• Home
  • News
  • ગુજરાતમાં 5 લોકો શંકાસ્પદ, એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, ગઢડામાં BAPS દ્વારા યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ મોકૂફ
post

શંકાસ્પદ દર્દીઓના બ્લડ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-05 08:35:50

અમદાવાદ: 77 દેશમાં ફેલાયેલો કોરોના વાઈરસ હવે ભારતમાં પણ ચિંતા વધારી રહ્યો છે. પીડિતોની સંખ્યા 29ની થઈ ગઈ છે. નવા 26 કેસ માત્ર 72 કલાકમાં સામે આવ્યા છે તેમાં ઇટાલીથી ફરવા આવેલા 15 લોકોનું જૂથ પણ સામેલ છે. આ ઉપરાંત તેમનો ભારતીય ડ્રાઈવર પણ ભોગ બન્યો છે. પેટીએમનો એક કર્મચારી પણ ભોગ બન્યો છે. સાવચેતીના ભાગરૂપે ગઢડામાં BAPS દ્વારા યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે. ગુજરાતમાં કુલ 5 કેસ શંકાસ્પદ છે જેમાં અમદાવાદમાં સિંગાપોરથી આવેલી એક યુવતીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે જાપાનથી આવેલા એક દંપતીને હોસ્પિટલમાં દાખલ કરાયું છે. તેમનો રિપોર્ટ આવ્યો નથી. સુરતમાં પણ બે કેસ નોંધાયા છે. જ્યારે ઇટાલીથી આવેલા એક યુવાને મુંબઈમાં તપાસ થઈ હોવા છતાં સંતોષ નહીં થતાં સુરતમાં ફરી ટેસ્ટ કરાવ્યો છે. ગુજરાત સરકારે દરેક જિલ્લામાં 50 બેડનું એક વિશેષ સેન્ટર બનાવવા તમામ જિલ્લા કલેક્ટરોને જણાવ્યું છે. અમદાવાદમાં આર્મી કેન્ટોનમેન્ટમાં આ વ્યવસ્થા કરાઈ છે. કોરોના વાઈરસના જોખમને ધ્યાનમાં લઈ હોળીના તહેવારની ઊજવણી બંધ કરાઈ રહી છે. ટ્વિટરે ગઈકાલે તેમના કર્મચારીને ઘરેથી કામ કરવાની સલાહ આપી હતી.

BAPS દ્વારા ઉજવાનાર આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રખાયો

વિશ્વના અનેક દેશોમાં સર્જાયેલી કોરોના વાઇરસની ગંભીર અને અનિશ્ચિત સમસ્યાને લક્ષમાં લઈને BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા તા. 10-3-2020ના રોજ ગઢડા ખાતે ઉજવાનાર આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રાખવામાં આવ્યો છે, જેમાં એક લાખથી વધુ ભક્તો ઉપસ્થિત રહેવાના હતા.

ગુજરાતથી દિલ્હી સુધી મહા તૈયારી

·         વિદેશથી આવનારી તમામ ફ્લાઈટ અને તેના પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનિંગ થશે. અત્યાર સુધીમાં 12 દેશમાંથી આવતા મુસાફરોની તપાસ થતી હતી. દેશમાં આવેલા લોકોમાં અત્યાર સુધી 5.89 લાખ લોકોની તપાસ થઈ ચૂકી છે.

·         કોરોના વાઈરસથી લોકોને બચાવવા કેન્દ્ર સરકાર 5 લાખ N95 માસ્ક, 2 લાખ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ ખરીદશે. સ્ક્રીનિંગ માટે એરપોર્ટ પર 500 થર્મલ સ્કેનર લગાવાયા. દેશમાં અલગ-અલગ જગ્યાએ 34 લેબ તૈયાર.

