• Home
  • News
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ:રિદ્ધિમાન સાહાનો કોરોના રિપોર્ટ નેગેટિવ, 24 મેના રોજ મુંબઈમાં ટીમ સાથે જોડાશે
post

ભારતીય ટીમ 19 મેના રોજ મુંબઇમાં બાયો-બબલમાં એન્ટ્રી લેશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-18 11:41:07

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પહેલાં ભારતીય ટીમ માટે રાહતના સમાચાર આવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને ઈંગ્લેન્ડ સાથેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમમાં શામેલ રિદ્ધિમાન સાહાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દિલ્હીમાં 17 દિવસ ક્વોરન્ટીન થયા બાદ તે કોલકાતા પાછો ફર્યો છે. તે પરિવાર સાથે થોડા દિવસ રહ્યા બાદ 24 મેના રોજ મુંબઇમાં ભારતીય ટીમમાં જોડાશે. ત્યારબાદ ક્વોરન્ટીનમાં રહેશે.

આઇપીએલ દરમિયાન કોરોના પોઝિટિવ થયો હતો
આઈપીએલની 14મી સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમનાર સાહા 4 મેના રોજ કોરોના સંક્રમિત થયો હતો. તેના પહેલા દિલ્હી કેપિટલના અમિત મિશ્રા, સંદીપ વોરિયર અને કેકેઆરના વરૂણ ચક્રવર્તી, સીએસકેના એલ બાલાજી અને સીએસકેના બેટિંગ કોચ માઇકલ હસીને ચેપ લાગ્યો હતો. જે બાદ ભારતના ક્રિકેટ બોર્ડ અને ભારતીય પ્રીમિયર લીગના વહીવટી તંત્રે મધ્ય સત્રમાં આઈપીએલ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. તમામ ખેલાડીઓ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા, પરંતુ સાહા દિલ્હીમાં ક્વોરન્ટીન રહ્યો હતો. સાહાનો એક રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી, બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને ફરીથી ક્વોરન્ટીન રહેવું પડ્યું .

સાહાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે
સાહાને સ્ક્વોડમાં ઋષભ પંતની સાથે વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ સાહાએ હવે ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે.

ભારતીય ટીમ 19 મેના રોજ મુંબઇમાં બાયો-બબલમાં એન્ટ્રી લેશે
​​​​​​​વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલા તમામ ખેલાડીઓ 19 મેના રોજ મુંબઇમાં એકઠા થવાના છે. બધા ખેલાડીઓ બીસીસીઆઈ દ્વારા તૈયાર કરેલા બાયો બબલમાં પ્રવેશ કરશે. તેઓને આઠ દિવસ માટે ક્વોરન્ટીનમાં રહેવું પડશે. તે પછી તે ઇંગ્લેન્ડ જવા રવાના થશે. ભારતીય ટીમ ચાર્ટર પ્લેનથી 2 જૂને ઇંગ્લેન્ડ પહોંચશે. પુરુષ ટીમ અને મહિલા ટીમ સાથે જશે. તેથી મહિલા ટીમ પણ 19 મેના રોજ મુંબઇ પહોંચશે. બધા ખેલાડીઓએ બાયો-બબલમાં પ્રવેશતા પહેલા કોરોના રિપોર્ટ નેગેટિવ લાવવો પડશે.