• Home
  • News
  • સુરતમાં બાળકી પર હડકાયું શ્વાન તૂટી પડ્યું, ગાલે બટકાં ભરી લેતાં હોસ્પિટલમાં દાખલ
post

બાળકી સોસાયટીના ગેટ પાસે રમતી હતી. એ દરમિયાન ઘટના સામે આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-09 18:38:20

સુરતમાં શ્વાનોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સુરતમાં શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. અશ્વિનીકુમાર ફૂલપાડા વોર્ડ નંબર પાંચમાં આવેલી સોસાયટીના ગેટ પાસે રમતી બાળકીને ગંભીર રીતે હડકાયેલા શ્વાને કરડી ખાધું છે. રમતી બાળકીને બચકાં ભર્યાં બાદ બચાવવા આવેલી મહિલાને પણ શ્વાને બચકું ભરવાની કોશિશ કરી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ, શ્વાનને પકડવા માટે પાલિકા દ્વારા ટીમ ઉતારવામાં આવી છે.

હડકાયેલા શ્વાને બાળકીને ગંભીર રીતે કરડી લીધું
ફૂલપાડા અશ્વિનીકુમાર રોડ નંબર પાંચમાં આવેલી હંસ સોસાયટીમાં નાની બાળકીના ગાલ ઉપર ગંભીર રીતે બચકાં ભરતાં ખૂબ ભયંકર ઈજા થઈ છે. બાળકી સોસાયટીના ગેટ પાસે રમતી હતી. એ દરમિયાન ઘટના સામે આવી છે. શ્વાન હડકવાયું હોવાનું પણ જાણવા મળ્યું છે, જેને કારણે પરિવારજનો પણ ભયભીત થઈ ગયા છે. બાળકી સોસાયટીના ગેસ્ટ પાસે એકલી રમતી હતી. એ દરમિયાન શ્વાને તેના ઉપર તરાપ મારી હતી.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળકી ઘર પાસે ઊભી હતી. ત્યાર બાદ બાળકી દોડતાં દોડતાં જઈ રહી હતી. આ દરમિયાન શ્વાન પણ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. દરમિયાન શ્વાને આવી બાળકી પર હુમલો કરી દીધો હતો. શ્વાનના હુમલાને કારણે બાળકી નીચે પટકાઈ હતી. શ્વાન તેને બચકાં ભરતો રહ્યો હતો. બાળકીએ બૂમાબૂમ કરતાં એક મહિલા દોડી આવી હતી. તેણે શ્વાનને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મહિલાને પણ શ્વાને બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પણ બૂમાબૂમ કરતાં આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા. બાદમાં શ્વાન ત્યાંથી નાસી છૂટ્યો હતો.

બાળકીને ગાલ ઉપર થઈ ગંભીર ઈજા
શ્વાનના હુમલામાં બાળકીને ગાલ પર ગંભીર ઈજાઓ થઇ હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વધુમાં અહીં શ્વાનના આવા આંતકને લઈને રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. રહીશો દ્વારા આ મામલે મનપામાં ફરિયાદ કરવામાં આવી હતી, જેથી શ્વાન પકડતી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ શ્વાનને પકડી લીધું હતું. શ્વાન પકડાઈ જતાં રહીશોએ રાહતનો દમ લીધો છે.

ફરિયાદ મળતાં જ કામગીરી શરૂ કરી છે: આસિસ્ટન્ટ માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ
સુરત મહાનગરપાલિકામાં માર્કેટ વિભાગમાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડોક્ટર રાજેશ ઘેલાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતાં શ્વાનો પર નિયંત્રણ આવે એના માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ઘટના સામે આવી છે, એમાં સીસીટીવી ફૂટેજ પણ અમે જોયા છે. બની શકે કે બાળકી શ્વાન પાસે રમવા ગઈ હોય અને એવા સમયે શ્વાન દ્વારા તેને કરડવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે.

શ્વાન પકડવાની કામગીરી
ઘટનાની જાણ થવાની સાથે જ ડોગ ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને ત્રણથી ચાર શ્વાનોને ઝડપી પાડ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ખસીકરણ અને રસીકરણની પ્રક્રિયાઓ પણ સમયાંતરે કરવામાં આવે છે. રોજનાં 30થી 35 શ્વાનને પકડવામાં આવે છે. વર્ષ દરમિયાન 7521 શ્વાનને ઝડપી પાડવામાં આવ્યાં છે, જેમાં 6,530 શ્વાનનું ઓપરેશન કરવામાં આવ્યું છે. શ્વાનોના રસીકરણ અને ખસીકરણ કર્યા બાદ જે-તે વિસ્તારમાં જ નિયમ મુજબ છોડી દેવામાં આવતા હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post