• Home
  • News
  • જૂનાગઢમાંથી બે દિવસ પહેલાં ગુમ થયો હતો, આજે ઉપરકોટ પાસે જંગલમાંથી એક હાથ વગરની લાશ મળી આવી
post

માહિર તેના બનેવીને પૈસા આપવા ગયા બાદ ગુમ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-23 17:58:31

જૂનાગઢ: જૂનાગઢના સુખનાથ ચોક પાસે રહેતા અને બે દિવસ પહેલાં ગુમ થયેલા કિશોરની આજે ઉપરકોટ નજીક જંગલ વિસ્તારમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી છે. લાશ પરથી એક હાથ ગાયબ હોવાના કારણે મોતનું રહસ્ય ઘેરું બન્યું છે. જૂનાગઢ પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.

માહિર કાદરી બે દિવસ પહેલાં ગુમ થયો હતો
જૂનાગઢના સુખનાથ ચોકમાં રહેતો 13 વર્ષીય માહિર કાદરી નામનો કિશોર ગુમ થયો હતો. આ અંગે તેમનાં પરિવારજનો દ્વારા જૂનાગઢ એ ડિવિઝનમાં જાણ કરવામાં આવી હતી. પરિવારજનો અને પોલીસ માહિરની શોધખોળ કરી રહ્યાં હતાં એની વચ્ચે આજે સવારે 10 વાગ્યાના અરસામાં ઉપરકોટ નજીક જંગલ વિસ્તારમાં એક કિશોરની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ અંગે માહિરનાં પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેઓ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યાં હતાં અને લાશની ઓળખ કરી હતી.

અવાવરૂ જગ્યાએથી લાશ મળતાં અનેક સવાલો ઊઠ્યા
ઉપરકોટ નજીક જે અવાવરૂ જંગલ વિસ્તારમાંથી લાશ મળી આવી છે એ માહિરના ઘરથી 1 કિલોમીટર દૂર છે. આ વિસ્તારમાં સામાન્ય રીતે હાલ લોકોની અવરજવર રહેતી નથી. લાશમાંથી એક હાથ પણ ગાયબ છે. જોકે એ કોઈ જંગલી પશુએ ફાડી ખાધો હોવાની આશંકા છે, પરંતુ આ સ્થળ પર માહિર કઈ રીતે આવ્યો અને તેનું મોત કઈ રીતે થયું એને લઈ પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ઉપરકોટ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.

માહિર તેના બનેવીને પૈસા આપવા ગયા બાદ ગુમ થયો હતો
માહિરના પિતા ઈકબાલભાઈ કાદરીએ કહ્યું હતું કે ગઈકાલે સોમવારે સાંજે માહિરને સ્કૂલ ફીના પૈસા આપી તેના બનેવીની દુકાને મોકલ્યો હતો. 15 મિનિટ બાદ મેં મારા જમાઈને ફોન કરીને પૂછ્યું હતું કે માહિર ત્યાં આવ્યો કે નહીં. તો મારા જમાઈએ ના પાડી હતી. જેથી મેં મારી દીકરીને તપાસ કરવા માટે મોકલી તો માહિરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે સવારે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો.

શું કહી રહી છે પોલીસ?
કિશોરની શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ જૂનાગઢ એસપી સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ કહ્યું હતું કે આ બનાવનો ભેદ ઉકેલવા માટે અમે નેત્રમ શાખાની મદદ લઈ સીસીટીવીની તપાસ કરી રહ્યા છીએ અને અલગ અલગ દિશામાં તપાસ હાલ ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post