• Home
  • News
  • અમદાવાદ-સુરત-રાજકોટની જનતા પર દોઢો ટેક્સ ઝીંકાયો, અમદાવાદી અને રાજકોટીયન્સના માથે પર્યાવરણ માટે યુઝર ચાર્જ
post

અમદાવાદની 72 લાખ, સુરતમાં 66.37 લાખ અને રાજકોટમાં 17.73 લાખ વસ્તી છે. ત્યારે આ ત્રણેય શહેરની દોઢ કરોડ વસ્તીને આવરી લેતું બજેટ રાજ્યના મિની બજેટના રૂપમાં રજૂ થયું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-31 18:35:12

આજે ગુજરાતનાં ત્રણ મહાનગરોનું કોર્પોરેશનનું બજેટ રજૂ કરાયું છે. ગુજરાતનું મિની બજેટ કહી શકાય તેમ રાજ્યનાં અમદાવાદ, રાજકોટ અને સુરતનું મનપાનું બજેટ આજે ત્રણેય શહેરના મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના ચૂંટાયેલા સત્તાધીશો સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને રૂ. 8400 કરોડ, સુરતમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રૂ. 7707 કરોડ અને રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રૂ. 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. અમદાવાદની 72 લાખ, સુરતમાં 66.37 લાખ અને રાજકોટમાં 17.73 લાખ વસ્તી છે. ત્યારે આ ત્રણેય શહેરની દોઢ કરોડ વસ્તીને આવરી લેતું બજેટ રાજ્યના મિની બજેટના રૂપમાં રજૂ થયું છે.

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બમણો કરાયો છે. તો સૌ પ્રથમવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવા નક્કી કરાયું છે. ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરી દેવાયો છે. કુલ મળીને અમદાવાદીઓ પર 475 કરોડનો બોજ પડશે. તો સુરતી પર 307 કરોડનો વધારાનો વેરો ઝીંકાયો છે. રહેણાક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. 4નો વધારો, બિન રહેણાક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 10નો વધારો કરાયો છે. વાત કરીએ રાજકોટની તો રાજકોટીયન્સ પર મિલકત વેરા અને પાણી વેરામાં તોતિંગ વધારો ઝીંકાયો છે. રહેણાક મકાનોમાં પાણી વેરો 840 રૂપિયાથી વધારીને 2400 રૂપિયા કરાયો છે તો કોમર્શિયલનો 1680થી વધારીને રૂપિયા 4800 કરાયો છે. આમ મોંઘવારીનો માર ઝીલતાં ત્રણેય શહેરના લોકો પર ટેક્સનું ભારણ વધારાયું છે.

અમદાવાદીઓના માથે ટેક્સનું 475 કરોડનું ભારણ નખાયું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ષ 2023- 24નું રૂ. 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજૂ કર્યું છે. ગત વર્ષના મ્યુનિસિપલ કમિશનરના 8111 કરોડના બજેટ કરતાં રૂ. 289 કરોડની રકમનો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે આજે ચૂંટાયેલી પાંખ ભાજપના શાસકો સમક્ષ રજૂ કર્યું હતું. AMCના વધતાં જતા વહીવટી ખર્ચા અને રાજ્ય સરકારની મળતી ઓક્ટ્રોયની ગ્રાન્ટની ઓછી રકમને લઈ ટેક્સમાં વધારો કર્યો છે. પ્રોપર્ટી ટેક્સમાં વધારાના કારણે 350 કરોડ રૂપિયાની આવક થશે. એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસના કારણે 45 કરોડની આવક થશે, ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝર ચાર્જમાં વધારાના કારણે 80 કરોડની આવક થશે. આમ અંદાજે 475 કરોડથી વધુની આવકનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધારો થશે.

