• Home
  • News
  • ક્લાઇમેટ ચેન્જ:ગુજરાતમાં વરસાદથી 3 દિવસમાં 30નાં મોત, 26 વર્ષમાં પહેલીવાર કચ્છમાં વરસાદ 200%ને પાર, 24 કલાકમાં 25% વરસાદ
post

રાજ્યની સરેરાશમાં 4%નો વધારોઃ એક સમયે નંબર વન રહેતું દક્ષિણ ગુજરાત સરેરાશના 100%થી હજુ 8% દૂર

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 09:33:41

રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વરસાદની પેટર્ન બદલાઇ છે જેને કારણે રણ પ્રદેશ એવા કચ્છમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર દેશમાં મેદાની પ્રદેશોમાં ભારે વરસાદની નોંધ લેવાઇ છે ત્યારે ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વખતે ભારે વરસાદ જોવા મળ્યો છે. જેનાથી ઊલટું અગાઉનાં વર્ષોમાં સૌથી વધુ વરસાદ જ્યાં રહેતો તે દક્ષિણ ગુજરાત હજુ સરેરાશના 100 ટકાએ પહોંચવામાં હજુ 8 ટકા દૂર છે. કચ્છ ઝોનમાં મેઘરાજાએ બેવડી સદી ફટકારી છે. મંગળવારે સવારની સ્થિતિએ કચ્છમાં સિઝનનો સરેરાશ કુલ 213.57 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સરેરાશના 25 ટકા વરસાદ તો છેલ્લા 24 કલાકમાં પડ્યો છે.ભારે વરસાદને કારણે છેલ્લા ત્રણ દિવસમાં જ 30 લોકોના મોત થયાં છે. રવિવારે 9, સોમવારે 9 અને મંગળવારે 12 લોકોના મોત થયા હોવાની માહિતી ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરમાંથી પ્રાપ્ત થઇ છે. અત્યારસુધીમાં કુલ 10,542 લોકોનું સ્થળાંતર કરાયું હતું જે પૈકી 2240 લોકો હજુ આશ્રય સ્થાન ઉપર છે.

કચ્છમાં સોમવારે સવારની સ્થિતિએ સરેરાશ 188.04 ટકા વરસાદ હતો જ્યારે મંગળવારે સવારે વધીને 213.57 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 6.54 ટકાના વધારા સાથે સરેરાશ 141.35, દક્ષિણ ગુજરાતમાં 2 ટકાના વધારા સાથે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 92.29 ટકા થયો છે. વરસાદના તાજેતરના રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં પણ સારૂએવું પાણી પડતા સિઝનનો કુલ વરસાદ 24 કલાકમાં 4.79 ટકા વધીને 92.22 ટકા થયો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ મધ્ય-પૂર્વ ઝોનમાં સરેરાશ 80.35 ટકા નોંધાયો છે.સમગ્ર રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 4 ટકા જેટલો વધીને 106.78 ટકા થયો છે.

ક્લાઇમેટ ચેન્જ થવાથી રાજ્યમાં વરસાદની પેટર્ન બદલાઇ
રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની બદલાયેલી પદ્ધતિ અંગે એક્સપર્ટ તરીકે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા મુખ્યમંત્રીના નર્મદા અને જળ સંપતિને લગતી બાબતોના સલાહકાર બી.એન.નવલાવાલાએ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જને કારણે રાજ્યમાં વરસાદની પેટર્ન બદલાઇ છે. વરસાદનો સમય અને વિસ્તાર પણ બદલાયા છે. અગાઉનાં વર્ષોમાં જ્યાં સાવ ઓછો વરસાદ પડતો હતો ત્યાં અત્યારે નદી નાળા ઉભરાઇ રહ્યા છે. કચ્છ તેનો તાજો દાખલો છે. આ રીતે તાલુકાઓના વરસાદના આંકડા જોઇએ તો પણ ખ્યાલ આવશે કે એ વિસ્તારોમાં અગાઉ ઓછો વરસાદ હતો જ્યારે હવે ધોધમાર વરસાદ પડે છે. આ સાથે સમયમાં બદલાવની પણ નોંધ લેવી પડશે.

તેમણે કહ્યુ કે, અગાઉ જુન- જુલાઇમાં ભારે વરસાદ પડતો હતો. ઓગષ્ટથી ઘટાડો થતો હતો. જેના બદલે હવે ઓગષ્ટ- સપ્ટેમ્બરમાં વરસાદનું પ્રમાણ વધારે રહે છે. વરસાદની પેટર્ન બદલાવાની સાથે આપણે પણ આપણી પદ્ધતિ બદલવી જરૂરી છે. ખાસ કરીને ખેતીની પદ્ધતિમાં બદલાવનો સમય પાકી ગયો છે. કેમ કે ખેડૂતો જ્યારે વાવણી કરે ત્યારે ઓછો વરસાદ હોય છે અને છેલ્લા મહિનાઓમાં વરસાદ વધુ પડે છે. આ તમામ પરિસ્થિતિ સામે હવે સજ્જતા કેળવવી પડશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post