• Home
  • News
  • તોડકાંડ મામલે યુવરાજસિંહ જેલ હવાલે:કોર્ટમાં પહોંચતાં પહેલાં કહ્યું- 'આ તો શરૂઆત છે; અંત બાકી છે, પાંચ પાંડવો પણ આવશે અને ઘણુંબધું બહાર આવશે'
post

તોડકાંડ મામલાના તમામ છ આરોપીઓની ધરપકડ

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-01 16:42:50

ભાવનગર: ભાવનગરમાં ડમીકાંડ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ તપાસમાં તોડકાંડ સામે આવ્યા બાદ પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી હતી. આ કેસમાં યુવરાજસિંહની ધરપકડ કરાયા બાદ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. ત્યાર બાદ ફરીવાર વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જે આજે પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરાયો છે. જોકે કોર્ટમાં પહોંચે એ પહેલાં યુવરાજસિંહે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે 'આ તો શરૂઆત છે; અંત બાકી છે, પાંચ પાંડવો પણ આવશે અને ઘણુંબધું બહાર આવશે'. ત્યારે તોડકાંડ મામલે યુવરાજસિંહને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

યુવરાજસિંહ ઉપરાંત તેમના સાળા કાનભા ગોહિલને અને અલ્ફાઝ ઉર્ફે રાજુ પઠાણને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે. ભાવનગર કોર્ટે હુકમ કર્યો હતો. એક કરોડ રૂપિયાના તોડકાંડ મામલે યુવરાજસિંહને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જેલમાં જતા પહેલાં બોલ્યા હતા કે, આ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી હજી લડવાનું છે

યુવરાજસિંહને ફરીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો
1
કરોડ રૂપિયાની ખંડણી માગવા મામલે યુવરાજસિંહ અને તેના માણસો સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં પોલીસે 73 લાખ 50 હજાર રૂપિયા રિકવર કરવામાં સફળતા મળી હતી. બાકીના રૂપિયા રિકવર કરવાના બાકી હોઇ પોલીસ દ્વારા આજે વધુ પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે આજે પૂરા થતા ફરીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે.

તોડકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં 73.50 લાખ રિકવર કર્યા
યુવરાજસિંહ અને તેના માણસો સામે 1 કરોડ રૂપિયાની ખંડણીની ફરિયાદ બાદ પોલીસે અત્યાર સુધીમાં 73 લાખ 50 હજાર રૂપિયા રિકવર કરી લીધા છે. જેમાં સૌ પ્રથમ યુવરાજસિંહના સાળા કાનભાએ તેમના મિત્રના ઘરે રાખેલા 38 લાખ રૂપિયા SITએ રિકવર કર્યા હતા. ત્યારબાદ યુવરાજસિંહના બીજા સાળા શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ અને પાંચ-પાંચ લાખ રૂપિયા ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી પાસેથી રિકવર કરવામાં આવ્યા હતા.

યુવરાજસિંહ સહિત 6 લોકો સામે ગુનો નોંધાયો હતો
ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવી 21 એપ્રિલે બપોરે 12 વાગ્યે પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા. યુવરાજસિંહની સતત 8 કલાક સુધી મેરેથોન પૂછપરછ ચાલી હતી. પૂછપરછ બાદ ભાવનગર પોલીસે ખુદ ફરિયાદી બની યુવરાજસિંહ જાડેજા, શિવુભા, કાનભા, ઘનશ્યામભાઈ, બિપીન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે આઈપીસી કલમ 386, 388 અને 120 B હેઠળ ગુનો નોંધ્યો હતો.

'ડમી વિદ્યાર્થીનો વીડિયો બતાવી 1 કરોડ રૂપિયા લેવાયા'
ભાવનગર પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, યુવરાજસિંહ અને તેમના માણસોએ એક યુવકનો ડમી વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયોનો ડર પ્રકાશ દવેને બતાવી તેનું નામ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નહીં લેવા પેટે બળજબરી અને ધાકધમકીથી રૂપિયા 45 લાખ પડાવી લીધાની હકીકત જણાયેલ જેનાં સમર્થનો કરતાં નિવેદનો તથા અન્ય પુરાવાઓ પોલીસ દ્વારા મેળવવામાં આવેલ છે. તેવી જ રીતે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રદીપ બારૈયા નામના વ્યક્તિ પાસેથી યુવરાજસિંહ તથા તેના માણસોએ 55 લાખ રૂપિયા લીધા હોવાની વિગત સામે આવતા તેમના પણ પુરાવાઓ મેળવાયા છે.

બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લીધાના આક્ષેપ કર્યો હતો
14
મી એપ્રિલે ભાવનગર પોલીસ દ્વારા 36 લોકો સામે ડમીકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના બીજા દિવસે યુવરાજસિંહના જૂના સાથી એવા બિપીન ત્રિવેદી દ્વારા એક વીડિયો વાઈરલ કરી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ડમીકાંડમાં ચોક્કસ વ્યક્તિને લઈ યુવરાજસિંહે 55 લાખમાં ડીલ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

તોડકાંડ મામલાના તમામ છ આરોપીઓની ધરપકડ
તોડકાંડ મામલે યુવરાજસિંહ સહિત છ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ જાડેજા, તેના સાળા કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, બિપીન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને અલ્ફાઝખાન ઉર્ફે રાજુ સામે ગુનો નોંધાયા બાદ પોલીસ તમામની ધરપકડ કરી ચૂકી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post