ગુજરાતમાં વિદેશથી આવેલા 1582 લોકોનું સ્ક્રીનિંગ, 25ના લેબ ટેસ્ટ
તમામ એરપોર્ટ ઉપર દરેક પ્રવાસીનું સ્ક્રીનિંગ થશે. તમામ મેડીકલ કોલેજોમાં આઈસોલેશન વોર્ડ ઊભા કરાયા. 104 ફિવર હેલ્પ લાઈન પર હવે કોરોના વાઈરસની માહિતી પણ અપાશે. એર લાઈન્સને પણ સૂચના આપી કે કોઈપણ યાત્રીને શરદી હોય તો તરત જણાવો.


કોરોનાથી ઉડ્યો હોળીનો રંગ : 
દુનિયાના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોરોનાને લઈને ભીડવાળા સમારંભથી દૂર રહેવું. ત્યાર પછી રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ, ભાજપ અધ્યક્ષ નડ્ડા અને દિલ્હી સીએમ કેજરીવાલે હોળી મિલન સમારંભ રદ કરી દીધો છે. નડ્ડાએ કહ્યું- રાજ્યોના પ્રદેશ પ્રમુખ પણ હોળી સમારંભ નહીં કરે. અમદાવાદની ક્લબોમાં પણ ધૂળેટી નિમિત્તે યોજાનાર રેઈન ડાન્સ સહિતના કાર્યક્રમ રદ કરાયા છે.

વિશ્વમાં કુલ 72 દેશોમાં 90,870 કેસ અને 3,112 લોકોના મોત નીપજ્યા
વિશ્વ આરોગ્ય સંસ્થાના 3 માર્ચના રિપોર્ટ પ્રમાણે નોવેલ કોરોના વાઈરસના વિશ્વમાં કુલ 72 દેશોમાં 90,870 કેસ અને 3,112 લોકોના મોત નીપજ્યા છે. ભારતમાં કોરોનાના કુલ 5 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 7 કેસના રિપોર્ટ કન્ફર્મ થવાના બાકી છે. ગુજરાતમાં આ વાઈરસનો એક શંકાસ્પદ કેસ આજે સામે આવ્યો. રાજ્યમાં અગાઉ કુલ 25 સેમ્પલ લેવામાં આવ્યા હતા પંરતુ તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.


અમદાવાદ સિવિલમાં આઈસોલેશન વોર્ડ : 
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અગમચેતીના પગલા રૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસ ગુજરાતમાં ન આવે એ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.


રાજ્ય સરકારની કોરોનાને આવતો ડામવા તૈયારીઓ : 
આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને રોકવા માટેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છેકે આજ દિવસ સુધી ગુજરાતમાં કોરોના વાઈરસનો એકપણ કેસ જણાયો નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે અમદાવાદ સહિત રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલમાં 30 દર્દીઓ સારવાર લઇ શકે એ માટેનો ખાસ આઇસોલેશન વોર્ડ અને અલગ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. સગર્ભા મહિલાઓ અને બાળકો માટે પણ સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.


કોરોનાને લઇને સરકારની તૈયારી : 
>
સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં 29 આઇસોલેશન બેડ, 29 વેન્ટિલેટર સહિત અદ્યતન સાધનો અને દવા સાથેનો આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
>
રાજ્યની અન્ય મેડીકલ કોલેજ અને ડીસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતના અદ્યતન સાધનોની સુવિધા ધરાવતા આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 576 આઇસોલેશન બેડ અને 204 વેન્ટિલેટર ઉપલબ્ધ છે.
>
રાજ્યમાં વિવિધ હોસ્પિટલોમાં પીપીઇ કીટ 24555, એન-95 માસ્કનો 39041, ટ્રીપલ માસ્કનો 892300 તથા ગ્લવ્ઝનો 2125600 જેટલો જથ્થો ઉપલબ્ધ છે.
>
અમદાવાદની બી.જે મેડીકલ કોલેજ ખાતે કોરોના વાઈરસની લેબોરેટરી પરિક્ષણની સુવિધા ઊભી કરવામાં આવી છે. રાજ્યમાં જરૂર પડે સુરત, રાજકોટ અને વડોદરા ખાતે ટેસ્ટીંગની સુવિધા ઊભી કરવામાં આવશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post