• Home
  • News
  • આકાશમાં ઉડતા ફાઇટર પ્લેન તેમને કારગિલની યાદ અપાવે છે, કહે છે- દીકરા સરહદે હોય તો માને નિંદર કેવી રીતે આવે
post

ત્રણ દિવસ પહેલા જ્યારે ગલવાનના શહીદોના પાર્થિવ દેહ લેહ પહોંચ્યા તો તેમને સલામ કરવા માતાઓ રસ્તા પર રાહ જોતી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 11:47:05

લેહ: કુશોક બકુલા રિમ્પોચે એરપોર્ટ પર હજુ પગ નહોતો મુક્યો ત્યાં કેબિન ક્રૂએ જાહેરાત કરી. 'લેહ એક ડિફેન્સ એરપોર્ટ છે. અહીં તસવીરો લેવાની મનાઇ છે. જય હિન્દ.' 30 મિનિટ સુધી બરફથી આચ્છાદિત પર્વતો પર ચક્કર માર્યા બાદ સ્પાઇસ જેટનું આ પ્લેન લેન્ડ થયું. 

એરક્રાફ્ટથી બહાર આવીએ એ પહેલાજ ફાઇટર પ્લેનના અવાજ સંભળાવા લાગ્યા. મુસાફરો બારીની બહાર જોવા લાગ્યા. એરપોર્ટ બસમાં જ્યાં સુધી અરાઇવલ ગેટ પર પહોંચ્યા, ત્યાં સુધી ચાર ફાઇટર અને બે ટ્રાન્સપોર્ટ પ્લેન ઉડીને જતા દેખાયા હતા. તેમાંથી અમુક સુખોઇ અને અમુક વાયુસેનાના ચિનુક હેલિકોપ્ટર હતા. 

એરપોર્ટથી સીધા કર્નલ સોનમ વાન્ગચુકના ઘરે પહોંચ્યા. લદ્દાખના સિંહ તરીકે પ્રખ્યાત રિટાયર્ડ કર્નલ સોનમ વાન્ગચુકને કારગિલ યુદ્ધમાં અભૂતપૂર્વ સાહસ માટે દેશનો બીજો સૌથી મોટો વીરતા પુરસ્કાર મહાવીર ચક્ર એનાયત થયેલો છે. 

લેહના બાહ્ય વિસ્તારોમાં પ્રસિદ્ધ શાંતિ સ્તૂપથી અમુક ડગના અંતરે જ તેમનું ઘર છે. ઘરની બહાર રસ્તા પર તેમના પિતા દેખાયા. તેમની ઉંમર 92 વર્ષ છે. તેઓ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં દલાઇ લામાના સિક્યોરિટી ઓફિસર રહી ચૂક્યા છે. તેમના માતા લદ્દાખના પ્રસિદ્ધ બૌદ્ધ ગુરૂ કુશોક બકુલા રિમ્પોચેના સંબંધી છે. લેહનું એરપોર્ટ પણ તેમના નામ પરથી જ રાખવામા આવ્યું છે. 


ઘરના ઉંબરે ઉભા ઉભા તેઓ સ્મિત વેરે છે. બહારથી આવતા-જતા લોકોને જોઇને પણ તેઓ સ્મિત વેરતા રહે છે. ત્યાં અચાનક એક ફાઇટર પ્લેને ઉડાન ભરી અને તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી. તેમને પૂછ્યું તો જણાવ્યું- કારગિલ યુદ્ધ જેવી અનુભૂતિ થઇ રહી છે. ખૂબ ચિંતા થાય છે. એ સમય યાદ આવી જાય છે જ્યારે 20 વર્ષ પહેલા તેમનો દીકરો ઉંચા શિખર પર યુદ્ધ લડી રહ્યો હતો. 

બે વર્ષ પહેલા આર્મીથી નિવૃત થયેલા કર્નલ સોનમ વાન્ગચુક કહે છે કે અત્યારે લદ્દાખના ઘરોમાં બસ એ જ વાત થાય છે. શું થશે. ફરી યુદ્ધ તો નહીં થાય ને ? સૌને ચિંતા છે. અને કેમ ન થાય. તેમના દીકરા ફોર્વર્ડ પોસ્ટ પર તહેનાત છે. 


આર્મીની લદ્દાખ સ્કાઉટની મોટાભાગની યુનિટ્સને બોર્ડર નજીકના વિસ્તારોમાં મોકલી દેવામા આવી છે. તેમાં ફરજ નિભાવતા સૈનિકોના ઘર અહીં લેહ અને આસપાસના ગામડાઓમાં છે. કર્નલ વાન્ગચુકના માતા પણ કહે છે- જ્યારે દીકરા સરહદ પર હોય તો નિંદર કેવી રીતે આવે!

ત્રણ દિવસ પહેલા જ્યારે ગલવાનના શહીદોના પાર્થિવ દેહ લેહ પહોંચ્યા ત્યારે તેમને સલામ કરવા માટે માતાઓ રસ્તા પર રાહ જોઇને ઉભી હતી. લદ્દાખના પરંપરાગત સ્કાર્ફ લહેરાવીને તેમણે ભારતીય સેનાના 20 શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આખો વિસ્તાર ભારત માતાની જયજયકારથી ગૂંજી ઉઠ્યો હતો. ગલવાનમાં પરિસ્થિતિ તંગ છે અને લદ્દાખના લોકોમાં ગુસ્સો છે. કર્નલ સોનમ કહે છે- આ વિસ્તારમાં ભાગ્યેજ કોઇ ઘર હશે જેમાંથી કોઇ આર્મીમાં નહીં હોય. અત્યારે મોટાભાગના સૈનિકો બોર્ડર પર મોબેલાઇઝ થઇ ગયા છે. તેના લીધે અત્યારે લદ્દાખના ઘરોમાં તણાવ થોડો વધુ છે. 

