• Home
  • News
  • લગ્નમાં વિગ્ન:વિદેશથી લગ્ન કરવા આવેલો યુવક અસમંજસમાં, કંકોતરીઓ વહેંચાઈ ગઈ, ખરીદી-બુકિંગ થઈ ગયાં, હવે 100 જ લોકોની મંજૂરીમાં કોને બોલાવું, કોને ના પાડું
post

કુટુંબમાં જ 150 લોકો છે, હવે લગ્નમાં 100 લોકોની પરમિશનને કારણે ઘણી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 11:57:37

કોરોનાની મહામારી હવે જીવનમાં એકમેક થવા જઈ રહેલાં વર-વધૂને પણ નડી રહી છે. રાજ્યમાં ફરી કોરોના વકરતાં સરકારે લગ્ન સમારંભમાં માત્ર 100 વ્યક્તિની પરમિશન આપતાં જેના ઘરમાં લગ્નપ્રસંગ છે તેવા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. કંકોતરીઓ વહેંચાઈ ગઈ, ખરીદી અને બુકિંગ થઈ ગયાં છે અને હવે મહેમાનો, જાનૈયાઓ તેમજ અન્ય લોકો મળી માત્ર 100 જ લોકોની પરમિશન હોવાથી હવે કફોડી સ્થિતિમાં મુકાયા છે. ખાસ વિદેશથી લગ્ન કરવા યુવક ગુજરાત આવ્યો છે અને 200 માણસની પરમિશન હોવાથી લગ્ન ડિસેમ્બરમાં ગોઠવાયા છે, પરંતુ હવે તેઓ પણ અસમંજસમાં છે.

સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા હાર્દિક પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે મારી નાની બહેનના 8 ડિસેમ્બરના રોજ લગ્ન છે. કંકોતરીઓ વહેંચાઈ ગઈ છે, પાર્ટી-પ્લોટ, કેટરિગ એડવાન્સ બુકિંગ થઇ ગયાં છે અને દરેક મહેમાનને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે અને હવે સરકારે 200માંથી 100ની પરમિશન આપતાં મૂંઝવણ ઊભી થઈ છે. ઘરમાં જ કુટુંબના 100થી વધુ સભ્યો થઈ જાય છે ત્યારે કુલ 100ની પરમિશન આપતાં મોટી સમસ્યા ઊભી થઈ છે.

200 લોકોની પરમિશન આપતાં લગ્ન ગોઠવાયાં હતાં
કન્યાના ભાવિ પતિ જર્મની રહે છે અને સરકારે અગાઉ 200 લોકોની પરમિશન આપતાં લગ્ન ગોઠવાયા હતા. તેઓ લગ્ન કરવા ગુજરાત આવી ગયા છે. મહેસાણાથી તેઓ અમદાવાદ જાન લઈને આવવાના છે. તેમના કુટુંબમાં પણ 150 લોકો છે, હવે લગ્ન સમારંભમાં 100 લોકોની પરમિશનને કારણે ઘણી વિકટ પરિસ્થિતિ ઊભી થઇ છે. લગ્ન માટે વિદેશથી આવ્યા છે, જેથી લગ્ન તો નક્કી છે, પરંતુ કેટલા મહેમાન બોલાવવા અને કોને કોને કહેવું એના પર મોટો સવાલ આવી ગયો છે.

 

અચાનક કર્ફ્યૂ બાદ 100 લોકો પરમિશનથી મુશ્કેલીમાં મુકાયા
કન્યા ગોપી પટેલે જણાવ્યું હતું કે પહેલાં અમે લગ્ન રદ કરી નાખ્યા હતા. સરકારે 200 લોકોની પરમિશન આપતાં અમે ડિસેમ્બરમાં લગ્ન લીધા છે અને હવે અચાનક કર્ફ્યૂ બાદ લગ્નમાં 100 લોકોની પરમિશન આપતાં હવે અમે મુશ્કેલીમાં મુકાયા છીએ. કોને આમંત્રણ આપવું અને કયા મહેમાનોને બોલાવવા એને લઈ અમે મૂંઝવણમાં છીએ.

અનેક લોકોએ તો આખા લગ્ન રદ કરવાનો વારો આવ્યો
સાત્ત્વિક એન્ટરટેઇનમેન્ટ ઇવેન્ટ મેનેજમેન્ટના સંચાલક સચિન પંડ્યાએ વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારે લગ્ન પ્રસંગમાં 200માંથી 100 લોકોની પરમિશન આપતાં મોટા ભાગનાં લગ્ન કેન્સલ થયાં છે. ખાસ કરીને જેના લગ્ન 10 ડિસેમ્બર પહેલાં છે તેઓ ખૂબ જ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે તેમના લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. કંકોતરી આપી દેવાઈ છે અને હવે માણસો ઘટી જતાં લગ્નમાં હવે કોને બોલાવવા એના પર તેઓ મૂંઝાયા છે. અનેક લોકોને તો આખા લગ્ન રદ કરવાનો વારો આવ્યો છે. 8 મહિના બાદ લગ્નની સીઝન શરૂ થઇ હતી અને હવે સરકારે લગ્નમાં માણસોની સંખ્યા મર્યાદિત કરતાં મોટો ફટકો વેડિંગ ઈન્ડસ્ટ્રીઝને પડ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post