• Home
  • News
  • નૌકાદળને મજબૂત કરવાનો નિર્ણય:55 હજાર કરોડના ખર્ચે નેવી માટે 6 સબમરિન બનાવવામા આવશે, બોલી લગાવવાની પ્રક્રિયા ઓક્ટોબરથી શરૂ થશે
post

ભારતીય કંપનીઓ અને વિદેશી ડિફેન્સ કંપનીઓના સહિયારા પ્રયાસોથી આ સબમરિનનું નિર્માણ ભારતમાં થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 09:55:40

નૌકાદળ માટે 55 હજાર કરોડના ખર્ચે 6 સબમરિન બનાવવામા આવશે. તેના માટે ઓક્ટોબરથી બોલી લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામા આવશે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ચીનની વધી રહેલી નેવીની શક્તિ વચ્ચે આ નિર્ણયથી ભારતીય નૌકાદળ વધુ મજબૂત બનશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સબમરિન નિર્માણ એ મોડલ અંતર્ગત થશે જેમાં ઘરેલૂ કંપનીઓ અને વિદેશી ડિફેન્સ કંપનીઓના સંયુક્ત પ્રયાસોથી ભારતમાંજ અત્યાધુનિક અને મોટા સૈન્ય ઉત્પાદોનું નિર્માણ કરવાનું છે. તેનો ઉદ્દેશ્ય વિદેશી આયાત પર ભારતની નિર્ભરતાને ઘટાડવાનો છે.

રક્ષા મંત્રાલયે નામ શોર્ટલિસ્ટ કર્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મેગા પ્રોજેક્ટનું નામ P-75 છે. નૌકાદળ અને રક્ષા મંત્રાલયની અલગ અલગ ટીમો આ પ્રોજેક્ટ માટે સ્પેસિફિકેશન અને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ માટે જરૂરી ચીજો પૂર્ણ કરવાનું કામ કરશે. ઓક્ટોબર સુધી રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કરી દેવામા આવશે. પ્રોજેક્ટ માટે રક્ષા મંત્રાલય પહેલાથી જ બે ભારતીય શિપયાર્ડ અને 5 વિદેશી ડિફેન્સ કંપનીઓને શોર્ટલિસ્ટ કરી ચૂક્યું છે.

આ ડીલ મેક ઇન્ડિયાના સૌથી મોટા પ્રોજેક્ટમાં સામેલ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય કંપનીઓમાં એલ એન્ડ ટી ગ્રુપ અને મઝગાંવ ડોક્સ લિમિટેડ છે. વિદેશી કંપનીઓમાં જર્મનીની થાઇસેનક્રુપ સિસ્ટમ, સ્પેનની નૈવેંટિયા અને ફ્રાન્સની નેવલ ગ્રુપ સામેલ છે. શરૂઆતમાં રક્ષા મંત્રાલય મઝગાંવ અને એલ એન્ડ ટીને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ ઇશ્યૂ કરશે. ત્યારબાદ આ કંપનીઓને શોર્ટલિસ્ટ થયેલી પાંચ વિદેશી કંપનીઓ માંથી પાર્ટનરની પસંદગી કરવાની રહેશે.

આ પ્લાન અને યોજના શા માટે?
ભારતીય નૌકાદળ 24 સબમરિન મેળવવાની યોજના બનાવી રહ્યું છે. તેમાં 6 પરમાણુ સબમરિન સામેલ છે. તે પોતાના માટે 57 ફાઇટર જેટ, 111 નેવલ યુટિલિટી હેલિકોપ્ટર અને 123 મલ્ટિ રોલ હેલિકોપ્ટર મેળવવા માગે છે. આ બધું મેક ઇન ઇન્ડિયા પાર્ટનરશિપ અંતર્ગત નેવીને મળશે. તેમાં શરૂઆતમાં ફાઇટર એરક્રાફ્ટ, સબમરિન, આર્મર્ડ ફાઇટિંગ વ્હિકલ, ટેન્ક અને હેલિકોપ્ટર પર શરૂઆતમાં ફોકસ રહેશે. ભારત પાસે અત્યારે 15 પરંપરાગત સબમરિન છે જેમાં 2 પરમાણુ સબમરિન સામેલ છે. હિન્દ મહાસાગરમાં ચીન તેનું વર્ચસ્વ વધારવા માગે છે અને તેને ધ્યાનમાં રાખીને ભારતની નેવી શક્તિ વધારવા પર ફોકસ કરી રહી છે.

ચીન પાસે કેટલી સબમરિન?
ગ્લોબલ નેવલ એનાલિસ્ટ અનુસાર ચીન પાસે અત્યારે 50 સબમરિન અને 350 જહાજ છે. આગામી 8-10 વર્ષમાં ચીનના કુલ સબમરિન અને જહાજની સંખ્યા 500ને પાર કરી જશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post