• Home
  • News
  • એક જ દિવસમાં રમતાં-રમતાં 2 યુવાન જિંદગી હાર્યા:રાજકોટમાં ક્રિકેટરને બોલ વાગતાં હાર્ટ ફેઇલ, ફૂટબોલમાં ગોલ પૂરો કરે એ પહેલાં વિદ્યાર્થીને હાર્ટ-એટેક આવ્યો
post

મારવાડી કોલેજમાં ગઇકાલે સાંજે 7.30 વાગ્યા આસપાસ ફૂટબોલ રમતો વિદ્યાર્થી ગોલ પૂરો કરે એ પહેલાં ઢળી પડ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડાતાં ડોક્ટરે હાર્ટ-એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-30 17:59:24

રાજકોટ: મોત ક્યા, ક્યારે અને કેવી રીતે આવી ટપકે એ કોઈ પામી શકતું નથી, આવા જ બે કિસ્સા રાજકોટ શહેરમાં બન્યા છે. ગઈકાલે રેસકોર્સ મેદાનમાં સવારે ટેનિસ બોલથી ક્રિકેટ મેચમાં બેટિંગ દરમિયાન યુવકને બોલ વાગ્યા બાદ તેણે રનર રાખ્યો હતો. ઇજા બાદ 22 રન કરી આઉટ થયેલો યુવક પોતાની કારમાં બેસીને મેચ જોતો હતો એ વખતે જ તેનું હાર્ટ ફેઇલ થઇ ગયું હતું અને તે ઢળી પડ્યો હતો. યુવકને તાકીદે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવમાં મારવાડી કોલેજમાં ગઇકાલે સાંજે 7.30 વાગ્યા આસપાસ ફૂટબોલ રમતો વિદ્યાર્થી ગોલ પૂરો કરે એ પહેલાં ઢળી પડ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડાતાં ડોક્ટરે હાર્ટ-એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું.

યુવક મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો
ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતો રવિ ગાવડા નામનો યુવક રવિવારે સવારે તેના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો અને સ્થાનિક ટીમ સાથે ટેનિસ બોલથી ક્રિકેટની મેચ રાખી હતો, રવિ બેટિંગમાં આવ્યો ત્યારે તેને ટેનિસનો બોલ લાગતાં તે ઇન્જર્ડ થયો હતો અને શ્વાસ ચડવા લાગતાં તેણે રનર રાખ્યો હતો, ઇજા થવા છતાં બેટિંગ કરીને 22 રન બનાવી તે આઉટ થયો હતો, આઉટ થતાં જ પોતાની ટીમના અન્ય સભ્યો સાથે બેઠો હતો.

ક્રિકેટ રમતા રવિની જિંદગીની ઇનિંગ પૂરી થઈ
પરંતુ તેને છાતીમાં સહેજ દુખાવો ઊપડતાં તે બાજુમાં પાર્ક કરેલી પોતાની કારમાં જઈને બેઠો હતો અને મેચ જોતો હતો, અચાનક જ રવિ કારમાંથી નીચે ફંગોળાયો હતો અને બેભાન થઇ ગયો હતો. આ દૃશ્ય જોઇ તેના મિત્રોએ મેચ અટકાવી તેની પાસે દોડી ગયા હતા અને છાતીમાં પમ્પિંગ શરૂ કરી તેને કારમાં જ હોસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે રવિ મોબાઇલના કવરનો વેપાર કરતો હતો અને તેને બે સંતાન છે, ક્રિકેટ રમતા રવિની જિંદગીની ઇનિંગ પૂરી થઈ ગયાના સમાચાર મળતાં પરિવારજનોએ કરેલા આક્રંદથી ગમગીની છવાઈ હતી.

મારવાડી કોલેજના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત
બીજી ઘટનામાં મૂળ ઓડિશાના વતની, હાલ ગાંધીધામ રહેતા અને રાજકોટની મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિવેકકુમાર ભાસ્કર નામનો વિદ્યાર્થી ગઈકાલે સાંજે 7:30 કલાકે મારવાડી કોલેજના કેમ્પસમાં ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતો હતો. ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં સારવાર મળે એ પૂર્વે જ તેનું મોત થયું હતું.

વિવેકકુમાર બે ભાઈ મોટો હતો
તબીબોએ વિવેકકુમારનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું જણાવ્યું હતું. મૃતક વિવેકકુમાર બે ભાઈમાં મોટો હતો, તેના પિતા નિવૃત્ત આર્મીમેન છે અને ગાંધીધામની એક કંપનીમાં નોકરી કરે છે. આ બનાવની જાણ થતાં તેઓ રાજકોટ દોડી આવ્યા હતા.

ગોકુલનગર આવાસમાં ઠંડીથી આધેડનું મોત
રાજકોટ શહેરમાં ઠંડીને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. શહેરના ગોકુલધામ આવાસના ક્વાર્ટર નંબર 92માં રહેતા શૈલેષભાઈ ભટ્ટ (ઉં.વ.49)નું મોત થયાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે ઘરમાં દરવાજો બંધ કરી સૂતા હતા ત્યારે પરિવારજનો દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. ફોન ન ઉપાડતાં રૂબરૂ જોતાં અંદર શૈલેષભાઈનો મૃતદેહ જોવા મળ્યો હતો, જેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ઠંડીથી મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં એક આધેડનું ઠંડીથી અને 2 યુવાનના હાર્ટ-એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.

બે દિવસ પહેલાં મેડિકલ કોલેજના પ્રોફેસરનું હાર્ટ-એટેકથી મોત થયું હતું
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ડો.શોભા મિશ્રાનું બે દિવસ પહેલાં મોત થયાનું સામે આવતાં સાચું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં પ્રાથમિક તારણ મુજબ ડો. શોભા મિશ્રાનું હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું હતું. રાજકોટ શહેરના રેસકોર્સ પાર્કમાં રહેતાં મેડિકલ કોલેજનાં PSM વિભાગનાં વડાં ડો. શોભા મિશ્રા ઘરનું બારણું શુક્રવારે સવારથી ખૂલ્યું ન હતું. ઇન્ટર્ની ડોક્ટર તરીકે ફરજ બજાવતી તેની પુત્રી ગોધરાથી ફોન કરતી હતી, પરંતુ માતા શોભાબેનનો ફોન રિસીવ થયો નહોતો. અનેક પ્રયાસ થતાં માતા સાથે સંપર્ક નહીં થતાં પુત્રીએ પાડોશીને ફોન કરતાં તેમણે બારણું ખટખટાવ્યું હતું, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો, કંઇક અજુગતું થયાની શંકા ઊઠતાં પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને મેડિકલ કોલેજનો સ્ટાફ પણ ત્યાં દોડી ગયો હતો.

તાજેતરમાં રાજકોટમાં ઠંડીથી છાત્રાનું લોહી જામી જતાં મોત થયું હતું
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ગગડતાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે. ત્યારે 11 દિવસ પહેલાં જ ગોંડલ રોડ પર એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણમાં 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ-સંચાલકોએ તાકીદે સ્કૂલવેનમાં દોશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસે મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post