• Home
  • News
  • અમદાવાદ અને સુરત દેશના સૌથી સંક્રમિત ટોપ 10 શહેરોમાં પહોંચ્યા
post

અમદાવાદ 9,449 કેસ સાથે ત્રીજા સ્થાને તો સુરત 1,227 કેસ સાથે 10મા ક્રમે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 10:01:17

અમદાવાદ: ગુરુવારે ગુજરાતમાં કોરોનાના નવા 368 પોઝિટિવ કેસ નોંધાયા હતાં અને તેની સાથે કુલ કેસનો આંકડો 12,905 પર પહોંચ્યો છે. જ્યારે 24 નવા મૃત્યુ નોંધાયા હતા અને 269 લોકો રીકવર થઇને પરત ફર્યાં છે. આ તરફ અમદાવાદ અને સુરતનો દેશના 10 સૌથી સંક્રમિત શહેરોમાં સમાવેશ થયો છે. જેમાં 9,449 કેસ સાથે અમદાવાદ ત્રીજા ક્રમે તો 1,227 કેસ સાથે સુરત 10મા સ્થાને છે. 24,128 પોઝિટિવ કેસ સાથે મુંબઈ યાદીમાં ટોચના ક્રમે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 5,488 દર્દીઓ સાજા થયાં છે. આરોગ્ય સચિવે ગુરુવારે જાહેર કરેલા આંકડા મુજબ સૂરતમાં હાલ રીકવરીનો રેટ 67 ટકા નોંધાયો છે જે આખા દેશની કુલ સરેરાશના બમણાંથી પણ વધુ છે. આરોગ્ય સચિવે જાહેર કરેલાં આંકડા મુજબ જે-તે શહેરમાં કુલ નોંધાયેલા કેસની સામે સાજા થયેલાં દર્દીઓની ટકાવારી જોઇએ તો સૂરતમાં આ દર 67 ટકાથી વધુ, વડોદરામાં 62.66 ટકા, રાજકોટમાં 67 ટકા જ્યારે ભાવનગરમાં 73.68 ટકા છે. જો કે આ સિવાયના મોટા શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કેસોની સંખ્યા કુલ વસ્તીની દૃષ્ટિએ વધુ છે ત્યાંની સ્થિતિ જોઇએ તો અમદાવાદમાં રીકવરી રેટ માત્ર 35.24 ટકા છે જ્યારે ગાંધીનગરમાં આ દર 45.45 ટકા છે.


અમદાવાદ 17 કેસો સાથે કાયમની માફક મોખરે રહ્યું
આ તરફ સમગ્ર ગુજરાતમાં કુલ મૃત્યુ આંક છેલ્લાં 24 કલાકના સમયગાળમાં 24નો નોંધાયો છે અને કુલ મૃત્યુ આંક 773 પર પહોંચ્યો છે, તે પૈકી છ દર્દીઓનું મોત માત્ર કોરોનાના સંક્રમણને કારણે જ્યારે 18 દર્દીઓના મોત કોરોના સિવાય અન્ય સામાન્યથી માંડીને ગંભીર બિમારીને કારણે થયાં હતાં. મૃત્યુના કિસ્સાઓમાં પણ અમદાવાદ 17 કેસો સાથે કાયમની માફક મોખરે રહ્યું છે. ગુજરાત સરકારે જાહેર કરેલાં આંકડા મુજબ આજે 52 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ નાજુક છે. જ્યારે સારવાર લઇ રહેલાં અન્ય 6,597 દર્દીઓની હાલત હાલ સ્થિર છે.


રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 4,368 પોઝિટિવ કેસો 
રાજ્યમાં 10 દિવસમાં કોરોનાના કુલ 4,368 કેસ નોંધાયા છે જે ગુરુવાર સુધીમાં નોંધાયેલાં 12,910 કેસના ત્રીજા ભાગના થવા જાય છે. જ્યારે ડબલિંગ રેટ જોઇએ તો અગાઉ છ મેના રોજ 6,625 કેસ નોંધાયા હતા તેથી ડબલિંગ રેટ લગભગ પંદરથી સોળ દિવસનો થયો છે જે સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી હોવાનો સંકેત આપે છે. દસ દિવસમાં નોંધાયેલાં 4,368 પૈકી માત્ર અમદાવાદમાં જ 3,363 કેસ નોંધાયા છે જ્યારે 1,005 કેસ ગુજરાતના બાકીના શહેરો અને વિસ્તારોમાં નોંધાયા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post