આ કારણોને લઈ અમદાવાદના નાગરિકો પર વિવિધ ટેક્સનું ભારણ નાખવામાં આવ્યું છે. જેમાં પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે શહેરમાં ફેલાતા પ્રદૂષણને રોકવા માટે નવો એન્વાયર્મેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવાનું પણ કમિશનરે સૂચન કર્યું છે. ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરી દેવામાં આવ્યો છે. ફુગાવાના દર પ્રાથમિક સુવિધાઓના ખર્ચ વગેરેને પહોંચી વળવા કાયમી ધોરણે પ્રોપર્ટી ટેક્સના લેટિંગ રેટમાં પણ 5 ટકાનો વધારો કરવા સૂચન કરાયું છે.

નવા સમાવિષ્ટ વિસ્તારોના કારણે માળખાગત સુવિધા-અન્ય સેવાઓનો વ્યાપ વધ્યો
AMC કમિશનર એમ. થેંન્નારેસને ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2013માં શહેરની વસ્તી 55 લાખ હતી. જે વર્ષ 2023માં 72 લાખ થઈ છે. શહેરનો હદનો વિસ્તાર 2013માં બોપલ, ઘુમા, ચિલોડા, કઠવાડા, હંસપુરા અને નવા નિકોલ વગેરે વધીને 481 ચોરસ મીટરનો થયો છે. વર્ષ 2013નું બજેટ 4181 કરોડ હતું અને ગત વર્ષનું બજેટ 8,111 કરોડનું હતું. દર વર્ષે પાંચ ટકા પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનું સૂચન કર્યું છે. નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારોના કારણે માળખાગત સુવિધા અને અન્ય સેવાઓનો વ્યાપ વધ્યો છે.

દસ વર્ષમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો અને જીએસટી અમલના કારણે ટેન્ડર કોસ્ટમાં વધારો થયો છે. જ્યારે AMTS, BRTS, AMC MET, કુલ બોર્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટને દર વર્ષે રૂ.1221 કરોડ ચૂકવવાના થાય છે. પ્રોપર્ટી ટેક્સમાં વધારાના કારણે 400 કરોડ રૂપિયાની આવક થશે. એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસના કારણે 60 કરોડની આવક થશે ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝર ચાર્જમાં વધારાના કારણે 140-150 કરોડની આવક થશે આમ અંદાજે 600 કરોડથી વધુની આવકનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધારો થશે.

સુરતનું સૌથી હાઈએસ્ટ 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ
સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા અત્યાર સુધીનું હાઈએસ્ટ 2023-24નું 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ ખર્ચ કેપિટલ પ્રોજેક્ટ ઉપર કરવામાં આવશે. જૂના અને નવા સમાવેશ થયેલા વિસ્તારો માટેની કામગીરી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ સાથે જ સુરતી પર 307 કરોડનો વધારાનો વેરો ઝીંકવામાં આવ્યો છે. રહેણાક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. 4નો વધારો, બિનરહેણાક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 10નો વધારો કરાયો છે. સામાન્ય વેરામાં અંદાજિત વધારો રૂ. 152.18 કરોડ, યુઝર ચાર્જીસમાં અંદાજિત વધારો રૂ. 148.66 કરોડ, વોટર મીટર ચાર્જીસમાં વધારો રૂ. 6 કરોડ કરાયો છે.

કેપિટલ કામ પાછળ સૌથી વધુ ખર્ચ
સુરત મહાનગરપાલિકા દ્વારા કેપિટલ પ્રોજેક્ટની પાછળ 3519 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય કરાયો છે. કેપિટલ ખર્ચ પાછળ સૌથી વધુ ખર્ચ કરવા પાછળ રહેતા લોકોને સુવિધાઓ ઝડપથી પૂરી પાડવા માટેનો છે. ઇન્ટેવેલ અને ફ્રેન્ચવેલની ઝડપથી કરવામાં આવશે. સુરત શહેરમાં નવા ત્રણ બ્રિજ બનાવવા માટે કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24ના બજેટમાં ત્રણ નવા બ્રિજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. એક બ્રિજ 60 કરોડના ખર્ચે તો બીજા 2 બ્રિજ નવા સમાવિષ્ટ વિસ્તાર અને શહેરને જોડનારા બનશે, જેમની પાછળ 40 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ છે. ભારતમાં સૌ પ્રથમ સુરતના હયાત બ્રિજને "ગ્રીન બ્રિજ" તરીકે વિકસાવવામાં આવશે.

