• Home
  • News
  • આર્મી માટે બુલેટપ્રૂફ જેકેટ, હેલ્મેટ અને પેરાશુટનું કાપડ બનાવતી સુરત નજીક મહુવેજની ફેક્ટરીમાં ઝારખંડનો નક્સલવાદી ત્રણ વર્ષથી ઓળખ છુપાવી કામ કરતો હતો
post

ઝારખંડના ભાકપા માઉવાદી સંગઠનની સાથે સંકળાયેલો ગુડ્ડુસિંહ હથિયારો ચલાવવામાં નિપુણ

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-04 10:58:49

માંગરોળના કોસંબા ખાતે ટેક્સટાઈલ પાર્કમાં આવેલ કુસુમગર નામની ફેક્ટરીમાં આર્મી માટે બુલેટપ્રૂફ જેકેટ અને હેલ્મેટ તેમજ પેરાશુટનું કાપડ, સરકારની ડીઆરડીઓ બનાવતી કંપનીમાં ઝારખંડનો નકસલવાદી છેલ્લાં 3 વર્ષથી ઓળખ છુપાવીને બેઠો હતો. જે કંપનીમાં બુલેટપ્રૂફ જેકેટ બનાવવામાં વપરાતા કાપડની ક્વોલેટી મેન્ટેન કરવાનું કામ કરતો હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન પણ ઊભો થયો છે. પોલીસ તમામ પાસાઓ ધ્યાનમાં લઇ પૂછપરછ શરૂ કરી હોવાની જાણકારી છે.

ઝારખંડના નોડીદા બજાર પોલીસ સ્ટેશનમાં જેના નામે બોમ્બ વિસ્ફોટ કરવાના, હથિયારો રાખવા અને હત્યા જેવા ગંભીર 6ગુના નોંધાયા છે, તે ગુડ્ડુસિંહ અનિરૂદ્ધસિંહ વર્ષ 2013માં ગુજરાતમાં શરણુ લીધુ હતું. ઝારખંડ પોલીસે નકસલવાદીઓ પર સકંજો કસાતા ભાગી આવ્યો હતો. પહેલા વાપી ખાતે કુસુમગર કોર્પોરેટ કંપનીમાં કામ શરૂ કર્યું હતું, અને ઝડપભેર જોબર તરીકે કાપડના ક્વોલિટી સુધારણા પર પકડ મેળવી લેતા કંપનીએ 3વર્ષ પહેલા માંગરોળના મહુવેજ ફેડરીલ ટેક્સટાઈલ પાર્ક ખાતે નવા શરૂ કરેલ પ્લાન્ટમાં બદલી કરવામાં આવી હતી.

ગુડ્ડુસિંહ પોતાની પત્ની તેમજ 2 બાળકો સાથે કોસંબા પોલીસ સ્ટેશન નજીક આવેલ સરકારી દવાખાના વિસ્તારમાં રહેતો હતો. ઝારખંડની નોડીદા પોલીસને ગુજરાતમાં છુપાયો હોવાની જાણ થતા, સ્પેશિયલ ટ્રાયલ કોર્ટમાંથી પરમીશન લઈ નકસલવાદીને શોધવા માટે કોસંબા આવી પહોંચી હતી. જ્યાં કોસંબા પીઆઈ વી. કે. પટેલને જાણ કરી ઝારખંડ પોલીસ સાથે નકસલવાદીને ઝડપી પાડવા માટે વોચ ગોઠવવાનું શરૂ કર્યું હતું. અંતે શનિવારે રાત્રે મહુવેજ ગામના કુસુમગર કોર્પોરેટ લી. કંપનીના પ્લાન્ટમાંથી નકસલવાદી ગુડ્ડુસિંહને ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ ઝારખંડ પોલીસ તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી કોર્ટમાંથી ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ લઈ તેને ઝારખંડ લઈ જવાની કાર્યવાહી શરૂ કરી છે.

કંપનીએ કર્મચારીની વિગતો પોલીસને આપી નહોતી
કોઈ પણ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓનું પોલીસમાં ઓળખપત્ર સહિત તેમને ઓળખતા બે લોકોની માહિતી પોલીસ વેરીફિકેશન કરાવવાનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. કુસુમગર ફેક્ટરીના સંચાલકોએ પોતાના કર્મચારીઓની કોઈપણ માહિતી પોલીસમાં સોંપી ન હોવાનું જાણવા મળેલ છે. જ્યારે દેશના જવાનો જીવ બચાવવા માટે બનતાં બુલેટપ્રૂફ જેકેટના કાપડનું ઉત્પાદન થતું હોય તેવી સંવેદનશીલ જગ્યા પર દાખવાયેલી બેદરકારી ચિંતાનો વિષય છે.

