• Home
  • News
  • મોટેરાના રોડ માટે વર્ષે 3 કરોડનું બજેટ ટ્રમ્પ માટે 15 દિવસમાં 30 કરોડ ખર્ચાયા
post

સ્ટેડિયમની ફરતે 5 કિલોમીટરમાં મુખ્ય રોડ તેમજ સોસાયટીઓના રોડ નવા બની ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 08:38:29

અમદાવાદઃ મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ટ્રમ્પ આવવાના હોવાથી સમગ્ર વિસ્તારના પાંચ કિલોમીટરમાં આવતા તમામ મુખ્ય રોડ અને 50 થી વધુ સોસાયટીઓના રસ્તા બનાવી દેવામાં આવ્યા છે. આ કામગીરી પાછળ અંદાજે રૂા.30 કરોડનો ખર્ચ કર્યો છે. સામાન્ય રીતે, મોટેરા વોર્ડમાં પ્રતિ વર્ષ રોડની કામગીરી માટે રૂા.3 કરોડનું બજેટ મ્યુનિ.ફાળવેે છે. આ સરખામણીએ દસ વર્ષમાં મ્યુનિ.એ મોટેરા વોર્ડમાં રોડ પાછળ જેટલુ બજેટ વાપર્યું તેટલો ખર્ચ માત્ર પંદર જ દિવસમાં ટ્રમ્પની મુલાકાતને કારણે કરાયો હોવાનું મ્યુનિ.અધિકારી સૂત્રોનું કહેવું છે. હાલ કુલ રૂા.25.50 કરોડનો ખર્ચ થઈ ગયો છે પરંતુ હજુ પણ બે થી ત્રણ નવા રોડ બનાવાઈ રહ્યાં હોવાથી આ ખર્ચ 30 કરોડ સુધી પહોંચે તેવી શકયતા છે.

છેલ્લા છ વર્ષથી રોડ નહોતા બન્યાં, ત્યાં તરત જ રોડ બનાવી દીધાં
મોટેરા તરફના મુખ્ય રોડ બનાવવાની જવાબદારી પ્રોજેકટ વિભાગને સોંપવામાં આવી છે જ્યારે સોસાયટીઓના રોડ બનાવવાની જવાબદારી પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગને સોંપાઈ છે. લગભગ મોટેરા વોર્ડની તમામ મોટી સોસાયટીઓમાં રોડ બનાવી દેવામાં આવ્યા છે અને મુખ્ય રસ્તાઓ તો એક પણ બાકી નહીં હોવાનું મનાય છે. છેલ્લા પાંચ-સાત વર્ષથી આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યા ન હતા. ત્યારે ટ્રમ્પ આવવાના હોવાથી આખા વિસ્તારની સુરત બદલી દેવામાં આવી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.

7 વર્ષ પછી રોડની કાયાપલટ
મોટેરા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 7 વર્ષથી રોડ બનતાં ન હતા

ચાલીઓ આગળ પહેલીવાર પેવર બ્લોક
સ્ટેડિયમની આજુબાજુ આવેલી તમામ ચાલી બહાર એક સરખા પેવર બ્લોક નખાયા

મેટ્રોના પિલર નીચે ગાર્ડનિંગ
ચીમનભાઈ બ્રિજથી સ્ટેડિયમ સુધી મેટ્રોના બે પિલર વચ્ચેની જગ્યામાં ફૂલ-ઝાડ રોપાયાં

મંથર ગતિએ ચાલતું મેટ્રોનું કામ પૂરજોશમાં
મોટેરા સ્ટેડિયમ તરફના રસ્તે મેટ્રોની કામગીરી અત્યારસુધી મંથર ગતિએ ચાલતી હોવાથી અહીં કાટમાળ સહિત સાધનો પણ પડી રહેતા હતા. ટ્રમ્પની મુલાકાતને લઈને આ સમગ્ર રૂટ પર મેટ્રોની બાકીની કામગીરી યુદ્ધના ધોરણે પૂરી કરવા માટે કવાયત ચાલી રહી છે. બંન્ને સાઈડે પિલરો ઉભા કરી દઈ વચ્ચેનો રોડ ખોલી દેવાશે.

આસારામ આશ્રમ જતો રોડ પણ RCCનો કરાયો
મોટેરા સ્ડેડિયમની પાછળના ભાગે આસારામ આશ્રમ આવેલો છે. અહીં મુખ્ય ચાર રસ્તાથી આશ્રમ વચ્ચેનો જે કાચો રોડ હતો તે આરસીસી બનાવી દેવાયો છે. જયારે સ્ટેડિયમની પાછળના ભાગે વિશેષ રોડ તૈયાર કરવામાં આવ્યો છે. જયાંથી ટ્રમ્પ પ્રવેશ લેવાના છે. આ રસ્તો કોટેશ્વરથી મેગીબા સર્કલ થઈને સ્ટેડિયમ સુધી જશે.

તકેદારી માટે બેગ-થેલાનું પણ ચેકિંગ શરૂ થયું
મોટેરા સ્ટેડિયમ પાસે અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે. અહીંથી પસાર થતાં લોકોની બેગ અને થેલાનું ચેકિંગ થઈ રહ્યું છે.

લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો
મોટેરા સ્ટેડિયમ ખાતે ટ્રમ્પ-મોદી કાર્યક્રમ માટે ચાલી રહેલી તડામાર તૈયારી જોવા રવિવારે સંખ્યાબંધ લોકો ગેટ બહાર ઊમટ્યા હતા.

સુરક્ષાના ભાગરૂપે આશ્રરમાં ચેકિંગ વગર કોઈને એન્ટ્રી નહીં
ટ્રમ્પ ગાંધી આશ્રમ આવવાના હોવાથી સુરક્ષાના ભાગરૂપે વાહનો બહાર પાર્ક કરાવાય છે અને ચેકિંગ વગર કોઈને એન્ટ્રી અપાતી નથી.

3.82 કરોડ ખર્ચે રિવરફ્રન્ટ રોડ પર 5 હજાર વૃક્ષ લગાવી દેવાયાં
મોદી-ટ્રમ્પના રોડ-શોના રૂટ પર આવતાં રિવરફ્રન્ટની રોડની શોભામાં વધારો કરવા મ્યુનિ.એ પામગ્રીન, બોગનવેલ, ઈગ્લિંશ કરેણ સહિત 5 હજાર વૃક્ષ લગાડી દીધા છે. આ માટે 3.82 કરોડનો ખર્ચ કરાયો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post