• Home
  • News
  • દેવગઢબારિયામાં દારૂના અડ્ડા પર પોલીસ રેડ કરવા ગઈ તો બૂટલેગરે ફાયરિંગ કર્યું, બચાવમાં પોલીસે પણ ગોળીઓ ચલાવી
post

રાજકોટમાં બૂટલેગરના પરિવારે પોલીસ સ્ટેશન માથે લીધું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-11 17:47:11

દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢબારિયામાં પોલીસ અને બૂટલેગરો વચ્ચે મોડી રાત્રે સામસામે ઘર્ષણ થયું હતું. સ્ટેટ વિજિલનસની ટીમે રાત્રે 12 વાગ્યાના અરસામાં બૂટલેગરના ઠેકાણા પર રેડ પાડી હતી. આ દરમિયાન બૂટલેગરોએ સામે ફાયરિંગ કર્યું હતું, જેના વળતા જવાબમાં પણ પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસે રેડ દરમિયાન દારૂની બે મોટાં અને બે નાનાં વાહનો જપ્ત કર્યાં છે. ઉપરાંત મોટા પ્રમાણમાં દારૂ પણ જપ્ત કર્યાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં પોલીસે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ,સરકારી કામમાં રુકાવટ અને પરોહીબીશનની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બાતમીના આધારે SMCએ વોચ ગોઠવી હતી
ગાંધીના ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે. રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ રાજ્યમાં ઘુસાડવામાં આવે છે. ત્યારે પોલીસને બાતમી મળી હતી કે છોટાઉદેપુરનો બૂટલેગર ભીખા રાઠવા વિદેશી દારૂનો જથ્થો લઈને ધાનપુરના પાંચિયાસાળ ગામેથી પસાર થવાનો છે. જેથી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મધરાત્રે જ વોચ ગોઠવી દેવામા આવી હતી.

હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો
આ દરમિયાન બૂટલેગર ભીખા રાઠવા ફોર-વ્હીલર લઈને આવતાં પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેણે ગાડી રોકવાને બદલે પોલીસ તરફ ગાડી કરી ફાયરિંગ કર્યું હતું. તેણે આડેધડ સાત-આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાની પ્રાથમિક તબક્કે માહિતી મળી છે. ત્યારે પોલીસે પણ તેની સામે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામા કોઈને ઈજા થવાના અહેવાલ હાલ નથી, પરંતુ વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યુ છે. ત્યારે સૌથી ગંભીર બાબત એ છે કે હુમલો કરીને બૂટલેગર ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. હાલ સાગટાળા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

જપ્ત કરેલી ગાડીમાંથી ભાજપના ખેસ મળ્યા
પોલીસ પર આ હુમલાની ઘટનામાં હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ,સરકારી કામમાં રુકાવટ અને પરોહીબીશનની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ હુમલાના પોલીસ વાહનને નુકસાન પહોંચ્યુ છે તેમજ 20થી વધુ લોકોએ હુમલો કર્યો હોવાનુ પોલીસ જણાવી રહી છે. ત્યારે પોલીસે બુટલેગરોની જે ગાડી જપ્ત કરી છે તેમા ભાજપના ખેસ લગાડેલા મળી આવ્યા છે. ત્યારે પોલીસ પર ધોંસ જમાવવા ભાજપના ખેસ લગાવવામા આવ્યા છે કે, કોઈ અન્ય કારણ છે તે વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે.

રાજકોટમાં બૂટલેગરના પરિવારે પોલીસ સ્ટેશન માથે લીધું હતું
મહત્ત્વનું છે કે એકાદ મહિના પહેલાં રાજકોટમાં પણ બૂટલેગરના પરિવારે પોલીસ સ્ટેશન માથે લીધું હતું. રાજકોટમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ વિજિલન્સની ટીમે ગોકુલધામ વિસ્તારમાં નામચીન બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશભાઈ સોલંકીના દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. બાદમાં પોલીસે હાર્દિક સહિત 5થી 6 શખસને ઝડપી લઈ ચાર વાહન, મોબાઈલ સહિત લાખોની મતા જપ્ત કરી હતી. બાદમાં હાર્દિકના પરિવારની મહિલાઓ માલવિયાનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આખું પોલીસ સ્ટેશન બાનમાં લીધું હતું. મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મહિલાઓએ પોલીસને બેફામ ગાળો ભાંડી હતી અને આક્ષેપ કર્યો હતો કે પોલીસ 50 હજાર રૂપિયા લઈ જાય છે. જોકે થોડીવાર માટે તો પોલીસ સ્ટેશનમાં તંગ વાતાવરણ બની ગયું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post