• Home
  • News
  • AAPનો અમદાવાદમાં રોડ શો:કેજરીવાલ અને ભગવંત માનનો રોડ શો અચાનક ટૂંકાવી દેવાયો, હવે માત્ર અડધા કિ.મીનો જ રોડ શો થશે
post

દિલ્હીમાં ઘર પર થયેલા હુમલા બાદ અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં વધારો કરાયો

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-02 15:33:16


અમદાવાદ: આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો આજે સાંજે ચાર વાગ્યે રોડ-શો યોજાવાનો છે જેના રૂટને રોડ શો શરૂ થવાના બે કલાક પહેલા ટૂંકાવી દેતા અનેક સવાલો ઉભા થયા છે. આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બન્ને નેતાઓના રોડ શોને ટૂંકાવી દેવામાં આવ્યો છે અને હવે નિકોલ ઉત્તમનગર પાસે આવેલા ખોડીયાર મંદિરથી રોડ શો શરૂ થશે. આ પહેલા રોડ શો નિકોલ ગામના ખોડીયાર મંદિરથી શરૂ કરી અને ઠક્કરબાપા નગર બ્રિજના છેડા સુધી હતો. રોડ-શો ના રૂટને ટૂંકાવવા અંગે નું કોઈ કારણ હજી સુધી સ્પષ્ટ જણાવવામાં આવ્યું નથી.

ગાંધી આશ્રમની મુલાકાત લીધી
આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. તેમણે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. તેઓ આજે સાંજે 4 વાગ્યે નિકોલ ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગરબ્રિજ સુધી રોડ શો યોજવાના છે. દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાને પગલે ગુજરાતમાં પણ આવી કોઇ ઘટના ન બને એના માટે તેમની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

બંને નેતાઓએ ગાંધી આશ્રમ વિશે ઘણી માહિતી મેળવી
ગાંધી આશ્રમના કોમ્યુનિકેટર લતાબેન એ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમ વિશે ઘણી માહિતી મેળવી હતી. ભગવત માને ચરખા વિશે વાત કરી હતી.તેઓ ચરખા વિશે ઘણું જાણતા હતા. તેઓએ જણાવ્યું હતું કે મેં પંજાબમાં પણ ચરખો ચલાવ્યો છે. પરંતુ અહીંયાના અને પંજાબના ચરખામાં ઘણો ફેર છે. જેમાં ચરખાનું મોંઢીયું અલગ હોય છે. જેમાં દોરો ગુંચવાય નથી. બંને નેતાઓએ ગાંધીજીના ઘર હ્ર્દયકુંજની મુલાકાત લીધી હતી. 15 વર્ષ અહીંયા રહ્યાં તેના વિશે માહિતી મેળવી હતી. પ્રદર્શનની નિહાળતા સમયે તેઓએ અનેક પ્રશ્નો પૂછ્યા હતા જેમ કે મિલ મજૂરો જ્યારે હડતાળ પર ઉતર્યા ત્યારે તેઓ સાથે પણ તેઓ ઉભા રહ્યા હતા અને તેમના વિશે વાતચીત કરી હતી.

કેજરીવાલ અને ભગવંત માન ગાંધી આશ્રમમાં અડધો કલાક જેટલું રોકાયા હતાં. કેજરીવાલે કહ્યું હતું કે,આજે ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. મુખ્યમંત્રી બન્યા બાદ ગાંધી આશ્રમમાં પહેલીવાર આવ્યો છું. એક્ટિવિસ્ટ હતો ત્યારે આવ્યો હતો. જેટલી વાર અહીં આવીએ છીએ એટલી વાર શાંતિનો અનુભવ થાય છે. એવું લાગે છે કે અહીં ગાંધીજીની આત્મા વસે છે. ભગવંત માને કહ્યું હું જે ધરતી પરથી આવું છું એ શહીદોની ધરતી છે. પંજાબના દરેક ઘરમાં ચરખો છે. ત્યાંની મહિલાઓ પારંપરિક ગીતો ગાય છે અને ચરખાથી સૂતર પણ કાંતે છે.

હૃદયકુંજ ​​​​નિહાળીને રેટિંયો કાંત્યો
ગાંધી આશ્રમની મુલાકાતને પગલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. સવારથી જ ગાંધી આશ્રમમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આશ્રમમાં આવનારી દરેક વ્યક્તિને ચેક કરવામાં આવી હતી. તેમની પૂછપરછ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, 2 DCP અને એસીપી સહિતના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સમગ્ર હૃદયકુંજ નિહાળ્યું હતું. ત્યાર બાદ તેમણે રેંટિયો કાંત્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post