• Home
  • News
  • અનલોક-4માં આજથી મેટ્રોની સફર:5 મહિના પછી દિલ્હીમાં યલો લાઈન રૂટ પર મેટ્રો શરૂ, માસ્ક વગર એન્ટ્રી નહીં; જયપુરમાં એક કોચમાં 50 લોકો જ બેસી શકશે
post

કોરોનાના કારણે દેશમાં માર્ચથી મેટ્રો ટ્રેન સર્વિસ બંધ હતી, અનલોક-4માં તબક્કાવાર ચલાવવાનો નિર્ણય કરાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 10:38:16

દેશમાં પાંચ મહિના પછી સોમવારે મેટ્રો સર્વિસ શરૂ થઈ ગઈ છે. દિલ્હી-NCR, ચેન્નાઈ, બેંગલુરુ, કોચ્ચિ, હૈદરાબાદ, જયપુર, લખનઉ, અને અમદાવાદમાં લોકો હવે ફરી મેટ્રોની સવારી કરી શકશે. કોલકાતામાં 8 સપ્ટેમ્બરથી સર્વિસ શરૂ થશે. કોરોનાના કારણે 25 માર્ચે આખા દેશમાં મેટ્રો સર્વિસ બંધ કરી દેવાઈ હતી.

દિલ્હીમાં 169 દિવસો પછી મેટ્રો સર્વિસ શરૂ થઈ છે. પહેલા તબક્કામાં યલો લાઈન રૂટ પર શરૂઆત કરવામાં આવી છે. યલો લાઈન સમયપુર બાદલીને હુડા સેન્ટર સાથે જોડે છે. મેટ્રોની સફરમાં યાત્રિઓએ માસ્ક પહેરવા જેવી ઘણી શરતોનું ધ્યાન રાખવું પડશે. જયપુર મેટ્રોના એક કોચમાં 50થી વધુ લોકોને એન્ટ્રી નહીં મળે.

અનલોક-4માં કેન્દ્ર સરકારે 7 સપ્ટેમ્બરે તબક્કાવાર મેટ્રો શરૂ કરવાની જાહેરાત કરી હતી. ત્યારપછી 2 સપ્ટેમ્બરે મેટ્રો માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. જેના હેઠળ યાત્રિઓને ફેસ માસ્ક પહેરવાની સાથે સાથે સોશિયલ ડિસટન્સીંગના નિયમોનું પાલન કરવાનું છે. માત્ર સ્માર્ટ કાર્ડથી યાત્રા કરી શકશે. કેશલેસ ટ્રાન્જેક્શન થશે. જેના માટે ઓનલાઈન ટ્રાન્જેક્શનની મંજૂરી હશે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા મેટ્રો સ્ટેશન હાલ બંધ જ રહેશે.

દિલ્હીઃ યાત્રિ ઓછો સામાન લઈ જાય
દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન(DMRC) આ માટે છેલ્લા સાત દિવસથી તૈયારી કરી રહ્યો હતો. રવિવારે કોચની સાફ સફાઈ સાથે સાથે સેનેટાઈઝેશન કરવામાં આવ્યું. DMRCએ જણાવ્યું કે, મેટ્રો સ્ટેશનમાં કોઈને પણ માસ્ક વગર એન્ટ્રી નહીં આપવામાં આવે. જો કોઈ માસ્ક લાવવાનું ભૂલી જશે, તો સ્ટેશન પર પૈસા આપીને માસ્ક લઈ શકે છે.

આ ઉપરાંત જો કોઈ બિમાર છે અથવા સંક્રમણના હળવા લક્ષણ છે, તો એવી વ્યક્તિને પણ એન્ટ્રી નહીં મળે. DMRCએ લોકોને જરૂરી હોય તો જ મુસાફરી કરવા અને યાત્રા દરમિયાન ઓછી વાતચીત કરવાની અપીલ કરી છે.