રાજકોટની જનતાને 156 વોટનો ઝટકો
રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ આજ રોજ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ 2586.82 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ શહેરની જનતાને 156 વોટનો ઝટકો આપી મિલકત વેરા અને પાણી વેરામાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. બજેટની અંદર રહેણાક મકાનોમાં પાણી વેરો 840 રૂપિયાથી વધારીને 2400 રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે કોમર્શિયલની અંદર 1680થી વધારીને રૂપિયા 4800 કરવામાં આવ્યો છે.

એન્વાયરમેન્ટ ટેક્સનો ઉમેરો
આ સાથે મિલકત વેરામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તેમાં રહેણાક મિલકતમાં વેરો પ્રતિ ચોરસ મીટર 11 રૂપિયા હતો જે વધારીને 13 રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે કોમર્શિયલ મિલકતની અંદર 22 રૂપિયાથી વધારીને 25 રૂપિયા કરવામાં આવ્યો છે. આ વર્ષે એન્વાયરમેન્ટ ટેક્સનો ઉમેરો કરવામાં આવ્યો છે જેમાં કોમર્શિયલ મિલકતનો કાર્પેટ એરિયા 50 ચોરસ મીટરથી વધુ હોય તેવી મિલકતોના સામાન્ય કરના 13% લેખે નિયત ટેક્સ વસૂલાત કરાશે.

27 જાન્યુઆરીએ વડોદરાનું બજેટ રજૂ થયું
વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2023-24નું રૂ.4761 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં શહેરનાં વિવિધ વિકાસ કામો કરવા માટે એન્વાઇરમેન્ટ સહિત વધારાના 79 કરોડનો કર દરનું સૂચન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન વિવિધ વિકાસનાં કામો પાછળ રૂપિયા 950 કરોડનો ખર્ચ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વડોદરા મનપાનું ગત બજેટ રૂપિયા 3838.67 કરોડનું હતું. જેને વધારીને 4761 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે. હાલ કોર્પોરેશનને વેરામાંથી 542 કરોડની આવક થઈ રહી છે. જે વધીને 900 કરોડ સુધી પહોંચે તેવું અનુમાન છે.

નવાં સમાવિષ્ટ ગામોમાં પ્રાથમિક સુવિધા પૂરી પડાશે
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન પાણીનું નેટવર્ક વિસ્તાર માટે ભાયલી, ઊંડેરા, તરસાલી, કરોડિયા, બિલ, વેમાલી ગોરવા, નિમેટા લાઈન, બાપોદ જાંબુડિયાપુરા, ઓજી વિસ્તારમાં અંદાજે 20 જેટલા પ્રોજેક્ટ પાછળ રૂપિયા 811.13 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત રામેશરા કેનાલ તથા રાયકા ફ્રેન્ચવેલથી નવો પાણીનો સ્ત્રોત ઊભો કરવા રૂપિયા 505 કરોડનો ખર્ચ કરાશે. વડોદરામાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇનો છે. ડ્રેનેજ નેટવર્ક માટે તરસાલી, ગોરવા, કરોળિયા, બિલ, ઉંડેરા, સેવાસી, શેરખી, ભાયલી સહિતના વિસ્તારોમાં એસટીપી પ્લાન્ટ, એપીએસ, ડ્રેનેજ ગ્રેવિટી લાઈન, પ્રેશર લાઈન, ઔકસલરી પંપિંગ સ્ટેશન સહિતની જરૂરી સુવિધા ઊભી કરવા અંદાજે 22 પ્રોજેક્ટ પાછળ 795.60 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ શહેરના સયાજીબાગ ગાર્ડનમાં અપગ્રેડેશન પ્રક્રિયા કોર્પોરેશન હાથ ધરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post