• Home
  • News
  • માર્ચમાં 60% ટિકિટ કેન્સલ: સંસદીય સમિતિએ રેલવે બોર્ડના ચેરમેનની ઝાટકણી કાઢી, કહ્યું- તમારી તૈયારીઓ અધૂરી, પ્રેઝેન્ટેશન બેકાર
post

ચેરમેને કહ્યું- અમે પ્રવાસીઓને પેમ્ફ્લેટ આપી રહ્યા છીએ, સમિતિનો સવાલ- જે મુસાફરો શિક્ષિત નથી, તેમના માટે શું પગલા ભર્યા ?

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-19 11:45:50

નવી દિલ્હી: સંસદીય સમિતિને બુધવારે રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે માર્ચમાં કોરોનાવાયરસના ડરના લીધે 60 ટકા ટિકિટ કેન્સલ થઇ ગયા છે. સૂત્રોએ જણાવ્યું કે સંસદીય સમિતિ રેલવે વિભાગ દ્વારા વાયરસ સામે લડવા માટે લેવાયેલા પગલાઓથી નારાજ છે. સમિતિએ બોર્ડના ચેરમેનની ઝાટકણી કાઢી હતી.પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ વિભાગની સ્ટેન્ડીંગ કમિટિએ રેલવે અને ઉડ્ડયન મંત્રાલય સાથે એક વિશેષ બેઠક કરી. તેમાં મંત્રાલયો પાસેથી સંક્રમણના લીધે થયેલા મોત બાદ લેવાયેલા જરૂરી પગલાઓ અંગે જાણકારી માંગવામાં આવી હતી. આ બેઠકમાં 20 સાંસદ ઉપસ્થિત હતા.

ચેરમેન વીકે યાદવે કહ્યું- અમે લોકોને અપીલ કરી
બેઠક દરમિયાન સંસદીય સમિતિએ રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવની ટીકા કરી હતી. બેઠક માટે તેમની તૈયારીઓ પૂર્ણ ન હતી અને સમિતિને આવા સંવેદનશીલ મુદ્દા પર તેમનું પ્રેઝેન્ટેશન કોઇ કામનું લાગ્યું નહીં. યાદવે પાર્લિયામેન્ટરી પેનલને જણાવ્યું કે કોરોનાના ડરને લઇને 60 ટકા ટિકિટ કેન્સલ થઇ ગઇ છે. યાદવે કહ્યું કે અમે બિનજરૂરી પ્રવાસો ટાળવા માટે અપીલ કરી છે. આ દરમિયાન બેઠકમાં ઉપસ્થિત સાંસદોએ યાદવને ઠપકો આપ્યો હતો કે તેમની તૈયારીઓ પૂરી નથી.

સમિતિના સભ્યએ કહ્યું- બસ સાથે લાવેલા અમુક કાગળ વાંચી લીધા
એક સાંસદે કહ્યું કે ઉડ્ડયન અને પર્યટન વિભાગના અધિકારી સ્લાઇડ્સમાં તેમના પ્રેઝન્ટેશનની તૈયારી કરીને આવ્યા હતા. પરંતુ રેલવે દ્વારા આવું કંઇ કરવામાં આવ્યું ન હતું. તેઓ બસ તેમની સાથે અમુક કાગળ લાવ્યા હતા જે વાંચી રહ્યા હતા. તેઓ તૈયાર ન હતા અને તેમણે બેકાર પ્રેઝન્ટેશન બનાવ્યું હતું. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સમિતિના સભ્યોએ ડિટેલ રિપોર્ટ તૈયાર કરવા માટે રેલવે બોર્ડના ચેરમેનને આદેશ આપ્યો અને કહ્યું કે સંક્રમણથી નિપટવા માટે શું પગલા ભર્યા છે તેની વિસ્તારથી જાણકારી આપે. યાદવે સમિતિને જણાવ્યું કે રેલવેએ પેમ્ફ્લેટ તૈયાર કર્યા છે જેમાં કોરોના વાયરસ પ્રત્યે સજાગતા દાખવવાના નિર્દેશ છે અને તે પ્રવાસીઓને આપવામાં આવી રહ્યા છે. સમિતિએ સવાલ કર્યો કે જે પ્રવાસીઓ વાંચવામાં સક્ષમ ન હોય તેના માટે શું પગલા ભર્યા છે. સમિતિએ કહ્યું કે ન તમે તૈયાર છો, અને ન રેલવે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post