• Home
  • News
  • 7 વર્ષમાં 3 કૂવા ખોદ્યા, પણ હજુ પાણીથી વંચિત:ટાઢ, તડકો જોયાં વિના પથ્થર તોડી 30 ફૂટ ઊંડો અને 40 ફૂટ પહોળો કૂવો ખોદ્યો; પરિવાર પાણી માટે પુરુષાર્થ કરવા મજબૂર બન્યો
post

કડૂલી મહુડી ગામના આદિવાસી પરિવારને અત્યાર સુધી સીંચાઈ અને પીવાના પાણી માટે કોઈ સહાય મળી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 19:13:55

છોટા ઉદેપુર: અંતરિયાળ ગામ હોય કે છેવાડાનો સીમ વિસ્તાર લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. એક ટીપું પાણી માટે ન જાણે લોકો આજકાલ કેવા કેવા અખતરા કરી રહ્યા છે. સતયુગમાં જેમ પાંડવ પુત્ર ભીમને કુંતા માતાએ આપેલા વરદાનથી પાટું મારીને પાણી કાઢ્યું હતું, તેમજ એક પરિવાર હાલ પાણી માટે અથાગ મહેનત કરી રહ્યો છે. જી હા આ વાત છે નસવાડી તાલુકાની કે જેમાં આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર આવેલો છે. અહીં પાણી માટે લોકો પુરુષાર્થ કરવા મજબૂર બન્યા છે. આવો જ એક પરિવાર જીવન ગુજારા માટે પાણી મેળવવા પુરુષાર્થ કરી રહ્યો છે અને પથ્થર તોડીને પાણી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

હેન્ડપંપનું પાણી પીવાલાયક નથી તેમ છતાં...!
વાત છે નસવાડી તાલુકાના કડૂલી મહુડી ગામમાં રહેતા ખુશાલ નાનજીભાઇ ડુંગર ભીલની. જેઓ પોતાના પરિવારના જીવન ગુજારા માટે સીંચાઈ અને પીવા માટે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે કૂવો ખોદવા મજબૂર બની ગયા છે. કડૂલી મહુડી ગામ ડુંગરાળ વિસ્તારમાં હોવાથી પાણીની ખૂબ મોટી તકલીફ છે. ઉપરથી ટૂંકી જમીન હોવાથી પાણી માટે વધુ ખર્ચ કરવો પણ પોષાય તેમ નથી. જેને લઈને ખુશાલભાઈ છેલ્લા બે મહિનાથી પોતાના ઘરની સામે એક 30 ફૂટ ઊંડો અને 40 ફૂટ પહોળો કૂવો ખોદી રહ્યા છે. ખુશાલભાઈના ઘર પાસે એક હેન્ડપંપ છે. તેમાં પાણી તો આવે છે પણ પીવાલાયક નથી. હેન્ડપંપનું પાણી પીવાલાયક નથી તેમ છતાં તેઓ મજબૂરીએ પી રહ્યા છે.

અગાઉ પણ પરિવારે બે જગ્યાએ કૂવો ખોદ્યો હતો
ખુશાલભાઈ તેમની માતા સાથે જૂના ઘરે રહેતા હતા, ત્યાં અગાઉ પણ બે જગ્યાએ કૂવો ખોદ્યો હતો, પરંતુ પાણી મળ્યું ન હતું. પહેલાં ગામની અંદર માબાપનું ઘર હતું. તે છોડીને રોડ ઉપરના ઘરમાં રહેવા આવ્યા અને ત્યાં પાણીની વ્યવસ્થા કરવા માટે ઘરની પાછળના ભાગે કૂવો ખોદ્યો, પરંતુ પાણી મળ્યું ન હતું.

પથ્થર તોડીને પાણી મેળવવા પરિવાર કામે લાગ્યો
પાણી મેળવવા માટે ખુશાલભાઈ અને તેમનો પરિવાર કટિબદ્ધ હતો. એટલે તેઓએ હાર માન્યા સિવાય ટાઢ અને તડકો જોયા વિના, ઘરની સામે બે મહિનાથી પાવડા ત્રિકમની મદદથી કાળી મજૂરી કરીને પથ્થર તોડી પાણી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કૂવામાં પાણી નહિ મળે તો તળાવ બનાવી દઈશ: ખુશાલ ડું. ભીલ
ખુશાલભાઈ એ જણાવ્યું હતું કે, હું અને મારો પરિવાર છેલ્લા બે મહિનાથી કૂવો ખોદી રહ્યા છીએ. અત્યાર સુધી 30 ફૂટ ઊંડો અને 40 ફૂટ પહોળો કૂવો પથ્થર તોડીને ખોદ્યો છે. ચોમાસુ આવશે ત્યાં સુધી ખોદકામ ચાલુ રાખીશું અને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી પરિશ્રમ કરતા રહીશું. તેમ છતાં જો પાણી નહીં મળે, તો આ કૂવાને નાનું તળાવ બનાવીશું અને તેમાં વરસાદનું પાણી સંગ્રહ કરીને પાણી ઉપયોગમાં આવે તેવા પ્રયત્ન કરીશું.

પરિવાર ટાઢ, તડકો જોયા વિના કૂવો ખોદવા કામે લાગ્યો
મહત્ત્વની વાત એ છે કે, કડૂલી મહુડી ગામના આદિવાસી પરિવારને અત્યાર સુધી સીંચાઈ અને પીવાના પાણી માટે કોઈ સહાય મળી નથી. તેના કારણે આદિવાસી પરિવાર પથ્થર તોડીને પાણી કાઢવા માટે ટાઢ અને તડકો જોયા વગર પરિશ્રમ કરી રહ્યો છે.

લોકોને પાણી માટે પારાવાર મુશ્કેલી
નસવાડીના કડુલી મહુડી ગામ ડુંગરાળ વિસ્તારમાં આવેલું હોવાથી અહીંયાં લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ડુંગર વિસ્તાર હોવાથી પાણીની સમસ્યા હંમેશાં રહે છે. ઉપરાંત અહીંનાં મકાનો છૂટાછવાયા હોવાથી પાણી પહોંચાડવાનું પણ મુશ્કેલ છે. જેને કારણે લોકોને પાણી માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post