• Home
  • News
  • ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી અને વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી
post

3જી મેએ રાજ્યના ચારેય ઝોનમાં માવઠાની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-01 18:04:17

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળે ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આજે સવારથી જ વરસાદ શરૂ થયો હતો. જેથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

અમરેલીમાં સતત છઠ્ઠા દિવસે વરસાદ
અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ, ધારી, રાજુલાના ગ્રામ્યવિસ્તારમાં ફરી કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈ રસ્તા પર પાણી ફળી વળ્યાં હતા. તેમજ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

અરવલ્લીમાં સતત બીજા દિવસે વાતાવરણ પલટો
અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે. જિલ્લાના મેઘરજ અને માલપુર પંથકમાં વરસાદી ઝાપટાં આવ્યાં બાદ સમી સાંજે બાયડ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર પવન સાથે વરસાદ ખાબક્યો છે. બાયડના તેનપુર, જીતપુર, ભૂંડાસણ, આંબલિયારા ગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તેમજ મેઘરજ અને મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાંમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.

કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદ નોંધાયો હતો. ગઈકાલે અમરેલી, રાજુલા, બાબરિયાધાર સહિતના વિસ્તારોમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેને લઇને બાબરિયાધારની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેમાં એક ટ્રક તણાઇ આવતા જી.આર.ડી જવાનોએ રેસ્ક્યૂ કરીને પાંચ લોકોનો જીવ બચાવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.

 

2જી મેએ રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
2જી મેએ ગુજરાતમાં ગાજવીજ અને વાવોઝોડા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને કચ્છમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેશે.

3જી મેએ રાજ્યના ચારેય ઝોનમાં માવઠાની શક્યતા
3જી મેએ ગુજરાતમાં ગાજવીજ અને વાવોઝોડા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદ, મધ્ય ગુજરાતના દાહોદ, દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી; સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, બોટાદ અને કચ્છ વરસાદ પડશે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post