• Home
  • News
  • ગુજરાત ધડાકા કરશે:રાજસ્થાન, બંગાળ, મધ્યપ્રદેશ પછી હવે દિલ્હીમાં પણ ફટાકડા પર પ્રતિબંધ પણ ગુજરાતમાં ફટાકડા ફૂટશે, સરકાર માને છે કે કોરોનાની નિરાશા દૂર કરવા તહેવારોનો ઉત્સાહ જરૂરી
post

ગુજરાતીઓ નવરાત્રિમાં ગરબા ન ગાઇ શક્યા પણ દિવાળીમાં સરકાર ફટાકડા પર પ્રતિબંધ નહીં મૂકે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 09:49:50

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત સરકાર પાસેથી દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાગુ કરવા અંગે નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જો કે ગુજરાત સરકાર ફટાકડા પર બ્લેન્કેટ બેનની જેમ પ્રતિબંધ લાગુ કરવાના મૂડમાં નથી. ગુજરાત સરકાર આ મુજબ જ ટ્રિબ્યુનલને જવાબ પાઠવવા જઇ રહી છે.

ગુજરાત સરકારના ખૂબ વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળભૂત રીતે નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અને ગરબા રમે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભય રહેલો હતો તેથી ગરબા પર પ્રતિબંધ મૂકાયો હતો. પરંતુ ગુજરાત સરકાર દિવાળીના તહેવારો પર ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં નથી, કારણ કે દિવાળી સાથે ગુજરાતી નવું વર્ષ આવે છે તથા આઠ મહિના લાંબા લોકડાઉનથી કંટાળેલા લોકોના જીવનમાં દિવાળીના પર્વ દરમિયાન આનંદ અને ઉલ્લાસનો પ્રકાશ ફેલાય તે માટે સરકાર આ પ્રતિબંધ ઇચ્છતી નથી. મુખ્યમંત્રી પણ ઇચ્છે છે કે લોકો ખુશ રહેશે તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાશે. જો કે રાબેતા મુજબ દિવાળીના તહેવારોમાં રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી ફટાકડાં ફોડવા પર જે મનાઈ ફરમાવવામાં આવે છે તે યથાવત્ રહેશે, તેમ સૂત્રો જણાવે છે.

સુપ્રીમકોર્ટે અગાઉ કહ્યું હતું કે દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી શકાય નહીં
અગાઉ સુપ્રીમકોર્ટમાં 2018ની સાલમાં ફટાકડાંના ઉત્પાદન, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ અને નિયંત્રણો માંગતી થયેલી અરજી સંદર્ભે જસ્ટિસ એ કે સિક્રી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે હુકમ કર્યો હતો કે દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી શકાય નહીં. તેમણે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધની માંગ ફગાવતાં આ માટેની સમયમર્યાદા નક્કી કરી હતી.

ફટાકડા અને દિવાળીને લઇને એક એસઓપી બની શકે
ગુજરાત સરકાર એક એસઓપી(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ જારી કરે તેવી શક્યતા છે. ફટાકડાં ફોડવાનો સામૂહિક કાર્યક્રમ નહીં થઇ શકે કે જેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ શકે, પરંતુ લોકો પોતાના ઘરના પટાંગણમાં સુરક્ષા જળવાય તે રીતે ફટાકડા ફોડી શકશે. આ ઉપરાંત દિવાળી અને નવા વર્ષના સંમેલનો મર્યાદિત સંખ્યામાં લોકો આવે તે રીતે થઇ શકશે. તદુપરાંત ફટાકડાના વેચાણ માટે પોલિસ અને સ્થાનિક પ્રશાસન પાસેથી મંજૂરી ફરજિયાત રહેશે.

આ જગ્યાએ પ્રતિબંધ
રાજસ્થાનમાં ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મુકાયો
સૌ પહેલા રાજસ્થાન સરકારે રાજ્યમાં ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.

બંગાળમાં કાલી પૂજા અને દિવાળીમાં ફટાકડા નહીં ફોડાય
કોરોનાને કારણે રાજસ્થાન પછી પશ્ચિમ બંગાળે પણ કાલી પૂજા અને દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.

મધ્યપ્રદેશ, ઓડિશા અને દિલ્હીમાં ગુરુવારે પ્રતિબંધ મુકાયો
કોરોના અને વધતા પ્રદૂષણને કારણે ગુરુવારે મ.પ્ર., દિલ્હી અને ઓડિશામાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post