• Home
  • News
  • દ્વારકા બાદ ડાકોરમાં પણ ટૂંકાં વસ્રો પહેરી આવનારને 'NO ENTRY':હિન્દુ સંસ્કૃતિની ગરિમા જાળવી રાખવા મંદિર પ્રશાસનનો મહત્ત્વનો નિર્ણય, દરેક જગ્યાએ નોટિસો લગાવાઈ
post

80 ટકા સુધી શરીર ઢંકાયેલું હશે તેમને જ પ્રવેશ અપાશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-15 20:47:15

ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં મંદિર પ્રશાસને મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેમાં દ્વારકા બાદ હવે ડાકોર રણછોડરાય મંદિરમાં પણ ટૂંકાં વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવાયો છે. એ માટે ભક્તો અને વૈષ્ણવોને અપીલ કરાઈ છે. આ માટે મંદિર પરિસરમાં નોટિસ પણ લગાવાઈ છે.

ડાકોર રણછોડજી મંદિર ટ્રસ્ટે મહત્ત્વનો નિર્ણય લીધો
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હવે ભક્તો, વૈષ્ણવૌને ટૂંકાં વસ્ત્રો પહેરીને દર્શન માટે આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. હિન્દુ સંસ્કૃતિને લાંછન લાગતું હોય, ભક્તો આવાં ટૂંકાં વસ્ત્રો પહેરી દર્શન કરવા આવતાં ભગવાનની ગરિમા લજવાતી હોય છે. એને પગલે ડાકોર રણછોડજી મંદિર ટ્રસ્ટે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. જોકે આ અગાઉ પણ આ જ રીતે એક ઠરાવ પસાર કરીને નોટિસો લગાવવામાં આવી હતી. હાલ પણ ઠરાવ પસાર કરીને દરેક જગ્યાએ નોટિસો લગાવવામાં આવી છે.

ભક્તોને ખાસ અપીલ કરાઈ
મંદિરના ઈન્ચાર્જ મેનેજર રવીન્દ્ર ઉપાધ્યાએ જણાવ્યું હતું કે અગાઉ પણ આ ઠરાવ થયો હતો અને અપીલ કરાઈ હતી. આજે પુનઃ આ નિર્ણય લઈ મંદિર પરિસરમાં પેમ્ફલેટો સહિત નોટિસ લગાવવામાં આવી છે અને ભક્તોને અપીલ કરાઈ છે.

તાજેતરમાં દ્વારકા મંદિરમાં પણ ટૂંકાં વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો
ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થધામ છે. અહીં રોજ હજારો ભક્તો ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે દ્વારકા મંદિરમાં પણ ભક્તો માટે એક મોટો પ્રતિબંધ મુકાયો હતો. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને ટૂંકાં વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામાં આવ્યું છે. આ નિર્ણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો.

માહિતગાર કરતાં બેનરો મંદિરોનાં વિવિધ સ્થળે લગાવાયાં
ભારતીય સંસ્કૃતિને શોભે એવાં વસ્ત્રો પહેરેલાં હશે તેમને જ દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ મળશે. ભાવિકની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અંગે તંત્ર દ્વારા અનેક ભાષા સાથે માહિતગાર કરતાં બેનરો મંદિરોનાં વિવિધ સ્થળે લગાવવામાં આવ્યાં છે. યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રાળુઓને ભારતીય સંસ્કૃતિ અનુસાર વસ્ત્રો પહેરવા અંગે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

દ્વારકા અને ડાકોર ઉપરાંત ગુજરાતનાં આ મંદિરોમાં પણ ટૂંકાં વસ્ત્રો પર છે પ્રતિબંધ
બનાસકાંઠાના અંબાજી મંદિરમાં પણ ટૂંકાં વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે એવો નિયમ છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશદ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી હતી, સાથે શામળાજી મંદિરમાં પણ ટૂંકાં વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

80 ટકા સુધી શરીર ઢંકાયેલું હશે તેમને જ પ્રવેશ અપાશે
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી યુવક-યુવતીઓ પાશ્ચાત્ય પહેરવેશના મોહમાં ફેશનેબલ દેખાવા ટૂંકાં કપડાં પહેરીને મંદિરોમાં જાય છે. આવા સમયે યુવક-યુવતીઓને મંદિરમાં જતાં રોકવામાં આવતાં વિવાદ થાય છે. પરિણામે, મંદિરોમાં ભગવાનનાં દર્શન માટે ડ્રેસકોડ લાગુ કરવાની ભલામણ સમાજના ચોક્કસ વર્ગમાંથી કરવામાં આવતી હતી. દેશનાં અનેક મંદિરોમાં એવા નિયમો છે કે, જેમનું શરીર 80 ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે. તો વિવિધ મંદિરોએ ડ્રેસકોડ પણ લાગુ કર્યો છે. મંદિરના સત્તાવાળાઓ ભક્તોને વિનંતી કરે છે કે, મહેરબાની કરીને ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં આવતા નહીં. જોકે, કોઈ ભાવિક મિની સ્કર્ટ કે બર્મુડા પહેરીને આવી જાય તો કેટલાંક મંદિરોમાં પીતાંબર અને ધોતીની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ માટે દુપટ્ટાની વ્યવસ્થા કરવામાં આવે છે.

adv

Related News

post
post
post
post
post
post
post