• Home
  • News
  • US ઓપન:વર્લ્ડ નંબર-1 જોકોવિચ મહિલા ઓફિશિયલને બોલ હિટ કરવાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર, ગ્રાન્ડ સ્લેમના ઇતિહાસમાં ડિસક્વોલિફાય થનાર ત્રીજો ખેલાડી
post

જોકોવિચનો શોટ મહિલા અધિકારીને વાગ્યો ત્યારે તે મેચના પહેલા સેટમાં 5-6થી પાછળ હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 11:31:32

વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને રવિવારે US ઓપનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ડિસક્વોલિફાય કરાયો હતો. સર્બિયાનો જોકોવિચ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનના પબેલે કેરેનો બસ્ટો સામે રમી રહ્યો હતો અને પ્રથમ સેટમાં 5-6થી પાછળ હતો.

આ અકળામણમાં તેણે એક શોટ માર્યો જે સીધો મહિલા અધિકારીના ગળામાં વાગ્યો હતો. આ પછી, મહિલાને થોડો સમય શ્વાસ લેવામાં તકલીફ થઈ. જોકોવિચ મહિલા પાસે તેની સ્થિતિ પૂછવા ગયો હતો. થોડા સમય પછી તે મહિલા ઉભી થઈ અને કોર્ટની બહાર નીકળી ગઈ. મેચ રેફરીએ ચર્ચા કરીને જોકોવિચ જોડે વાત કરી અને તેને ડિસક્વોલિફાય કર્યો હતો.

એક યૂઝરે આ મેચનો એક વીડિયો ટ્વીટ કર્યો. તેમાં જોકોવિચ દ્વારા હિટ કરવામાં આવેલો બોલ ત્યાં હાજર મહિલા ઓફિશિયલને વાગે છે. મહિલા પોતાના સ્થાન પર જ નીચે પડતી દેખાય છે.

જોકોવિચ ડિસક્વોલિફાય થનાર ત્રીજો ખેલાડી

·         જોકોવિચ ત્રીજો ખેલાડી છે જેને ગ્રાન્ડ સ્લેમ ઇતિહાસમાં ડિસક્વોલિફાય કરવામાં આવ્યો છે.

·         જોકોવિચ પહેલાં, જોન મેકેનરોને 1990માં ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી અને 2000માં સ્ટીફન કુબેકને ફ્રેન્ચ ઓપનમાંથી ડિસક્વોલિફાય કરાયા હતા.

જોકોવિચ પાસે 18મી વખત ગ્રાન્ડસ્લેમ જીતવાની તક હતી

·         આ વખતે સૌથી વધુ 20 ગ્રાન્ડ સ્લેમ જીતનાર રોજર ફેડરર અને 19 ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્પેનના રાફેલ નડાલ રમી રહ્યા નથી.

·         21 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે બંને દિગ્ગજો ટૂર્નામેન્ટ રમી રહ્યા નથી.

·         તેથી જોકોવિચ પાસે 18મો ગ્રાન્ડ સ્લેમ જીતવાની તક હતી.

·         ઉલ્લેખનીય છે કે, ફેડરર ઘૂંટણની ઇજા અને નડાલ કોરોનાના ડરને કારણે US ઓપન રમી રહ્યા નથી.

USTA નિવેદન જારી કર્યું

·         US ઓપનના નિયમો મુજબ, જો કોઈ ખેલાડી અધિકારી અથવા દર્શકને ઇજા પહોંચાડે છે, તો પરિણામે તેને દંડ સાથે ડિસક્વોલિફાય કરવામાં આવે છે.

·         મેચ રેફરીએ નોવાક જોકોવિચને દોષી ઠેરવ્યો હતો. તદનુસાર, ટૂર્નામેન્ટમાં પ્રી-ક્વાર્ટર મેચ પર પહોંચ્યા પછી,

·         જોકોવિચને મળેલી ઇનામની રકમ કાપવામાં આવશે. તેમજ, ખેલાડીને જે પણ રેન્કિંગ પોઇન્ટ મળ્યા છે, તે પણ ઘટાડવામાં આવશે.