• Home
  • News
  • 1 હજારથી વધુની ક્ષમતાવાળું 7 માળનું મલ્ટીલેવલ પાર્કિંગ!:વાહન મૂકીને સડસડાટ અટલબ્રિજ અને સાબરમતી રિવરફ્રન્ટ જઈ શકાશે, 2 કલાક માટે ટૂ-વ્હીલરના 10 અને ફોર-વ્હીલરનો 20 ચાર્જ
post

સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા મલ્ટીલેવલ પાર્કિગમાં SVP હોસ્પિટલ માટે અલગથી પાર્કિગ સ્લોટ ફાળવવામાં આવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-10 18:06:15

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સૌથી મોટી સમસ્યા પાર્કિંગની છે. પાર્કિંગની સમસ્યાના ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર રૂ. 60 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા સાત માળનું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર દર મહિને કોઈ મોટા કાર્યક્રમો થતા હોય છે ત્યારે પાર્કિંગની મોટી સમસ્યા સર્જાતી હોય છે. એને લઇ રિવરફ્રન્ટ પર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. પાર્કિગમાં 1,000થી વધુ ગાડીઓ અને ટૂ-વ્હીલર પાર્ક કરી શકાશે. મલ્ટીલેવલ પાર્કિગમાં SVP હોસ્પિટલ માટે પણ પાર્કિગની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

C પાર્કિંગમાંથી અટલફૂટ ઓવર બ્રિજ જઈ શકાશે
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આઈ. કે પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર અને અટલબ્રિજ ખાતે જે પણ મુલાકાતીઓ આવે છે તેમને પાર્કિંગની સમસ્યા ન થાય એ માટે થઈ સાત માળનું મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. હાલમાં પ્રાયોગિક ધોરણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા એને ચલાવવામાં આવશે. પ્રતિ બે કલાકના ટૂ-વ્હીલર માટે 10 રૂપિયા અને ફોર-વ્હીલર માટે 20 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. C પાર્કિંગમાંથી સીધા અટલફૂટ ઓવર બ્રિજ ઉપર જઈ શકાય એ માટે ખાસ પણ બનાવવામાં આવ્યું છે. આ મલ્ટીલેવલ પાર્કિંગ બનવાથી ઇવેન્ટ સેન્ટર અને રિવરફ્રન્ટ પર જે પણ લોકો આવે છે તેમને પોતાનાં વાહનોના પાર્કિંગની કોઈ સમસ્યા ન નડે અને રોડ ઉપર ટ્રાફિક ન થાય એ માટે તૈયાર કરવામાં આવ્યું છે.

SVPના સ્ટાફ માટે અલગથી પાર્કિંગ બનાવાયું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 650 ફોર-વ્હીલર અને 750 ટૂ-વ્હીલર પાર્ક કરી શકે એટલી ક્ષમતાવાળું આ મલ્ટીલેવલ પાર્કિંગ 60 કરોડના ખર્ચે બન્યું છે, જેમાં એસવીપી હોસ્પિટલના સ્ટાફ માટે અલગથી પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, જેના માટે બેઝમેન્ટનો ભાગ હોસ્પિટલ માટે રાખવામાં આવ્યો છે તેમજ એમ્બ્યુલન્સ પાર્કિંગની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 6 જેટલી એમ્બ્યુલન્સ પાર્કિગ વ્યવસ્થા અલગ કરાઈ છે.

મલ્ટીલેવલ પાર્કિગનાં બે પ્રવેશ દ્વાર રખાયાં
સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 60 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા મલ્ટીલેવલ પાર્કિગમાં પ્રવેશ બે તરફથી રાખવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પશ્ચિમ છેડે અટલબ્રિજના દરવાજા સામેથી તેમજ વીએસ સ્મશાનગૃહ તરફથી વાહનો મલ્ટીલેવલ પાર્કિગમાં જઈ શકશે. બંને તરફ પ્રવેશ અને બિલ્ડિંગ પાસે પાર્કિગમાં તમામ માળ ઉપર કેટલી ગાડીઓની જગ્યા છે એની માહિતી દર્શાવતું એલઇડી સ્ક્રીન મૂકવામાં આવી છે. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરથી 7 માળ સુધી દરેક માળ ઉપર લિફ્ટની સુવિધા રાખવામાં આવી છે. એન્ટ્રીથી લઈ એક્ઝિટ સુધીના અને ફ્લોર પર સીસીટીવી કેમેરા લગાવાયા છે, જેથી ચોરી કે અન્ય કોઇ પ્રવૃત્તિ પર નજર રાખી શકાશે.

ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સિસ્ટમ
મલ્ટીલેવલ પાર્કિગમાં ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર મળી કુલ 1400 વાહનો પાર્ક થઈ શકશે. બેઝમેન્ટમાં 170 કારનું પાર્કિગ થઈ શકશે. દરેક માળ તથા એન્ટ્રી પોઇન્ટ પર દરેક માળે કેટલું પાર્કિંગ ખાલી છે એ દર્શાવતી ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સિસ્ટમ મૂકવામાં આવી છે, જેથી જે જગ્યાએ કાર પાર્ક થશે એ જગ્યાએ ઓટોમેટિક સેન્સર સિસ્ટમથી ડિસ્પ્લેમાં ઓટોમેટિક જાણ થઇ જશે. દરેક માળ પર ઇલેક્ટ્રિક્સ વ્હીકલના ચાર્જિંગ માટે ઇ-ઝોનની વ્યવસ્થા રાખવામાં આવી છે. મલ્ટીલેવલ પાર્કિંગના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ઓટોમેટિક સેન્સર લગાવવામાં આવ્યાં છે, જેથી જ્યારે પણ કોઈપણ ગાડી પાર્કિંગમાં પ્રવેશ કરશે અથવા તો બહાર નીકળશે તો તેણે ઓટોમેટિક સેન્સર પર ડિસ્પ્લે કર્યા બાદ જ બહાર નીકળી શકશે.

ફૂટઓવર બ્રિજ અને ફ્લાવર પાર્ક જવા ખાસ સ્કાયવોક
મલ્ટીલેવલ પાર્કિગમાંથી અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફલાવર પાર્કમાં જઈ શકાય તેના માટે ખાસ સ્કાયવોક બનાવવામાં આવ્યો છે. જેથી લોકો સીધા પાર્કિગમાંથી અટલફૂટ ઓવરબ્રિજ અને ફલાવર પાર્કમાં જઈ શકશે. સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર, ગ્રાઉન્ડ, અટલ ફૂટ ઓવરબ્રિજ, ફલાવર પાર્ક, એસવીપી અને વીએસ હોસ્પિટલ તેમજ ટાગોર હોલ આવેલો છે. આ તમામ જગ્યા પર દર મહિને મોટા કાર્યક્રમો અને ઇવેન્ટ યોજાતી હોય છે, જેથી મલ્ટીલેવલ પાર્કિગ બનતાં હવે ખૂબ જ ફાયદો થશે.

દર્દીઓ અને એમ્બ્યુલન્સ માટે અલગ રસ્તો
સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલા મલ્ટીલેવલ પાર્કિગમાં SVP હોસ્પિટલ માટે અલગથી પાર્કિગ સ્લોટ ફાળવવામાં આવ્યો છે. SVP હોસ્પિટલમાંથી સીધા પાર્કિગમાં આવી શકાય એ માટે પાછળ રસ્તો બનાવવામાં આવ્યો છે. ગર્લ્સ હોસ્ટેલના પાછળના ભાગે બેઝમેન્ટ પાર્કિગ માત્ર SVP હોસ્પિટલ માટે રાખવામાં આવ્યું છે. SVP હોસ્પિટલના દર્દીઓ અને એમ્બ્યુલન્સ માટે અલગથી જ રસ્તો રાખવામાં આવ્યો છે, જેના કારણે લોકો ઝડપથી બહાર નીકળી શકે.

adv

Related News

post
post
post
post
post
post
post