• Home
  • News
  • ટૂર્નામેન્ટમાં ભારતની દીપ્તિ, તાનિયાનું શાનદાર પ્રદર્શન; પૂનમે સૌથી વધુ 7 વિકેટ ઝડપી
post

ટીમ ઇન્ડિયાએ પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા અને બીજી મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 11:02:37

વુમન્સ T-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શરૂઆતની બંને મેચો જીતી લીધી છે. હવે ત્રીજી મેચ 27 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે રમશે. ટીમ ઇન્ડિયા આ મેચ જીતે તો સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરશે. ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 અને બીજી મેચમાં બાંગ્લાદેશને 18 રને હરાવ્યું હતું. પૂનમે સૌથી વધુ 7 વિકેટ લીધી, જયારે વિકેટકીપર તાનિયા ભાટિયાએ વિકેટ પાછળ 7 શિકાર કર્યા. ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ પણ બંને જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું.

પિતા-ભાઈ વિકેટકીપર, પરંતુ તાનિયા જ ઈન્ટરનેશનલ રમી
ટીમની વિકેટકીપર તાનિયા ભાટિયાએ 2 મેચમાં સૌથી વધુ 7 શિકાર કર્યા. વિકેટ પાછળ તે બેસ્ટ એટલે છે કારણ કે આ તેને વારસામાં મળ્યું છે. 22 વર્ષીય તાનિયાના પિતા અને કાકા બંને વિકેટકીપિંગ કરતા હતા. તેનો નાનો ભાઈ સહજ પણ ક્રિકેટ રમે છે અને તે વિકેટકીપર જ છે. પરંતુ માત્ર તાનિયાને જ ઈન્ટરનેશનલ લેવલે રમવાની તક મળી. તાનિયાને સૌથી વધુ સપોર્ટ માતા સપના ભાટિયા તરફથી મળ્યો. તાનિયાને 11 વર્ષની વયે પંજાબની અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું. તાનિયાની માતાએ જણાવ્યું કે, તેણે પહેલા યોગરાજ સર પાસેથી ટ્રેનિંગ મેળવી અને પછી તેને આરપી સિંહે તૈયાર કરી. પ્રારંભમાં તે ઝડપી બોલિંગ કરતી હતી, પરંતુ પછી તેણે કીપિંગની પસંદગી કરી. સપના ભાટિયાએ જણાવ્યું કે, ‘ઓસ્ટ્રેલિયા સામેની મેચ અગાઉ તે દબાણ હેઠળ હતી અને મે તેને શાંત કરી સ્ટ્રેન્થ સાથે રમવાની સલાહ આપી.તેના કોચ આરપી સિંહે કહ્યું કે,‘કેમ્પમાં તે એકમાત્ર છોકરી હતી અને તેણે છોકરાઓ સાથે ટ્રેનિંગમાં ભાગ લેવો પડતો. જેનો તેને ફાયદો મળ્યો. અંડર-19 ટીમ તરફથી રમ્યા બાદ 16 વર્ષની વયે તેને પંજાબની સીનિયર ટીમમાં તક મળી હતી.


દીપ્તિ 16 વર્ષની વયે પ્રથમ મેચ રમી, 9 કલાક પ્રેક્ટિસ કરે છે, T-20માં 49 વિકેટ ઝડપી ચૂકી છે
દીપ્તિ શર્માએ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 49* રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ્સ રમી. ઓફ સ્પિનર તરીકે તેણે 4 ઓવરમાં માત્ર 17 રન આપ્યા, જેમાંથી 3 ઓવર તેણે પાવરપ્લેમાં નાંખી હતી. 22 વર્ષીય દીપ્તિએ કરિયરનો પ્રારંભ ઝડપી બોલર તરીકે કર્યો હતો, પરંતુ પછી ઓફ સ્પિનર બની ગઈ. ડાબોડી ખેલાડીએ 2017માં વન-ડેમાં પૂનમ રાઉત સાથે 320 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી.


16 વર્ષની વયે ઈન્ટરનેશનલ કરિયરનો પ્રારંભ કરનાર દીપ્તિ 54 વન-ડેમાં 38ની એવરેજથી 1417 રન કરી ચૂકી છે અને 64 વિકેટ પણ ઝડપી છે. જ્યારે T-20માં 45 મેચમાં 17ની એવરેજથી 367 રન કર્યા છે, આ ઉપરાંત 49 વિકેટ લીધી છે. તે વધુ એક વિકેટ ઝડપે તો T-20માં 50 વિકેટ ઝડપનાર દેશની ચોથી મહિલા બોલર બનશે. તેના ભાઈ સુમિત શર્મા પણ ક્રિકેટર હતા. તેમણે કહ્યું કે,‘દીપ્તિ મહેનતું ખેલાડી છે અને ક્યારેય હાર માનતી નથી. છેલ્લા 10 વર્ષથી અમે સતત મહેનત કરી રહ્યાં છીએ. અમે એક દિવસમાં 8-9 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ. અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં દીપ્તિએ સારું પ્રદર્શન કર્યું છે. આશા છે કે તે આગળ પણ આ‌વું જ પ્રદર્શન કરતી રહેશે.