• Home
  • News
  • રાજકોટના યુવક સાથે ઇંગ્લેન્ડની યુવતીએ સગાઈ કરી, સાત સમુંદર પાર ભારતીય સંસ્કૃતિ મુજબ સાત ફેરા ફરશે
post

રવિવારે યોજાયેલ સગાઈ વિધિમાં પણ વૈદિક મંત્રોચાર સાથે ગોર મહારાજની હાજરીમાં એલી અને કિશનની સગાઈ કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-14 18:02:45

રાજકોટ: આજે વેલેન્ટાઈન ડે છે ત્યારે એક એવા કપલની વાત, જેમાં કાઠિયાવાડી યુવક સાથે ઇંગ્લેન્ડની યુવતીની આંખથી આંખ મળી અને પ્રેમ પાંગર્યો. પ્રેમને ક્યારેય સરહદના સીમાડા નથી નડતા. ત્યારે રાજકોટના યુવક સાથે ઇંગ્લેન્ડની યુવતીને પ્રેમ થયો અને તે પોતે પરિવાર સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કરવા માટે રાજકોટ આવી છે. ગત રવિવારે રાજકોટના કાલાવડ રોડ પર ખાનગી હોટલમાં વૈદ્ય પરિવારના દીકરા સાથે ઇંગ્લેન્ડની દીકરીની સગાઇ યોજાઈ હતી અને હવે તેઓ ભારતીય સંસ્કૃતિ મુજબ અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લગ્ન કરી એકબીજાના જીવનસાથી બનવા જઇ રહ્યાં છે.

અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરશે
આજે 14 ફેબ્રુઆરી, એટલે કે વેલેન્ટાઈન દિવસ. આજના દિવસને પ્રેમનો દિવસ તરીકે ઊજવવામાં આવે છે અને આજના દિવસે લગ્ન પણ ઘણાં બધાં યોજાતાં હોય છે, પરંતુ આજે વાત કરી રહ્યા છીએ કાઠિયાવાડી યુવકના પ્રેમમાં સાત સમુંદર પાર ઇંગ્લેન્ડથી ખાસ રાજકોટ આવી ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કરનારી યુવતીની. રવિવારે રાજકોટના કાલાવડ રોડ પર હોટલ સયાજી ખાતે ઇંગ્લેન્ડની યુવતીની કાઠિયાવડી યુવક સાથે સગાઈ યોજાઈ હતી અને હવે તેઓ ભારતીય સંસ્કૃતિ મુજબ અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરી લગ્ન કરશે.

 

ખાસ કાઠિયાવાડ રિવાજ મુજબ સગાઈ કરી
રાજકોટમાં રહેતા વૈદ્ય પરિવારનો દીકરો કિશન પાછલાં વર્ષોમાં અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયો હતો અને ત્યાં સાથે અભ્યાસ કરતી યુવતી એલી સાથે તેની ગાઢ મિત્રતા બંધાઈ હતી. ધીમે ધીમે બન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યાં હતાં અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આખરે બન્નેએ પોતપોતાના પરિવારજનોને લગ્ન વિશે વાત કરતાં પરિવારની સહમતીથી લગ્ન કરવાનું નક્કી થયું. એટલું જ નહીં, એલીના પરિવારજનો ખાસ રાજકોટ આવ્યા ને સગાઈ પણ ભારતીય રીતે, એમાં પણ ખાસ કાઠિયાવાડ રીતરિવાજ મુજબ કરવામાં આવી. હવે લગ્ન પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ અગ્નિની સાક્ષીએ ફેરા ફરશે.

કિશનના સંબંધીઓ પણ આતુર હતા
રવિવારે યોજાયેલ સગાઈ વિધિમાં પણ વૈદિક મંત્રોચાર સાથે ગોર મહારાજની હાજરીમાં એલી અને કિશનની સગાઈ કરવામાં આવી હતી, સાથે જ કાઠિયાવાડ રીતરિવાજ મુજબ સગાઇ સમયે દીકરીને હાથમાં શ્રીફળ આપવું, ચૂંદડી ઓઢાડવી તેમજ છાબ અને પગમાં પાયલ પહેરાવવા જેવી દરેક વિધિ કરવામાં આવી હતી અને આ પછી બન્નેએ એકબીજાને હાથમાં વીંટી પહેરાવીને લગ્નનું કાઉન્ટડાઉન શરૂ કરી દીધું હતું. કિશનના સંબંધીઓ પણ આ રિંગ સેરેમની જોવા માટે આતુર હતા, સામે તેટલા જ આતુર એલીના પરિવારજનો પણ કાઠિયાવાડી પરંપરા જોવા માટે આતુર હતા.

પરિવારજનો પણ ખાસ રાજકોટ આવ્યા હતા
કિશનના પિતા ભરતભાઈ વૈદ્યએ જણાવ્યું હતું કે મારો દીકરો ઇંગ્લેન્ડ ભણવા ગયો હતો અને ત્યાં સાથે અભ્યાસ કરતી એલી સાથે તેને પ્રેમ થયો હતો. આ પછી લગ્ન માટે અમને વાત કરી હતી અને તેમના પરિવારજનો પણ ખાસ રાજકોટ આવ્યા હતા. રાજકોટ આવતા આપણી સંસ્કૃતિ, આપણું ક્લચર, આપણું ફૂડ અને બધું જોઈ એલીના પરિવારજનો પ્રભાવિત થયા હતા અને તેમને જ રાજકોટમાં જ ભારતીય સંસ્કૃતિ મુજબ સગાઈ અને લગ્ન કરવા આગ્રહ રાખ્યો હતો. આજે એલીનો પરિવાર પણ ખુશ છે અને અમારો પરિવાર પણ ખૂબ જ ખુશ છે.

વિદેશીઓનું આકર્ષણ વધ્યું
જ્યારે કિશનના સંબંધી અશ્વિનભાઇ પાનસુરિયાએ આ તકે જણાવ્યું હતું કે કિશનના પિતા ભરતભાઈ મારા ખાસ મિત્ર છે. પ્રથમ વખત એલી અને તેના પરિવારજનો ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે જ મેં એલીને દીકરી બનાવી હતી. તેમનો પરિવાર પણ ખુશ છે, આપણી સંસ્કૃતિ તથા આપણા ક્લચરથી પ્રભાવિત થયા છે. આમ જોવા જઈએ તો છેલ્લાં 10 વર્ષથી ભારત તરફ વિદેશીઓનું આકર્ષણ જરૂર વધ્યું છે. દરેક ક્ષેત્રમાં ભારતીયોની ગણના કરવામાં આવી રહી છે, વિદેશના લોકો પણ ભારત તરફ અને ભારતની સંસ્કૃતિ તરફ આકર્ષાઈ રહ્યા છે. આજે આ પ્રસંગ જોઈ ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post