આ વાતોનું ધ્યાન રાખો

·         ઓછા સામાન સાથે યાત્રા કરો. સ્ટેશન પર ફાસ્ટ એન્ટ્રી માટે મેટલમાંથી બનાવાયેલો ઓછામાં ઓછો સામાન લઈને ચાલો.

·         યાત્રિ હેન્ડ સેનેટાઈઝરની 30 MMની પોકેટ સાઈઝ બોટલ જ રાખી શકશે.

·         પીક અવર્સમાં ભીડથી બચવા માટે ઓફિસ ટાઈમ એડજસ્ટ કરો. પ્રયાસ કરો કે પીક અવર્સ પહેલા ઓફિસ માટે નીકળી શકો અને પાછા આવી શકો.

·         દિલ્હીના 45 સ્ટેશનો પર ઓટો થર્મલ સાથે હેન્ડ સેનેટાઈઝેશન મશીનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બાકી મેટ્રો સ્ટેશન પર ઓટો સેનેટાઈઝર ડિસ્પેસર્સ લાગેલા છે. આ ઉપરાંત થર્મલ સ્ક્રીનિંગ મેનુઅલી કરાશે.

જયપુરઃ એક કોચમાં 50 લોકો બેસી શકશે
જયપુર મેટ્રોના એક કોચમાં વધુમાં વધુ 50 લોકો બેસી શકશે. રાતે 10 વાગ્યે છેલ્લી ટ્રેન દોડશે. મુસાફરી દરમિયાન યાત્રિ રેડ ક્રોસ વાળી સીટ પર નહીં બેસી શકે. ACનું ટેમ્પરેચર 24 થી 28 ડિગ્રી વચ્ચે જ રાખવામાં આવશે. લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરવો પડશે.

ચેન્નાઈઃ એક કોચમાં 7 સીટર બેંચ પર 3 લોકો બેસી શકશે
ચેન્નાઈમાં મેટ્રો ટ્રેનના એક કોચમાં 7 સીટર બેંચ પર માત્ર ત્રણ લોકોને બેસવાની જ મંજૂરી હશે. એક વખતમાં માત્ર 4 લોકો જ એસ્ક્લેટર યૂઝ કરી શકશે. મેટ્રો સ્ટેશનમાં એન્ટ્રી પહેલા તમામનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.જેના માટે એક હજારથી વધુ વોલેન્ટિયર્સ તહેનાત કરવામાં આવ્યા છે. પીક ટાઈમ પર દર 10 મિનીટમાં અને નોન પીક ટાઈમમાં દર 15 મિનીટમાં મેટ્રો ટ્રેન દોડશે. ચેન્નાઈ મેટ્રો રેલવે લિમિટેડે ફુટ ઓપરેટેડ લિફ્ટની વ્યવસ્થા કરી છે. આનાથી એલિવેટર બટનને દબાવવું નહીં પડે.

બેંગલુરુઃ ટ્રેન પાંચ મિનીટની ગેપથી ચાલશે
બેંગલુરુ મેટ્રો રેલવે કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, ટ્રેન સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને પછી સાંજે 4.30 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી ચાલશે. ટ્રેન પાંચ મિનીટના ગેપમાં દોડશે. આ ઉપરાંત 11 સપ્ટેમ્બરથી તમામ લાઈનો પર મેટ્રો રેલવે સવારે 7 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી ચાલશે.

કોલકાતાઃ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે મેટ્રો
કોલકાતામાં 8 સપ્ટેમ્બરથી અલગ અલગ તબક્કામાં મેટ્રો ટ્રેન ચલાવાશે. ટોકનની વ્યવસ્થા નહીં હોય. પહેલા જેમની પાસે સ્માર્ટ કાર્ડ હશે, એ જ યાત્રા કરી શકશે. નવું સ્માર્ટ કાર્ડ હાલ જાહેર કરવામાં આવ્યું નથી. સ્માર્ટ કાર્ડને ઓનલાઈન રિચાર્જ કરાવી શકાશે. જે ઓનલાઈન નથી કરાવી શકતા, તે કાઉન્ટર પર જઈને રિચાર્જ કરાવી શકશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post