• Home
  • News
  • ગાયનેકોલોજીસ્ટ મહિલા તબીબને સલામ, કોરોના પોઝિટિવ મહિલાની ડિલિવરી કરી કહ્યું ઇન્ફેક્શનનો ભય તો હોય પણ ડોક્ટરની ફરજ ન ચૂકવી જોઈએ
post

બે દિવસ પહેલા જંગલેશ્વરની કોરોનાગ્રસ્ત મહિલાની સિવિલ હોસ્પિટલમાં સફળ ડિલિવરી કરવામાં આવી હતી, મહિલા તબીબે હિંમત દેખાડી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 12:08:48

રાજકોટ: રાજકોટમાં જંગલેશ્વરમાં રહેતી ગર્ભવતી મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેણે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ બાળકને પણ જન્મ આપ્યો. પરંતુ આ મહિલાની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટરની હિંમતને પણ સલામ કરવી ઘટે. સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર મનિશા પરમારે વાતચીતમાં જણાવ્યું હતું કે ઇન્ફેક્શન લાગવાનો ભય તો રહેતો જ હોય છે. પરંતુ એક ડોક્ટરની પણ ફરજ હોય છે કે આવા સમયે દર્દીની સારવાર કરવી જ પડે. આપણે આપણી ફરજ ક્યારેય ચૂકવી ન જોઇએ.

પરિવારના સભ્યો પણ ચિંતા કરતા હોય છે: મહિલા તબીબ

મહિલા તબીબે વધુમાં જણાવ્યું હતું કે, ઘરે પણ લોકો ચિંતા કરતા હોય છે. ફરજની કોઈ દિવસ ના પાડી નથી. પરંતુ પૂરતી કાળજી રાખવાની વારંવાર સલાહ ઘરનાં પરિવારના સભ્યો આપતા જ હોય છે. જો માતા કોરોના પોઝિટિવ હોય અને બાળકને જન્મ આપ્યો હોય તો બાળકને પણ પોઝિટિવ આવે તે તો સ્ટડી બાદ જ ખબર પડે.

માતા અને બાળક બંને હાલ સ્વસ્થ છે તે સારી બાબત છે: ડો.ગોસ્વામી 

રાજકોટમાં પ્રથમ વખત કોરોનાગ્રસ્ત મહિલાની પ્રસૂતિ થઈ છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. પુત્રને જન્મ આપ્યા બાદ તુરંત જ બાળકને અલગ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે નેગેટિવ આવ્યા છે. જો કે હજુ પૃથક્કરણ માટે બીજી વખત ટેસ્ટ કરવામાં આવશે. ગાયનેક વિભાગના વડા ડો. કમલ ગોસ્વામીના જણાવ્યા અનુસાર બાળક અને મહિલા બંને હાલ સ્વસ્થ છે તે સારી બાબત છે. બાળકને પણ કોઇ સમસ્યા નથી અને નેગેટિવ રિપોર્ટ આવ્યો છે તેથી આગળના નિર્ણય માટે મેડિસિન વિભાગ, ગાયનેક વિભાગ તેમજ પીડિયાટ્રિક વિભાગ સંકલન કરીને નિર્ણય લેશે.

માતાનું દૂધ અપાય છે તેનાથી ચેપ લાગવાની શક્યતા નથી

કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર હાલ બાળકને તેની માતાથી અલગ રખાયું છે. તેનો પહેલો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે પણ 48 કલાક પછી ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. બાળક સ્વસ્થ છે અને અત્યારે તેને માતાનું દૂધ અપાય છે તેનાથી ચેપ લાગવાની શક્યતા નથી. બીજી વખત રિપોર્ટ આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે કે બાળકને તેની માતા સાથે રાખી શકાશે કે નહીં. ઉપરાંત મહિલાના ગર્ભમાં પણ કોરોનાનો ચેપ લાગે તેની શક્યતા ખૂબ જ ઓછી છે. જે પણ કેસ નોંધાયા છે તેમાં પ્રસૂતિ બાદ બાળકના રિપોર્ટ નેગેટિવ જ આવ્યા છે. બાળક પર 24 કલાક નજર રાખવા માટે એક નર્સિંગ સ્ટાફ તૈનાત છે.