• Home
  • News
  • સર્વેલન્સ:હૈદરાબાદમાં 5 લાખ કેમેરાથી ટ્રાફિક પર નજર રખાય છે, માસ્ક વિના નીકળે તેને ઇ-મેમો મળી જાય, એક મહિનામાં 15 હજાર લોકો પકડાયા
post

સરેરાશ 20 લોકો દીઠ 1 કેમેરા, દરેક નાગરિક ઘરે પહોંચે ત્યાં સુધીમાં 50 કેમેરામાં કેદ થઇ ચૂક્યો હોય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 10:54:49

હૈદરાબાદના ઉર્દૂના ટીચર ઇમરાનને જુલાઇમાં ટ્રાફિક નિયમ તોડવા બદલ ઇ-મેમો મોકલાયો. તેમને 1,035 રૂ. દંડ ભરવા જણાવાયું. મેમોમાં તેઓ મોટરસાઇકલ પર હેલમેટ વિના દેખાયા પણ મેમોમાં લખેલી વિગતોથી જાણવા મળ્યું કે દંડ હેલમેટ નહીં પણ માસ્ક ન પહેરવા બદલ કરાયો હતો.

આ આઇટી સિટીમાં ઇમરાન જેવા 15 હજાર લોકોએ માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવો પડ્યો છે. તેમાંથી મોટા ભાગના સીસીટીવી દ્વારા જ પકડાયા. તેલંગાણાનું પાટનગર હૈદરાબાદ સર્વેલન્સ સિસ્ટમનો ઉપયોગ કોરોનાને કાબૂમાં કરવા માટે પણ કરી રહ્યું છે. હૈદરાબાદ દેશનું અગ્રણી ટેક્નોલોજી હબ છે. તેથી શહેરની સુરક્ષામાં પણ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો છે. આખા શહેરમાં 5 લાખ સીસીટીવી કેમેરા લગાવાયા છે. હૈદરાબાદ દેશમાં સૌથી વધુ સર્વેલન્સવાળું શહેર બની ગયું છે જ્યારે દિલ્હીની વસતી હૈદરાબાદથી ત્રણ ગણી હોવા છતાં ત્યાં માત્ર 5 હજાર સીસીટીવી કેમેરા લગાવાયા છે.

હૈદરાબાદના વહીવટીતંત્રનું કહેવું છે કે આ ઉપાયથી કોરોના મહામારી દરમિયાન લોકોને સલામત રાખવામાં ઘણી મદદ મળી. જુલાઇ સુધીમાં રાજ્યમાં કોરોનાના 80 હજાર દર્દી હતા અને 637 મોત થયા હતા. તેલંગાણા પોલીસના આઇટી વિભાગના ડીએસપી શ્રીનાથ રેડ્ડીના કહેવા મુજબ, શહેરમાં સરેરાશ 20 લોકો દીઠ 1 કેમેરા છે, જેના કારણે 95 ટકા લોકો માસ્ક પહેરે તે સુનિશ્ચિત કરી શક્યા. જોકે, મોટા પાયે સર્વેલન્સની ટીકા પણ થઇ રહી છે. લોકો ઘરે પહોંચે ત્યાં સુધીમાં 50 કેમરામાં કેદ થઇ ચૂક્યા હોય છે.

20 માળના બિલ્ડિંગમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવાયું છે
સર્વેલન્સ ટેક્નોલોજીમાં હૈદરાબાદ પહેલેથી આગળ રહ્યું છે. 2015માં અહીં ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન સિસ્ટમ લાગુ કરી દેવાઇ હતી. ત્યાર બાદ ચેન્નઇ અને કોલકાતામાં આ સિસ્ટમ લાગુ થઇ. ગયા વર્ષે જ હૈદરાબાદ એરપોર્ટ દેશનું પહેલું એવું એરપોર્ટ બન્યું કે જ્યાં મુસાફરો માટે ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ શરૂ કરાઇ. સર્વેલન્સ માટે બંજારા હિલ્સ વિસ્તારમાં 20 માળનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવાયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post