• Home
  • News
  • કુલ પોઝિટિવ સાત, વધુ છ શંકાસ્પદ નોંધાયા, 8 વ્યક્તિના પેન્ડિંગ રિપોર્ટ નેગેટીવ આવતા આંશિક રાહત
post

મહાવીર હોસ્પિટલના અન્ય 3 કર્મચારીઓ સહિત વધુ 6 શંકાસ્પદ કેસ સામે આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-26 12:02:11

સુરતઃ પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા વૃદ્ધનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 7 થઈ ગઈ છે. તેવી જ રીતે મહાવીર હોસ્પિટલના અન્ય 3 કર્મચારીઓ સહિત વધુ 6 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જ્યારે 3 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 8 વ્યક્તિના રિપોર્ટ પેન્ડિંગ હતા તે નેગેટીવ આવતાં શહેર માટે આંશિક રાહતના સમાચાર આવ્યા છે.

વધુ 6 શંકાસ્પદ કેસ સામે આવ્યાં

પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ રિંગરોડની રાધા કૃષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાં એક કાપડની દુકાનમાં પાર્ટટાઇમ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. થોડો સમય પહેલા કોલકાતાનો પ્રવાસ કરી પરત આવ્યા બાદ તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા 23મીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી હતી. તેવી જ રીતે વધુ 6 કેસ શંકાસ્પદ સામે આવ્યા હતા.

શહેરમાં કુલ 35નો રિપોર્ટ નેગેટિવ આવ્યો

મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓ જેમાં કતારગામની 25 વર્ષીય મહિલા, ઉધના વિસ્તારમાં રહેતા 39 વર્ષીય યુવક અને કૈલાસ નગર ખાતે રહેતા 29 વર્ષીય યુવક તેમજ મહારાષ્ટ્રના સાતારાથી પરત આવેલા અડાજણના 30 વર્ષીય યુવક તેમજ કોઈ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા ગોપીપુરાના 55 વર્ષીય આધેડ અને પાલપુરના 68 વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરાયા છે અને તેમના સેમ્પલ લેવાય છે. તેની સાથે 3 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. હાલ કુલ 49 શંકાસ્પદ દર્દીઓ પૈકીના 35નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. શહેર જિલ્લામાં કુલ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે.

250 બેડની હોસ્પિટલનો આજથી પ્રારંભ

નવી સિવિલમાં સ્ટેમસેલ હોસ્પિટલના બિલ્ડિંગમાં કોરોના માટે 250 બેડની હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. આજે સાંજ સુધી હોસ્પિટલ શરૂ કરી દેવાશે. કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી સ્ટેમસેલ બિલ્ડિંગમાં અલગ હોસ્પિટલ કાર્યરત કરવા છેલ્લા 72 કલાકથી કામગીરી કરાઇ હતી. એક જ જગ્યાએ કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે થાય તે રીતનું આયોજન કરી રહ્યા છે. સુરત માટે નિમાયેલા ઓબ્ઝર્વર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોરોના વાયરસથી પીડિત દર્દીઓ માટેની 250 બેડની હોસ્પિટલ કાર્યરત કરી રહ્યા છે. જરૂર પડ્યે ચોથા માળે પણ વધુ 28 બેડની વ્યવસ્થા કરીશું. મેડિકલ સ્ટાફ અને પીઆઇયુ એ દિવસ રાત મહેનત કરી છે. એક જ બિલ્ડિંગમાં તમામ વ્યવસ્થાઓ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. 

5537 લોકોને મેસેજ મોકલી 14 દિવસ હોમ કોરોન્ટાઇનમાં રહેવા સૂચન

પા.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે આ વૃધ્ધના ઘરની આજુબાજુ તથા માર્કેટમાં સંપર્કમાં આવેલા 5537 લોકોને પાલિકા દ્વારા મેસેજ મોકલીને 14 દિવસનો હોમ કોરેન્ટાઇ પાડવા સૂચના આપવામાં આવી છે. કમિશનરે કહ્યું કે આ લોકો ઘરમાંથી બહાર ન નિકળે. અને ઘરમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે એ જરૂરી છે. ટેક્સટાઇલ્સ માર્કેટના પ્રમુખ જયલાલે કહ્યુ કે માર્કેટમાં આમ તો 2500 દુકાનો છે અને એક સાથે આ માર્કેટમાં એક જ સમયે 20 હજારથી 25 હજાર સુધીની પબ્લિક હોય છે જેમાં વર્કર અને વેપારીઓ સહિત તમામનો સમાવેશ થાય છે. હવે આ જે વ્યક્તિ છે તે કોણ છે એ અંગે હજી ખબર નથી.

દાનનો ધોધ વહેવા લાગ્યો

કોરોનાને લઇને દાન આપનારાઓની પણ સંખ્યા વધવા લાગી છે. એડવોકેટ જતીન ગાંધીએ જ્યાં 51 હજાર, કોંગી કોર્પોરેટર ભાવેશ રબારીએ પોતાના ફંડમાંથી દસ લાખ અને કોંગી કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકીએ પણ 25 લાખ અને માર્ચ મહિનાનો પગાર કોરોના માટેની મેડિકલ સાધનો-સામગ્રી ખરીદવા માટે દાનમાં આપી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post