• Home
  • News
  • વર્ષ 2015થી 2019 સુધી 'એક્ટ ઓફ ગોડ'થી પ્રત્યેક વર્ષે 7,916 મૃત્યુ થયા; છેલ્લા 30 વર્ષમાં 4.96 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
post

કુદરતી આપદાથી છેલ્લા ત્રણ દાયકામાં દરરોજ સરેરાશ 45 લોકોના મૃત્યુ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 09:10:42

ભારતમાં પ્રત્યેક વર્ષ હજારોની સંખ્યામાં લોકો કુદરતી આપદાને લીધે જીવ ગુમાવે છે. કુદરતી આપદા એટલે પૂર, વીજળી પડવી, લૂ તથા ઠંડીને લીધે થતા મૃત્યુને Act Of God પણ કહેવામાં આવે છે. જોકે કેટલીક આપદા એવી પણ છે કે જે કુદરતી તો હોય છે પણ તેના માટે વ્યવસ્થા પણ દોષિત હોય છે. આપણે ભૂતકાળમાં વધુ પાછળ જવાને બદલે આ વર્ષની સ્થિતિને જોઈએ તો પૂરની ઝપટમાં આવેલા આશરે એક હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો એટલે કે NCRBએ કુદરતી આપદાને લીધે મૃત્યુ પામનાર લોકોને લગતી માહિતી દર્શાવતો એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ માહિતીમાં ત્રણ દાયકાના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. આ માહિતી પ્રમાણે વર્ષ 2019માં 4.21 લાખ લોકો વિવિધ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. તેમા પણ બે ટકા મૃત્યુ કુદરતી આપદાને લીધે થઈ. આ પૈકી વીજળી પડવાને લીધે સૌથી વધારે લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ લૂ લાગવાથી, પૂર, ઠંડી કે લેન્ડસ્લાઈડને લીધે થયુ છે. તે વર્ષ 2018ની તુલનામાં 18 ટકા વધારે છે. રાજ્ય દીઠ વાત કરીએ તો બિહાર (1,521), અને ઓડિશા (1,466)માં કુદરતી આપદાને લીધે મૃત્યુ પામનારની સંખ્યા સૌથી વધારે છે. આ બન્ને રાજ્યોમાં થયેલા મૃત્યુના આંકડા દેશમાં થયેલા કુલ મૃત્યુના 35 ટકા છે. આ રીતે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ એક હજારની આસપાસ મૃત્યુ થયા છે.

35% મૃત્યુ આકાશી વીજળીથી

·         વર્ષ 2019માં કુદરતી આફતથી બિહારમાં થયેલ મૃત્યુના એક તૃતિયાંશ એટલે 480 મૃત્યુ પૂરના કારણે થયા, જ્યારે 400 મૃત્યુ આકાશી વીજળીના કારણે થયા છે. છત્તીસગઢ અને તામિલનાડુમાં કુદરતી આફત એટલે આકાશી વીજળી જ છે કેમ કે અહીંયા 80% મૃત્યુનું કારણ આકાશી વીજળી જ છે. ગોવામાં પણ બે તૃતિયાંશ મૃત્યુનું કારણ આકાશી વીજળી જ રહ્યું.

·         વર્ષ 2019માં દેશભરમાં વીજળી પડવાના કારણે 2 હજાર 876 લોકોનાં મોત થયાં છે. જ્યારે કોઈ પણ કુદરતી આફતોથી થતા મૃત્યુની તુલના કરવામાં આવે છે, તો તે 35% જેટલું બને છે. પૂરને કારણે 16% મૃત્યુ, લૂ અને ભીષણ ગરમીથી 12% મૃત્યુ, ઠંડીને લીધે 10% મૃત્યુ થયા છે.

આકાશી વીજળીથી 2 હજાર 876 લોકોનાં મોત ઉપરાંત લૂ અને ભીષણ ગરમી સૌથી મોટું કારણ રહ્યું. જેનાથી 1 હજાર 272 લોકોના મૃત્યુ થયા. પૂરથી 948, ઠંડીથી 790, જમીન ધસી પડવાથી 264 અને અન્ય કારણથી લગભગ 2 હજાર મૃત્યુ થયા છે. સૌથી વધુ 77% એટલે કે 6 હજાર 301 મૃત્યુ પુરુષોના થયા છે અને 13% એટલે કે એક હજાર 844 મૃત્યુ મહિલાઓના થયા છે.

30 વર્ષમાં એટલે કે 1990 થી 2019 સુધીમાં 4 લાખ 96 હજાર કુદરતી આફતોમાં અકાળે મૃત્યુ થયા છે. છેલ્લા ત્રણ દાયકામાં આકાશી વીજળીએ કુદરતી આફતોને કારણે થતા મૃત્યુનું સૌથી મોટું કારણ રહ્યું છે. છેલ્લા 30 વર્ષમાં 13% એટલે કે 64 હજાર 277 લોકો આકાશમાં વીજળી પડવાના કારણે મૃત્યુ પામ્યા છે. છેલ્લા 30 વર્ષોમાં વીજળી પડવાના કારણે દરરોજ 6 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લાં ત્રીસ વર્ષમાં કુદરતી આપત્તિના કારણે કુલ મૃત્યુમાં મહિલાઓ કરતાં પુરુષોનાં વધુ મૃત્યુ થયાં છે.

છેલ્લા ત્રણ દાયકાથી કુદરતી આપત્તિના કારણે દરરોજ 45 લોકો મૃત્યુ પામ્યા છે. જો આપણે પાંચ વર્ષમાં કુલ મૃત્યુની વાર્ષિક સરેરાશ પર નજર કરીએ તો 1990 અને 1994ની વચ્ચે પાંચ વર્ષમાં દર વર્ષે સરેરાશ 5 હજાર 751 લોકો મૃત્યુ થયા હતા. 1995-99ની વચ્ચે, દર વર્ષે આ આંકડો સરેરાશ 18 હજાર 377 સુધી પહોંચી ગયો. 2000 અને 2004ની વચ્ચે, આ આંકડો વધીને દર વર્ષે સરેરાશ 20 હજાર 926 જેટલો થયો, અને 2005 થી 2009ની વચ્ચે પાંચ વર્ષમાં સરેરાશ 23 હજાર મૃત્યુ થયાં. 2010થી 2014 ની વચ્ચે મૃત્યુનો આંકડો સરેરાશ થોડો ઘટીને 22 હજાર 935 થયો અને 2015 અને 2019ની વચ્ચે આ આંકડો ઘટીને દર વર્ષે સરેરાશ 7 હજાર 916 જેટલો રહ્યો. 2000 અને 2004ની વચ્ચે સરેરાશ મૃત્યુઆંકની પાછળના મુખ્ય કારણો 2001માં ભુજ ભૂકંપ અને 2004માં સુનામી રહ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post