લદ્દાખના લોકોનો ચીન પર ગુસ્સો કોઇ નવી વાત નથી. તેમને હંમેશા એ લાગે છે કે ચીને અહીં માલધારીઓના એ વિસ્તારો પર કબ્જો કરી લીધો છે જ્યાં તેઓ પ્રાણીઓને ચારણ માટે લઇ જતા હતા. કર્નલ સોનમ પણ એ જ વાત જણાવે છે. તેઓ કહે છે- હું જ્યારે દેમચોક, પેંગોન્ગ વિસ્તારમાં તહેનાત હતો ત્યારે આ બધુ જોઇ ચૂક્યો છું. ચીન તેમના માલધારીઓને આ વિસ્તારમાં ફરવા આપે છે પરંતુ આપણા માલધારીઓને સામે પાર જવાની મનાઇ છે. આપણા વિસ્તારમાં કબ્જો કરવાની આ ચીનની રણનીતિ છે. 

અત્યારે ઝઘડો રસ્તો બનાવવાને લઇને છે. આપણે બોર્ડર પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરીએ તે ચીનને ગમતું નથી. જ્યારે ચીને પોતે છેલ્લા છેડા સુધી પાકા રસ્તા બનાવી દીધા છે. કર્નલ સોનમ કહે છે કે જો યુદ્ધ થશે તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો ચીનને મળશે. રસ્તાની વાત આવી તેનાથી યાદ આવ્યું કે જે ફ્લાઇટથી અમે લેહ પહોંચ્યા ત્યાં અમુક સ્થાનિકો સિવાય એક મોટી ભીડ એ પ્રવાસી શ્રમિકોની હતી જેઓ લદ્દાખમાં રસ્તો બનાવવાનું કામ કરવા માટે પહોંચ્યા છે. 

રાહુલ છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે માર્ચ - એપ્રિલથી નવેમ્બર સુદી અમુક મહિનાઓ સુધી અહીં નોકરી કરે છે. તેનું ઘર સહરસામા છે અને કંપની તેને દર વખતે બાગડોગરાથી લેહ સુધીની ફ્લાઇટની ટિકિટ મોકલે છે. મહિને 20 હજાર રૂપિયાના પગાર સિવાય ખાવાપીવાની વ્યવસ્થા કંપની કરે છે. રાહુલ સાથે અન્ય 40 લોકો છે જેઓ ફ્લાઇટથી લેહ પહોંચ્યા છે. અત્યારે તેમને 14 દિવસ માટે ક્વોરેન્ટીન કરવામા આવશે. ત્યારબાદ તેઓ ખાલ્સીમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સાથે રસ્તો બનાવવાનું કામ કરશે. રાહુલના બાજુના ગામમાં બબલૂ રહે છે. તે કહે છે કે જેટલા પૈસા અહીં મળે છે એટલું કામ અને પૈસા બિહારમાં નહીં મળે. તેથી અહીં આવી ગયા છીએ. પહેલા ઉંચાઇ પર કામ કરવાના લીધે નાકમાંથી લોહી નિકળતું હતું પરંતુ હવે આદત થઇ ગઇ છે. લેહ એરપોર્ટ સામે આંગળી ચીંધીને ગર્વથી કહે છે કે મેં આ એરપોર્ટનો રોડ બનાવવાનું પણ કામ કર્યું છે. 

અત્યારે બોર્ડરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આર્મીએ લેહ સિટીથી 20 કિમી બહારના દરેક રસ્તા મીડિયા અને પ્રવાસીઓ માટે બંધ કરી દીધા છે. સ્થાનિકોને આઇડી કાર્ડ દેખાડીને તેમના ગામડા સુધી જવાની છૂટ છે. બોર્ડર વિસ્તારમાં અત્યારે શું પરિસ્થિતિ છે, તે કોઇ નથી જાણતું.

નુબ્રાના એક સૈનિક  અત્યારે અમદાવાદમાં પોસ્ટેડ છે. તેઓ અત્યારે રજામાં ઘરે આવ્યા છે. તેઓ કહે છે- ચીન બોર્ડર પરના ગામડામાં મારા સંબંધી રહે છે પણ બે મહિનાથી તેમની સાથે કોઇ વાતચીત થઇ નથી. કારણ કે મોબાઇલ સેવા બંધ કરી દેવામા આવી છે. અત્યારે જેટલી પણ મીડિયા ટીમ લેહ પહોંચી છે તે 20 કિમીના દાયરામાં કેદ થઇ ગઇ છે. સામાન્ય દિવસોમાં ડીસી ઓફિસ સરહદી વિસ્તારોમાં જવા માટે ઇનર લાઇન પરમિટ આપે છે. પરંતુ કોરોનાના લીધે લોકડાઉન લાગૂ થયા બાદ બધુ બંધ છે. હવે મીડિયાને પણ ત્યાં જવાની મનાઇ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post