• Home
  • News
  • ભારતીય લોકશાહીના મંદિર પર હુમલાની 20મી વરસી
post

આ આતંકવાદી હુમલા પાછળ મોહમ્મદ અફઝલ ગુરૂ, એસએ આર ગિલાની અને શૌકત હુસૈન સહિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સામેલ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-13 11:44:47

નવી દિલ્હી:

આજથી બરાબર 20 વર્ષ પહેલા.. 13 ડિસેમ્બર, 2001ના રોજ સવાર સુધી બધું ખૂબ સામાન્ય હતું. સંસદનું શીતકાલીન સત્ર શરૂ થઈ ગયું હતું, વિપક્ષી સાંસદો કોફીન કૌભાંડને લઈ કફન ચોર, ગાદી છોડ.. સેના લોહી વહાવે છે, સરકાર દલાલી ખાય છે એવા નારા સાથે રાજ્યસભા અને લોકસભા ગજાવી રહ્યા હતા. સદનને 45 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદમાંથી પોતાના ઘર તરફ નીકળી ગયા હતા. જોકે નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સહિતના અન્ય સાંસદો સંદમાં ઉપસ્થિત હતા. તે સમયે સફેદ એમ્બેસેડર કાર દ્વારા જૈશ-એ-મુહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના 5 આતંકવાદી સંસદ ભવન પરિસરમાં પ્રવેશ કરે છે. એક આતંકવાદી સંસદ ભવનના ગેટ પર જ બોમ્બ વડે પોતાની જાતને ઉડાવી દે છે. 

ઉપરાષ્ટ્રપતિની રાહ જોઈ રહ્યો હતો ડ્રાઈવર

ઉપરાષ્ટ્રપતિના ડ્રાઈવર શેખર સંસદમાં રાજ્યસભાના ગેટ નંબર-11ની બહાર તેમની રાહ જોઈ રહ્યા હોય છે તે સમયે વિસ્ફોટનો અવાજ સંભળાય છે અને તે કશું સમજે તે પહેલા તેમની કારને આતંકવાદીઓ ટક્કર મારે છે. સાથે જ નીચે ઉતરતાની સાથે જ તાબડતોબ ગોળીબાર શરૂ કરી દે છે. શેખર પોતાનો જીવ બચાવવા ગાડીની પાછળ સંતાઈ જાય છે. ત્યાર બાદ ઉપરાષ્ટ્રપતિના સુરક્ષા ગાર્ડ મોરચો સંભાળી લે છે અને બંને બાજુથી ગોળીબાર સંભળાવા લાગે છે. 

અડવાણીએ વાજપેયીને કોલ લગાવ્યો 

ગોળીબાર સાંભળીને અડવાણી સંસદ ભવન સ્થિત પોતાના કાર્યાલયમાંથી બહાર નીકળે છે પરંતુ સુરક્ષાકર્મીઓ તેમને રોકી દે છે અને હુમલા અંગે જાણ કરે છે. આ સાંભળતા જ અડવાણી પોતાના કાર્યાલયમાં પાછા જાય છે અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ફોન લગાવે છે. આટલી વારમાં સુરક્ષા કર્મચારીઓ ઝડપથી સંસદ ભવનના દરવાજાઓ બંધ કરી દે છે જેથી કોઈ મોટો હુમલો થતો બચી ગયો. 

5 આતંકવાદી સહિત 14ના મોત

સંસદ ભવન ખાતે થયેલા આ હુમલામાં સુરક્ષાદળોએ તમામ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. દિલ્હી પોલીસના કહેવા પ્રમાણે આ હુમલામાં સૌથી પહેલા કોન્સ્ટેબલ કમલેશ કુમારી યાદવ શહીદ થઈ હતી અને ત્યાર બાદ સંસદનો એક માળી, 2 સુરક્ષાકર્મી અને દિલ્હી પોલીસના 6 જવાન પણ શહીદ થયા હતા. 

આ આતંકવાદી હુમલા પાછળ મોહમ્મદ અફઝલ ગુરૂ, એસએ આર ગિલાની અને શૌકત હુસૈન સહિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સામેલ હતા. 12 વર્ષ બાદ 09 ફેબ્રુઆરી, 2013ના રોજ અફઝલ ગુરૂને ફાંસી આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને 2001ના સંસદ હુમલામાં શહીદ થયેલા સૌ કોઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post