્ટ બેટ્સમેન હતો. પરંતુ સ્ટીવ સ્મિથે બોલ ટેમ્પરિંગના કારણે લાગેલા 1 વર્ષના પ્રતિબંધ પછી શાનદાર કમબેક કર્યું હતું. ઇંગ્લેન્ડ સામે એશિઝ 2019માં મોટો સ્કોર રજિસ્ટર કરીને સ્મિથે કોહલી પાસેથી નંબર-1નું તાજ છીનવી લીધું હતું. અત્યારે કેન વિલિયમ્સને પર્પલ પેચમાં છે અને વર્લ્ડ નંબર વન બેટ્સમેન છે. સ્ટીવ સ્મિથ બીજા અને માર્નસ લબુશેન ત્રીજા સ્થાને છે. જ્યારે કોહલી ચોથા ક્રમ પહોંચી ગયો છે. ચારેયના અનુક્રમે 919, 891, 878 અને 862 પોઈન્ટ્સ છે.

કોહલી પોતાના કરિયરમાં આ પહેલાં 2 વાર એવા ફેઝમાંથી પસાર થયો હતો કે જ્યાં તેણે 24 અથવા તેથી વધુ ઇનિંગ્સ સુધી સદી મારી નહોતી.

1.  કોહલી પહેલીવાર ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર 2011 દરમિયાન ખરાબ ફોર્મમાં રહ્યો હતો. ત્યારે તેણે 24 ઇનિંગ્સ સુધી સેન્ચુરી ફટકારી ન હતી. તે 7 મહિનામાં તેની ઓવરઓલ બેટિંગ એવરેજ 48થી ઘટીને 39 થઇ ગઈ હતી.

2.  ત્યાર બાદ 2014માં ઇંગ્લેન્ડના પ્રવાસ વખતે કોહલીને સદી તો દૂરની વાત છે, રન કરવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. ફેબ્રુઆરીથી ઓક્ટોબર 2014 સુધી તે સતત 25 ઇનિંગ્સમાં ટ્રિપલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહોતો. ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટની સિરીઝમાં કોહલીએ માત્ર 134 રન કર્યા હતા. ત્યારે ઓફ-સ્ટમ્પની બહારની લાઈન પર જેમ્સ એન્ડરસન તેને સરળતાથી આઉટ કરી રહ્યો હતો.