• Home
  • News
  • લીંબડીમાં જ્ઞાતિવાદની ગાડી ટોપ ગેરમાં:વિવાદ અને વિલંબ પછી ભાજપે લીંબડી વિધાનસભા બેઠક પર જૂના જોગી કિરીટસિંહ રાણાને ટિકિટ આપી
post

ભાજપે ક્ષત્રિયને ટિકિટ આપતા હવે કોંગ્રેસ કોળી ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-14 08:59:47

અગાઉની બેઠકોમાં ચર્ચા દરમિયાન નક્કી થયા મુજબ જ જ્ઞાતિવાદને અવગણીને ભાજપે પોતાના જૂના જોગી કિરીટસિંહ રાણાને આ બેઠક પરથી ટિકિટ જાહેર કરી છે. મંગળવારે મોડી સાંજે કોળી મતદારોની બહુમતી ધરાવતી આ બેઠક માટે ભાજપે ક્ષત્રિય નેતા રાણાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

આ સમીકરણથી ભાજપમાં અને સ્થાનિક રાજનીતિમાં એક રસપ્રદ પ્રકરણ ઉમેરાયું છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપના કોળી આગેવાનો જ આ બેઠક પર કોળી ઉમેદવારની માગ કરી રહ્યા હતા. પરંતુ મીતભાષી રાણાને માથે કળશ ઢોળ્યો છે. કોંગ્રેસ અહીં કોળી ઉમેદવારને જ ટિકિટ આપવાની હોવાથી અહીં સીધો જંગ ક્ષત્રિય વિરુદ્ધ કોળી ઉમેદવારનો થશે.

આ અગાઉ કિરીટસિંહ રાણા રાજ્યકક્ષાના મંત્રી અને સંસદીય સચિવ રહી ચૂક્યા છે. 2012 અને 2017માં રાણા વિધાનસભાની સામાન્ય ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઇ કોળીપટેલ સામે અને 2002માં ભવાન ભરવાડ સામે હાર્યા હતા. જોકે 2014ની લોકસભા ચૂંટણીમાં સોમાભાઇ કોળી પટેલે ઉમેદવારી કરી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેથી યોજાયેલી પેટાચૂંટણીમાં રાણા જીત્યા હતા. આ પૂર્વે 1990માં કિરીટસિંહના પિતા જીતુભા અને ત્યારબાદ 1995, 1998 અને 2007માં કિરીટસિંહ આ બેઠક પરથી ચૂંટાયા હતા.

આ તરફ કોંગ્રેસ અહીં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસી નેતા કરમશી મકવાણાના કૌટુંબિક કલ્પના મકવાણાને ટિકિટ આપે તેવી ખૂબ મોટી શક્યતા છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે જેરામ મેણિયા નામના સ્થાનિક કોળી નેતાનો વિકલ્પ પણ ઊભો રખાયો છે. જો સોમાભાઇ અહીંથી અપક્ષ ઊભા રહે તો કોળી મતો વહેંચાતા ભાજપને ફાયદો થશે.

આઠેય બેઠકો માટે કોંગ્રેસ પોતાનો અલગ ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે
કોંગ્રેસે આ ચૂંટણીઓ માટે આ વખતે બેઠક દીઠ અલગ-અલગ ચૂંટણીઢંઢેરા જાહેર કરવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચૂંટણી સંપૂર્ણ રીતે સ્થાનિક મુદ્દાઓ પર જ લડાશે તેથી દરેક બેઠકની તાસીર અલગ હોવાથી અલગ-અલગ ચૂંટણી ઢંઢેરા બનાવી લોકો સમક્ષ મુકાશે. કોંગ્રેસ સામાન્ય મુદ્દા તરીકે કોરોના સંક્રમણ અને મૃત્યુની સંખ્યા તથા સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોની નિષ્ફળતા, કૃષિબિલ તથા ખેડૂતોને લગતી સમસ્યાઓ, શાળા ફીની માફી, લોકડાઉન અને કથળતા અર્થતંત્રને કારણે ઊભી થયેલી બેરોજગારી, ગરીબી, મોંઘવારી વગેરે તારવી રાખ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post