• Home
  • News
  • કોંગ્રેસમાં 50% પદ યુવાનો માટે:અધ્યક્ષ બનતાની સાથે જ ખડગેની જાહેરાત- અડધા પદ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અપાશે
post

સોનિયા પછી સૌથી મોટા અંતરથી જીત્યા ખડગે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-26 15:10:51

મલ્લિકાર્જુન ખડગે સત્તાવાર રીતે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે. AICC હેડક્વાર્ટર દિલ્હી ખાતે ચૂંટણી અધિકારી મધુસુદન મિસ્ત્રીએ તેમને વિજયનું પ્રમાણપત્ર આપ્યું હતું. અધ્યક્ષ બન્યા બાદ પોતાના પ્રથમ ભાષણમાં ખડગેએ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પાર્ટીમાં 50 ટકા પદ આપવાની જાહેરાત કરી હતી. ખડગેએ કહ્યું- ઉદયપુર અધિવેશનમાં પાર્ટીના 50% પદ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને આપવાનો પ્રસ્તાવ લાગુ કરવામાં આવશે.

ભાજપના કોંગ્રેસ-મુક્ત ભારતના નારા પર કટાક્ષ કરતા ખડગેએ કહ્યું, “નવું ભારત બનાવવા માટે, તેઓ કોંગ્રેસ-મુક્ત ભારત બનાવવા માંગે છે, કારણ કે તેઓ જાણે છે કે જ્યાં સુધી કોંગ્રેસ હાજર છે ત્યાં સુધી તેઓ આમ નહીં કરી શકે. " આપણે આવું થવા દઈશું નહીં અને તેના માટે લડતા રહીશું.

સોનિયાએ કહ્યું- પદ છોડી રાહત મળી
આ પ્રસંગે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, ખડગેને અધ્યક્ષ પદની કમાન સોંપી રાહત અનુભવું છું. તેમણે કહ્યું-હું નવા પાર્ટી અધ્યક્ષ ખડગેજીને અભિનંદન પાઠવું છું. સૌથી સારી વાત તો એ છે કે, જેમને અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે તે એક અનુભવી નેતા છે. એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરીને પોતાની મહેનતે આ જગ્યાએ પહોંચ્યા છે.

ગાંધી પરિવારની ત્રણ પેઢીઓને નમન કર્યું
મળતી માહિતી અનુસાર, ખડગે શપથ લીધા પહેલા રાજઘાટ પહોંચ્યા હતા અને ત્યાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યાર પછી જવાહર લાલ નહેરું, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સમાધિ પર ગયા. આ રીતે પદ સંભાળ્યા પહેલા ગાંધીજીની સાથે કોંગ્રેસની ત્રણ પેઢીને નમન કર્યું. ખડગેએ લાલબહાદુર શાસ્ત્રી અને દલિત નેતા બાબુ જગજીવન રામની સમાધિને પણ પુષ્પાંજલિ અર્પી.

સોનિયા પછી સૌથી મોટા અંતરથી જીત્યા ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેએ શશિ થરૂરને 6825 વોટથી હરાવ્યા. ખડગેને 7897 વોટ મળ્યા, જ્યારે થરૂરને માત્ર 1072 વોટ મળ્યા. આ ચૂંટણીમાં જીત્યા પછી ખડગે કોંગ્રેસના 65મા અધ્યક્ષ બન્યા છે. બાબુ જગજીવનરામ પછી બીજા દલિત કોંગ્રેસ અધ્યક્ષ છે.

ખડગેની સામે ઘણા પડકાર છે
ખડગેની જીત જેટલી મોટી છે, તેટલી પડકારોથી ભરેલી પણ છે. તેઓ જ્યારે કોંગ્રેસ હાઇકમાન્ડની જવાબદારી સંભાળવા આવ્યા છે, ત્યારે માત્ર 2 રાજ્ય રાજસ્થાન અને છત્તીસગઢમાં જ કોંગ્રેસની સરકાર બચી છે. ઝારખંડ અને તમિલનાડુમાં ગઠબંધનની સરકાર છે, પરંતુ મુખ્યમંત્રી બીજી પાર્ટીના છે. ખડગે અધ્યક્ષ બન્યા છે, ત્યારે ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી છે. આવતા વર્ષે 2023માં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ચૂંટણી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post