• Home
  • News
  • આપણે 240 કરોડ ડોઝ તૈયાર કરવા માટે સક્ષમ પણ લોકો સુધી 55 કરોડ જ પહોંચશે
post

આખા દેશમાં કોરોના વેક્સિન લગાવવા 170 કરોડ ડોઝની જરૂર

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 10:43:12

ભારતમાં સિપ્લા, કેડિલા હેલ્થકેર અને ભારત બાયોટેક જેવી કંપનીઓ કોરોના વેક્સિન ડેવલપ કરવા માટે એડવાન્સ તબક્કામાં પ્રવેશી ગઈ છે. આંતરરાષ્ટ્રીય એજન્સી ક્રેડિટ સુઈસના રિપોર્ટ મુજબ ભારતીય કંપનીઓ ભારતની જરૂરિયાતને લાયક વેક્સિન ડોઝ બનાવવામાં સક્ષમ છે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે વેક્સિન આવ્યાના એક વર્ષ પછી રસીકરણ અભિયાન એક તૃતીયાંશ જ પૂર્ણ થઈ શકશે. અહેવાલ અનુસાર દેશની મોટા ભાગની વસતીના રસીકરણ માટે ભારતને 170 કરોડ ડોઝની જરૂર પડશે. ભારતીય કંપનીઓ 240 કરોડ ડોઝ તૈયાર કરી શકે છે. રસીકરણ માટે જરૂરી પર્યાપ્ત વાઈલ, સ્ટોપર્સ, સિરીંજ, ગેઝ, આલ્કોહોલ સ્વાબ બનાવવાની ક્ષમતા પણ ભારત પાસે છે પણ કોલ્ડ સ્ટોરેજ અને રેફ્રિજરેટર વાનની સંખ્યા ઓછી હોવાને લીધે એક વર્ષમાં 55થી 60 કરોડ ડોઝ જ લગાવી શકાશે. ભારત જે વેક્સિનની પહેલાં આશા રાખી રહ્યું છે તેમાં એસ્ટ્રાજેનેકા, નોવાવેક્સ અને જોનસન એન્ડ જોનસનની વેક્સિન સામેલ છે. તેમને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સ્ટોર કરવી જરૂરી છે. નિષ્ણાતો માને છે કે જાન્યુઆરી 2021 સુધી વેક્સિન ઉપલબ્ધ થશે.

વિજ્ઞાનીઓની સલાહ માનવામાં ભારતના નીતિકારો અમેરિકાથી આગળ
કોરોના મહામારી સામે મુકાબલો કરવા વ્યૂહનીતિ તૈયાર કરતી વખતે વિજ્ઞાનીઓની સલાહને મહત્ત્વ આપવા મામલે ભારતીય નીતિનિર્માતા દુનિયામાં 15મા ક્રમે છે. ન્યૂઝીલેન્ડ પહેલા, ચીન બીજા અને આર્જેન્ટિના ત્રીજા ક્રમે છે. અચરજની વાત એ છે કે દુનિયામાં સૌથી વધુ વિજ્ઞાનીઓ આપનાર દેશોમાં સામેલ અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ, બ્રિટનના લૉ મેકર ઘણા પાછળ છે. જાપાન 17મા, ફ્રાન્સ 18મા, રશિયા 21મા, બ્રિટન 22મા, બ્રાઝિલ 23મા અને અમેરિકા 24મા સ્થાને છે. આ માહિતી સાયન્ટિફિક જર્નલ પ્રકાશિત કરનાર સંસ્થા ફ્રન્ટિયરના તાજેતરના સરવેમાં સામે આવી હતી. મે અને જૂનમાં થયેલા આ સરવેમાં અલગ અલગ દેશોના 25 હજાર સંશોધકો સાથે વાત કરાઈ. તે અનુસાર ન્યૂઝીલેન્ડના રિસર્ચર તેમના સાંસદોથી વધુ સંતુષ્ટ છે. ત્યાંના આશરે 75 ટકા સંશોધકોએ કહ્યું કે તેમના નેતા વિજ્ઞાનીઓની સલાહને સ્વીકારે છે.

એક દિવસમાં પહેલીવાર 10 હજારથી વધુ લોકોનાં મોત
કોરોના વાઈરસ મહામારીને લીધે બુધવારે દુનિયાભરમાં 10,178 લોકો મૃત્યુ પામ્યા. પહેલીવાર આ મહામારીને લીધે એક દિવસમાં 10 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. બુધવારે સૌથી વધુ 1479 મૃત્યુ અમેરિકામાં થયાં હતાં. અમેરિકામાં અત્યાર સુધીમાં 2,47,398 લોકોએ કોરોનાને લીધે જીવ ગુમાવ્યા. યુરોપના અલગ અલગ દેશોને મિલાવી બુધવારે કુલ 4,774 લોકોએ જીવ ગુમાવ્યા. 623 મૃત્યુ સાથે ઈટાલી પહેલા
ક્રમે રહ્યું.

કોવિશિલ્ડ વેક્સિનના ચાર કરોડ ડોઝ તૈયાર, દેશમાં 1600 વોલન્ટિયર પર ટ્રાયલ શરૂ કરાઈ
અત્યાર સુધી સૌથી વિશ્વસનીય મનાતી ઓક્સફોર્ડની વેક્સિન કોવિશિલ્ડના ચાર કરોડ ડોઝ તૈયાર થઈ ગયા છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને આઈસીએમઆરએ તેની ટ્રાયલ માટે 1600 વોલેન્ટિયરની પસંદગી કરી છે. ઉપરાંત વેક્સિનની ટ્રાયલ બ્રિટન, અમેરિકા, બ્રાઝિલ અને દ.આફ્રિકામાં પણ ચાલી રહી છે. આઈસીએમઆર પરીક્ષણ સ્થળો સંબંધિત ખર્ચ ઉપાડી રહ્યું છે.
​​​​​​​
યુરોપિયન યુનિયન ફાઈઝરની વેક્સિનના 30 કરોડ ડોઝ ખરીદશે, આ વેક્સિન 90 ટકા કારગત છે
યુરોપિયન યુનિયને કહ્યું કે તે બાયોએનટેક અને ફાઈઝર દ્વારા નિર્મિત વેક્સિનના 30 કરોડ ડોઝ ખરીદશે. કંપનીએ જણાવ્યું કે ચાલુ વર્ષના અંત સુધીમાં ડિલિવરી શરૂ થઈ જશે. જોકે ઈયુએ આ વાતની માહિતી નથી આપી કે વેક્સિન કઈ રીતે રોલઆઉટ કરાશે અને ક્યાં કેટલા ડોઝ પહોંચાડાશે. ફાઈઝરે દાવો કર્યો કે તેની વેક્સિન 90 ટકાથી વધુ અસરદાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post