• Home
  • News
  • 17 દિવસમાં જ 5 હજાર કેસ સાથે આંક 15 હજારને પાર, 12 દિવસથી 20થી વધુ મોત
post

એલજી, શારદાબેન હોસ્પિટલનાં બે રેસિડન્ટ ડોક્ટર, નવરંગપુરામાં ડોક્ટર દંપતી પોઝિટિવ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 09:29:34

અમદાવાદ: શહેરમાં બુધવારે કોરોનાના વધુ 343 કેસ અને 26 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 15 હજારને વટાવી ગઈ છે.  છેલ્લા 17 દિવસમાં જ 5 હજાર કેસ નોંધાવા કુલ આંકડો 15305એ પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 12 દિવસથી એક પણ દિવસ એવો નથી ગયો કે 20થી ઓછા મૃત્યુ નોંધાયા હોય. 

દરમિયાન એલજી અને શારદાબેન હોસ્પિટલના બે રેસિડન્ટ ડોક્ટર તેમજ અન્ય 4 ખાનગી ડોક્ટરોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. ખાનગી ડોક્ટરોમાં નવરંગપુરાના, જોધપુર અને ઘાટલોડિયાના છે. નવરંગપુરાનું ડોક્ટર દંપતી પોઝિટિવ આ‌વ્યું છે.  કુબેરનગર વોર્ડના કોર્પોરેટર તારાબેન પટેલ પણ કોરોના સંક્રમિત બન્યા છે. આ ઉપરાંત સાબરમતી જેલમાં કાચા કામના 8 કેદીને કોરોના થયો છે. 
આ ઉપરાંત વેજલપુરના માધવમંગલ એપાર્ટમેન્ટ, ચાંદલોડિયાના સુખમંગલનગર અને વટવાના શિખર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 3 સભ્યના  રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કુબેરનગર કુંભાજીની ચાલીમાં એક સાથે 5 કેસ પોઝિટિવ આવ્યા છે. બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 4 કેસ નોંધાયા છે.


અસારવામાં 12, શાહીબાગમાં 10 અમરાઇવાડીમાં 10, નિકોલમાં 14, ચાંદલોડિયા અને ગોતામાં 8-8 , બાપુનગરમાં 11, કુબેરનગરમાં 11, ઠક્કરબાપાનગરમાં 10, જોધપુરમાં 10, વેજલપુરમાં 14 વટવામાં 11, જ્યારે નવરંગપુરામાં 14 અને સાબરમતીમાં 16 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 14થી 15 હજાર માત્ર 3 દિવસમાં થઈ ગયો હતો. શહેરમાં કુલ મૃત્યુઆંક પણ 1100 નજીક પહોંચવા આવ્યો છે. 

સિવિલની કિડની હોસ્પિટલમાં ઓપીડી-ઇન્ડોર સેવા શરૂ
કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે, બુધવારથી હોસ્પિટલમાં ઓપીડી અને ઇન્ડોર દર્દીને દાખલ કરવાની સુવિધા શરૂ કરાઇ છે. જ્યારે વૈકલ્પિક શસ્ત્રક્રિયા કરવાની અને ગંભીર સારવારની જરૂરિયાત હોય તેવા દર્દીને દાખલ કરવાની વાત આવે ત્યારે અમે માર્ગદર્શિકાનું સખત પાલન કરીશું. 

ગુજરાત યુનિ.ના પ્રોફેસરે શોધેલી દવાને આયુષ મંત્રાલયની મંજૂરી
ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન વિભાગના પ્રોફેસર ડો. રાકેશ રાવલે કોરોનાની આયુર્વેદ દવા શોધી છે. ભારત સરકારના આયુષ મંત્રાલયે પ્રોફેસર રાવલની આ હર્બલ આયુર્વેદિક દવાના ટ્રાયલ માટે મંજૂરી આપી છે. ઇમયુરાઇઝ હર્બલ પ્રોડક્ટ નામની આ આયુર્વેદિક દવા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ દવાનો ટેલોમીરેજ સ્ટડી 31 દર્દીઓ ઉપર કરવામાં આવ્યો હતો જેમાં 96 ટકા રિઝલ્ટ મળ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post