• Home
  • News
  • એક જ કલાકમાં અનરાધાર 4 ઇંચ વરસાદ:મેઘરાજાએ ધોરાજી-ઉપલેટાને ધમરોળ્યું, ઓસમ ડુંગર પરથી પાણીનો ધોધ વહ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં
post

હવામાન વિભાગની આગાહી અનુસાર, ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 4 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-06 16:22:43

રાજકોટ: સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ચાલુ રહેતાં ખેડૂતો પર આફતનાં વાદળો છવાયાં છે. હાલ ઉનાળુ પાકમાં તલ, મગ, બાજરીના પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે. ગઈકાલે સાંજે રાજકોટ જિલ્લાના પાટણવાવ, કલાણામાં એક જ કલાકમાં અનરાધાર 4-4 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ધોરાજી અને ઉપલેટામાં પણ એક કલાકમાં 2-2 ઈંચ પડ્યો હતો. ધોરાજીના પાપટવાવના ઓસમ ડુંગર પરથી પાણીનો ધસમસતો ધોધ વહેતાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં હતાં. આ સિવાય જેતપુર, જસદણ પંથકમાં પણ ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો.

 

પાટણવાવમાં 4 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી
ધોરાજી તાલુકાના કલાણા, છત્રાસા, ચિચોડ, રવની સહિતનાં ગામોમાં વીજળીના કડાકાભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખાલી પડેલા તમામ ચેકડેમો ઓવરફ્લો થતા જોવા મળ્યા હતા. આ ગામોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જ્યારે પાટણવાવમા ધોધમાર 4 ઈંચ વરસાદ વરસતાં સર્વત્ર વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો, જેના કારણે ઓસમ ડુંગર પરથી પાણીનો ધોધ વહ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.

ઉપલેટામાં એક કલાકમાં 2 ઈંચ
ઉપલેટામાં ગઈકાલે સાંજના સમયે એક કલાકમા 2 ઈંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ધોરાજીના સુપેડી, મોટીવાવડી, ગઢાળા સહિતના વિસ્તારોમા એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ, રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં જસદણ અને જામકંડોરણામાં વરસાદી ઝાપટું પડ્યું હતું.

રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા
હવામાન વિભાગની આગાહી અનુસાર, ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 4 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો. ભાડેર, કલાણા, છત્રાસા અને પાટણવાવ ગામે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઇ હતી. પાટણવાવના સરપંચ પ્રવીણભાઈ પેથાણીએ જણાવ્યું હતું કે કમોસમી ખાબકેલા વરસાદથી પાટણવાવમાં ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું હતું. પાટણવાવના ઓસમ ડુંગર ઉપર ચોમાસાની જેમ ધોધ વહ્યો હતો. આ કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

શિયાળુની જેમ ઉનાળુમાં પણ નુકસાની વેઠી
જસદણના આટકોટ ગામના ખેડૂત હરજીભાઈએ જણાવ્યું હતું કે મેં ત્રણ વીઘામાં બાજરાનું વાવેતર કર્યું હતું. અમને ઉનાળું પાકની સારી આશા હતી, પણ કમોસમી વરસાદથી ખેતરમાં તૈયાર પાક પલળી ગયો હતો. શિયાળુ પાકમાં પણ નુકસાની સહન કરી હતી અને ઉનાળામાં પણ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post