જવાનોની સેફ્ટી માટે બનતી ચીજોની જવાબદારી નક્સલીના હાથમાં હતી
કુસુમગર ફેક્ટરીના વાપી અને મહુવેજ પ્લાન્ટમાં ભારત સરકારના ડિફેન્સ રિસર્ચ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ડીઆરડીઓ દ્વારા વિકસીત થયેલા બુલેટપ્રૂફ જેકેટ અને બુલેટપ્રૂફ હેલ્મેટ માટે ઉપયોગમાં લેવાતા કેવિઆર નામના કાપડ બનાવવામાં આવે છે. વિમાનમાંથી કુદતા સૈનિકો માટેના પેરાસુટના કાપડ પણ આ કંપનીમાં બનાવવામાં આવે છે. વિશ્વમાં સૌથી હલકા બુલેટપ્રૂફ જેકેટનું સંશોધન ભારતના સૈનિકો માટે કર્યું છે. માથા પર હલકા વજનવાળું બુલેટપ્રુફે હેલ્મેટ પણ વિકસાવ્યું છે. કંપનીમાં જોબર મશીન મિકેનિક તરીકે કામ કરતો નકસલવાદી ગુડ્ડુસિંહના માથે કાપડની ગુણવત્તા બનાવવાની જવાબદારી હતી. બુલેટપ્રૂફ કાપડના તમામ ટેકનિકલ પાસાઓથી ગુડ્ડસિંહ પરિચિત હોય અને પોતે નકસલવાદી પ્રવૃત્તી સાથે સંકળાયેલો છે. જેથી દેશની અને દેશના જવાનોની સુરક્ષા પર ગંભીર પ્રશ્ન ઊભા થયા છે. ગુડ્ડુસિંહ કંપનીમાં રહીને બુલેટપ્રૂફ જેકેટના કાપડ વિશે કોઈ માહિતી અન્યને આપી છે કે કેમ જેની પોલીસ તપાસ કરી રહી છે.

ગુડ્ડુએ ખોટા પુરાવા ઉભા કરીને આધારકાર્ડ પણ બનાવ્યો હતો
ગુડ્ડુસિંહ અનિરૂદ્ધસિંહ ઝારખંડ પોલીસમાં 6 ગુનાઓમાં સંડોવાયેલો હોય, ગુજરાતમાં આવી ચોરી છુપીથી વસવાટ કરતો હતો. પોતાની સાચી ઓળખ છુપાવી ખોટા નામે રહેવા માટે વાપીમાં પરિમલ પ્રતાપસિંહ નામનો આધારકાર્ડ બનાવ્યો હતો. અને આ નામે કુસુમગર ફેક્ટરીમાં નોકરી પણ કરતો હતો. પોતાના અલગ અલગ નામના ઓળખ કાર્ડ ખોટા દસ્તાવેજી પુરાવાને આધારે ઊભા કર્યા હોવાનું સામે આવ્યું છે. કંપનીમાં તેના લોકરમાંથી પોલીસને અલગ અલગ નામના ત્રણથી ચાર ઓળખપત્ર મળી આવ્યા છે.

વિસ્ફોટક બનાવવામાં પણ નિપૂણ અને સંગઠનમાં કમાન્ડરની પોસ્ટ પર હતો
ઝારખંડમાં ભાકપા માઉવાદી સંગઠન સાથે ગુડ્ડુસિંહ કાર્યરત હોવાનું ઝારખંડ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું. ગુડ્ડુસિંહ દરેક પ્રકારના હથિયારો ચલાવવામાં પારંગત છે. ઉપરાંત તે અલગ અલગ પ્રકારના વિસ્ફોટક બનાવવામાં નિપૂર્ણતા ધરાવે છે. તે ઘણો ઘાતકી હોવાનું પોલીસ જણાવે છે, અને ઘણી હત્યા કાંડને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું. ભાકપા માઉવાદી સંગઠનના કર્તાહર્તા રાકેશ ઘુમીયાને ઝારખંડ પોલીસે 2018માં એન્કાઉન્ટરમાં માર્યો હોવાનું જણાવ્યુ હતું.ગુડ્ડુસિંહ તેનો ખાસ માણસ હતો, અને સંગઠનમાં કમાન્ડરની પોસ્ટ પર હતો.

અન્યાયથી અકળાયેલો ગુડ્ડુ નક્સલવાદી પ્રવૃત્તીઓમાં જોડાયો
નસલવાદી ગુડ્ડુસિંહ પોતાના કૌટુંબિક કાકા સાથે જમીનમાં વિવાદ ચાલતો હોય, આ વિવાદમાં થઈ રહેલા અન્યાયથી અકળાઈને નકસલવાદી પ્રવૃત્તીમાં જોડાયો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે.

સાત વર્ષમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી સામે આવી નથી
નાયબ પોલીસ અધિક્ષક સી. એલ. જાડેજાએ જણાવ્યું કે, ઝારખંડના નકસલવાદી છેલ્લા 7 વર્ષથી વાપી અને કોસંબામાં રહેતો આવ્યો છે. પરંતુ આટલા સમય દરમિયાન કોઈ પણ જાતની ગુનાહિત પ્રવૃત્તીમાં આ વ્યક્તિની સંડોવણી સામે આવી નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post