• Home
  • News
  • અમદાવાદમાં ડેન્ગ્યૂનાં 21 દિવસમાં 416 કેસ નોંધાયા
post

હાલ વરસાદે વિરામ લેતા મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગ વકરી રહ્યો છે. ત્યારે સામાન્ય જનતા તો રોગચાળાનાં ભરડામાં આવી જ ગઇ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-24 12:32:24

અમદાવાદ : હાલ વરસાદે વિરામ લેતા મચ્છરજન્ય રોગ અને પાણીજન્ય રોગ વકરી રહ્યો છે. ત્યારે સામાન્ય જનતા તો રોગચાળાનાં ભરડામાં આવી જ ગઇ છે સાથે સાથે સીઆરપીએફનાં (CRPF) જવાનો પણ ડેન્ગ્યૂનો ભોગ બન્યા છે. હાલ 10થી વધારે સીઆરપીએફનાં જવાનો ડેન્ગ્યૂને (Dengue) કારણે અમદાવાદની (Ahmedabad) સિવિલ હૉસ્પિટલમાં (Civil Hospital) સારવાર હેઠળ છે. ઉપરાંત સિવિલ હૉસ્પિટલનાં સ્ટાફમાંથી 60 લોકો પણ ડેન્ગ્યૂનો શિકાર બન્યાં છે. આ સાથે અમદાવાદમાં ડેન્ગ્યૂનાં 21 દિવસમાં 416 કેસ નોંધાયા છે.

શહેરનાં મોટાભાગે બધા જ વિસ્તારોમાં મચ્છરોનાં ઉપદ્વને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાં પણ ઘાટલોડિયા, ગોતા, અમરાઇવાડી, લાંભા, ઇન્દ્રપુરી, વટવા વિસ્તારોમાં મચ્છરોનાં પોરા ખૂબ જ વધુ જોવા મળ્યાં છે. આ આંકડા સામે આવતા તંત્ર પણ જાગ્યું છે અને મચ્છરોને ડામવાનાં અનેક પગલા લઇ રહ્યું છે.

મચ્છરોને ડામવાનાં અભિયાન અંતર્ગત મ્યુનિ.એ સોમવારે એટલે ગઇકાલે 812 સાઇટ, પાર્ટીપ્લોટની તપાસ કરી 230ને નોટિસ આપી હતી. મચ્છરોના બ્રીડિંગ મળતા સીલ કરાયેલી સાઇટોમાં વીઆઇપી પીઝા સેન્ટર, વસ્ત્રાલ, વીડિયોકોન એરીઝોના કોમર્શિયલ, સ્ટેડિયમ, વૂડ ક્રાફ્ટ ઇન્ડિયા સરખેજ, સ્ટાર લાઇન, મારુતિ સુઝુકી વર્કશોપ સરદારનગર, ક્રેટા વોટર બોટલ પ્લાન્ટ કુબેરનગર, ઇન્ગરસોલ રેન્ડ ઇન્ડિયા કંપની નરોડાનો સમાવેશ થાય છે.

આ અંગે સિવિલ હૉસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટે જણાવ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આખા ભારતમાંથી અહીં દર્દીઓ આવે છે. હાલ અમારી દરરોજની એવરેજ ઓપીડી ત્રણ હજારથી ચાર હજાર છે. આંકડા પર નજર કરીએ તો ગયા વર્ષે ડેન્ગ્યૂનાં 285 કેસ હતા તેની સામે આ વર્ષે આજની તારીખ સુધી 228 કેસ જોવા મળ્યાં છે. ચિકનગુનીયામાં ગયા વર્ષે 41 કેસ હતા આ વર્ષે અત્યાર સુધીમાં 20 કેસ નોંધાયા છે. ટાઇફોઇડમાં 328ની સામે આ તારીખ સુધી 224 કેસ નોંધાયા છે. કમળાનાં કેસ પણ ગયા વર્ષની સરખામણીમાં ઓછા જોવા મળ્યાં છે.

adv

Related News

post
post
post
post
post
post
post